શાળાઓ અને કોલેજો ખૂલ્યા બાદ બાળકોમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.
- શાળાનાં બાળકોને કોરોના વાઇરસ નિશાન બનાવી રહ્યો છે
- શાળાઓ ખૂલતાં મોટી સંખ્યામાં બાળકોનું કોરોના પોઝિટિવ થયાનું ભયાનક ચિત્ર સામે આવ્યું
દેશમાં કોરોના વાઇરસનો કહેર હજુ સમાપ્ત થયો નથી. કોરોનાની બીજી લહેર હજી પૂરી થઈ નથી ત્યાં ત્રીજી લહેર પણ દસ્તક દેવા લાગી છે. દેશનાં ઘણાં રાજ્યોમાં એક તરફ જ્યાં પ્રતિબંધો ચાલુ છે, કેટલાંક સ્થળોએ નવા કેસોની વધતી સંખ્યા ચિંતા વધારી રહી છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે હવે શાળાઓ ખોલવાને કારણે બાળકો પર ખતરો મંડરાઈ રહ્યો છે. કર્ણાટક અને બેંગલુરુમાં કંઈક આવું જ જોવા મળ્યું છે.
બેંગલુરુમાં શાળાનાં બાળકો પર કોરોનાનો કહેર
કોરોના વાઇરસના કેસ ઘટ્યા બાદ ઘણી જગ્યાએ શાળાઓ અને કોલેજો ખોલવામાં આવી છે. આવું જ કર્ણાટકના બેંગલુરુમાં પણ થયું. હાલમાં જાહેર થયેલા આંકડામાંથી જે ચિત્ર સામે આવ્યું છે એ ભયાનક છે. અહીં લગભગ 6 દિવસમાં 300થી વધુ બાળકો કોરોના સંક્રમણની ઝપેટમાં આવી ગયાં છે.
બેંગલુરુ જેવા મોટા શહેરનો આ આંકડો રાજ્યમાં સૌથી ઝડપથી વધી રહ્યો છે. બેંગલુરુ વહીવટીતંત્ર દ્વારા આંકડા આપવામાં આવ્યા છે, એમાં 0 થી 9 વર્ષના લગભગ 127 અને 10થી 19 વર્ષના 174 બાળકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ આંકડો 5 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધીનો છે.
બેંગલુરુમાં 6 દિવસમાં 300થી વધુ બાળકો કોરોના સંક્રમણની ઝપેટમાં આવી ગયાં.
અન્ય રાજ્યોમાં પણ બાળકો થઈ રહ્યાં છે કોરોનાનો શિકાર
કર્ણાટક સિવાય જો આપણે ઉત્તર ભારતની વાત કરીએ તો અહીં પણ શાળાઓ અને કોલેજો ખૂલ્યા બાદ કોરોનાના ફેલાતા કહેરની અસર દેખાઈ રહી છે. હિમાચલ પ્રદેશમાં લગભગ 62 વિદ્યાર્થી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, પંજાબમાં પણ શાળાનાં 27 બાળકો કોરોના પોઝિટિવ આવ્યાં છે. હરિયાણાની શાળાઓમાં પણ કોરોનાના કેસ જોવા મળ્યા છે.
પંજાબ, હરિયાણા અને હિમાચલની શાળાઓમાં પણ બાળકો કોરોના પોઝિટિવ આવ્યાં છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,576 નવા કેસ
દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં ફરી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,576 નવા કેસ નોંધાયા છે. 39,125 દર્દી સાજા થયા અને 491 લોકોનાં મોત થયાં. એ પાંચ દિવસ પછી થયું જ્યારે 40 હજારથી વધુ નવા દર્દીઓની ઓળખ કરવામાં આવી હતી. અગાઉ 5 ઓગસ્ટે 45 હજાર કેસ સામે આવ્યા હતા. જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા પણ 3 ઓગસ્ટ પછી સૌથી ઓછી હતી. એમાં 36,552 સંક્રમિત 3 ઓગસ્ટના રોજ સાજા થયા હતા.
દેશમાં કોરોના મહામારીના આંકડા
છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 41,576
છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 39,125
છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 491
અત્યારસુધીમાં કુલ કેસ: 3.20 કરોડ
અત્યારસુધી સાજા થયા: 3.12 કરોડ
અત્યારસુધીમાં કુલ મૃત્યુ: 4.29 લાખ
હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 3.82 લાખ