Friday, February 24, 2023

રણમલ તળાવ ખાતે આવેલ સંગ્રહાલયમાં તા.૨૬ ફેબ્રુઆરી સુધી "પોટ્રેઇટ એક્શિબિશન" નું આયોજન

એક્શિબિશનમાં જામનગરના કલાકારો દ્વારા ૨૪ જેટલા બેનમૂન ચિત્રો પ્રદર્શિત કરાયા માદરપટ્ટા કાપડ પર સોનાના વરખ અને પાવડર કલરનો ઉપયોગ કરી બાનાવાયેલ જામ રણજિતસિંહજીનું પોટ્રેઇટ બન્યું આકર્ષણનું કેન્દ્ર                                     


                                          

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજયના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય ખાતાના પુરાતત્વીય સંગ્રહાલય, જામનગર ખાતે તા.૨૩ થી તા.૨૬ ફેબ્રુઆરી સુધી "પોટ્રેઇટ એક્શિબિશન" નુ આયોજન કરવામાં આવ્યુ છે. જે એક્સિબિશનનુ ઉદઘાટન સિનિયર આર્ટીસ્ટ શ્રીઅરુણભાઇ જોશી દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ એક્સિબિશનમાં જામનગરના કલાકારો દ્વારા કુલ ૨૪ જેટલા બેનમૂન  પેઇન્ટીંગસ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ એક્સિબિશનમાં શાળાનાં વિદ્યાથીઓ સહીત તમામ ઉંમરના કલાકારો સહભાગી થયા છે. જેમાં જામનગરના કલાકાર શ્રી રાજુ રાઠોડ દ્વારા સોનાના વરખ અને પાવડર કલરનો ઉપયોગ કરી માદરપટ્ટા કાપડ પર બાનાવવામાં આવેલ જામ રણજિતસિંહજીનું પોટ્રેઇટમાં દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

 


તદુપરાંત સિનિયર આર્ટીસ્ટ શ્રી ઇન્દુભાઇ સોલંકી દ્વારા રવિ વર્મા, એલ.સી.સોની, વોરા ધર્મગુરુ, પ્રમુખસ્વામી મહારાજ, જગદીશ મહારાજ, કબિર આશ્રમ સહીતના પોટ્રેઇટ પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે. શ્રી ગીતા રાઠોડ દ્વારા હેપિનેશ પોટ્રેઇટ પ્રદર્શિત કરાયા છે જે મુખ્યત્વે પેપર પર કલર પેન્સિલથી બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત બાતુલ સરોડીવાલા દ્વારા કલર પેન્સિલથી ભગતસિંહનું પોટ્રેઇટ અને ફાતિમા યુશુફ મોદી દ્વારા કેનવાસ પર ડો.એ.પી.જે. અબ્દુલ કલામનું પોટ્રેઇટ બનાવાયુ છે શ્રી સ્વેતા કાનિયા અને શ્રી દીપા કિશોર દ્વારા પેન્સિલ પોટ્રેઇટ સ્કેચના માધ્યમથી બનાવ્યુ છે. સ્નેહા મેહતા દ્વારા સોફ્ટ પેસ્ટલ કલર દ્વારા કપલ પોટ્રેઇટ પ્રદર્શનમાં મુક્યુ છે. શ્રીઅમિતભાઇ અમૃતિયા દ્વારા ડોટ વર્ક દ્વારા બુધ્ધ ભગવાનનું પોટ્રેઇટ પેન્સિલ દ્વારા બનાવેલ છે. આ એક્સિબિશનનું આયોજન તા.૨૩ થી ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૩ સુધી કરવામાં આવ્યુ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે પુરાતત્વીય સંગ્રહાલય, જામનગરના ક્યુરેટરશ્રી ડૉ.ધીરજ વાય. ચૌધરી દ્વારા જામનગરના આર્ટીસ્ટો અને તેમની કલાને પ્રોત્સાહન મળે તેમજ તેઓની કલા લોકો સુધી પહોંચાડી લોકો પણ કલા વિશે જાગૃત બને તે ઉદેશ્યથી દર મહીનાના છેલ્લા અઠવાડિયે આ પ્રકારના વિશેષ એક્સિબિશનનુ આયોજન કરવામાં આવે છે. અને જામનગરની કલા રસિક જનતાને આ એક્સિબિશન નિહાળવા આમંત્રિત કરે છે.  

Thursday, February 23, 2023

જામનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર આયોજિત માનનીય ચેરમેન શ્રી અશ્વિની કુમાર તથા ફરજપર ના અધિકારી શ્રી વેદી સાહેબ ના માર્ગદર્શન માં મહાનગરપાલિકા ઝોન કક્ષાની સ્પર્ધા યોજાઈ

આધુનિક સમયમાં બાબા રામદેવ એ યોગ-  પ્રાણાયામને દેશ- દુનિયામાં પ્રચલિત કર્યા છે : મેયર શ્રી બીનાબેન કોઠારી


ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જામનગર મહાનગરપાલિકા ઝોન કક્ષાની સ્પર્ધા 2023 યોજાઈ હતી જેમાં શહેર મેયર શ્રી બીનાબેન કોઠારી,  સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા તેમજ વિવિધ વિસ્તારના કોર્પોરેટરોએ ઉપસ્થિત રહી વિજેતાઓને મેડલ, ચેક અને સર્ટી એનાયત કર્યા હતા.



જામનગરના ક્રિકેટ બંગલા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જામનગર મહાનગરપાલિકા ઝોન કક્ષાની સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં જિલ્લા કક્ષાની યોજાયેલી સ્પર્ધાના વિજેતાઓએ  ભાગ લીધો હતો. આ તકે મેયર શ્રી બીનાબેન કોઠારી એ જણાવ્યું હતું કે,  પાંચમી સદીથી ભારતીય પરંપરામાં યોગ પ્રાણાયામનું મહત્વ રહ્યું છે,  ભારતના મહંતો/ ગુરુઓ એવા દયાનંદ સરસ્વતી,  રામકૃષ્ણ પરમહંસ અને મહર્ષિ પતંજલિએ યોગા અભ્યાસ વિશે અનેક કાર્યો કર્યા છે , આધુનિક સમયમાં બાબા રામદેવ પણ સમગ્ર દેશ અને દુનિયામાં યોગનો પ્રચાર-  પ્રસાર કરી રહ્યા છે , જેના અનુસંધાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરી જામનગર અને જિલ્લામાં પણ વિવિધ સ્થળો પર યોગ કેન્દ્રો ચાલી રહ્યા છે,  આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અહીં ઝોન કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે,  જેમાં તમામ સ્પર્ધકોએ બે નમૂન યોગાસનો  પ્રદર્શિત કર્યા છે તમામ સ્પર્ધકોને તેઓએ બિરદાવ્યા હતા.




ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા   બે વિભાગમાં  સ્પર્ધા યોજવામાં આવી હતી ,  જેમાં પ્રથમ ક્રમાંક  પાસોદરિયા સુભદ્ર ને શહેર મેયર બીનાબેન કોઠારીએ ગોલ્ડમેડલ પ્રમાણપત્ર અને રૂપિયા 21,000 નો ચેક એનાયત કર્યો હતો, દ્વિતીય ક્રમાંકે કડેચા સુનિલ ને શાસક પક્ષના નેતા શ્રી કુસુમબેન પંડ્યાએ સિલ્વર મેડલ સર્ટિફિકેટ - 15000 નો ચેક આપ્યો હતો, તૃતીય ક્રમાંકે વિજેતા થયેલા વારોતરીયા લખનને બ્રોન્સ મેડલ સર્ટી અને રૂપિયા 11,000 નો ચેક DEO મધુબેન ભટ્ટે આપ્યો હતો, તેમજ મહિલા વિભાગમાં પ્રથમ ક્રમાંક એ નારણકા માનસી દ્વિતીય ક્રમાંકે રોશની સિંહ અને તૃતીય ક્રમાંકે દયડા શીતલ વિજેતા થયા હતા તેઓને પણ મેયર સહિતના પદાધિકારીઓ કોર્પોરેટરોએ ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્સ મેડલ સર્ટી અને ચેક અર્પણ કર્યું હતું. આગામી સમયમાં ઝોન કક્ષાના વિજેતાઓ રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાશે તેમાં યોગ  નિદર્શન કરશે.


આ કાર્યક્રમમાં શહેર મેયર શ્રી બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, શાસક પક્ષના નેતા શ્રી કુસુમબેન પંડ્યા,  કોર્પોરેટર શ્રી ડિમ્પલબેન રાવલ, શ્રી શારદાબેન વિંઝુડા , શ્રી પરાગભાઈ પટેલ, શ્રી પ્રભાબેન ગોરેચા, શ્રી અમિતાબેન બંધીયા, શ્રી આશાબેન રાઠોડ, શ્રી શોભનાબેન પઠાણ ,શ્રી ધીરેનભાઈ મોનાણી ,શ્રી  ગોપાલભાઈ સોરઠીયા ,શ્રી પૃથ્વી સિંહ ,  શહેર સંગઠનના ઉર્મિલાબેન ઉમરાણીયા, કિશનભાઈ સોની સુનીલભાઈ ખેતિયાં નરેન્દ્રભાઇ ત્રિવેદી ચિરાગ પંડ્યા તથા ગાંધીનગર થી વહીવટી અધિકારી શ્રી બળવંત સિંહ ચોહાણ એકાઉન્ટ અધિકારી શ્રી ડી જી ઠુમર અનિલભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જિલ્લા રમત ગમત અધિકારી શ્રી રવલિયા અને જિલ્લા કોડીનેટર પ્રીતિબેન શુક્લ મીનાબેન પુષ્પાબેન શારદાબેન શીલાબેન બ્રિંજલ વગેરે એ જહેમત ઉઠવવામાં આવેલ હતી 




Monday, February 13, 2023

વાહન માલિકો ટુ- વ્હીલર અને ફોર- વ્હીલર પ્રકારના વાહનો માટેની સીરીઝના ઈ- ઓકસનમાં ભાગ લઈ શકાશે

જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના વાહન માલિકો ટુ- વ્હીલર અને ફોર- વ્હીલર પ્રકારના વાહનો માટેની નવી સીરીઝ જીજે-૧૦-ડીપી (2W) અને જીજે-૧૦-ડીએન (LMV) ના ગોલ્ડન, સિલ્વર નંબર- આમ બંને પ્રકારના ઈ- ઓકસનમાં ભાગ લેવા માટે ઓનલાઇન અરજીનો સમયગાળો આગામી તા. ૧૭/૦૨/૨૦૨૩ થી ૨૬/૦૨/૨૦૨૩ તથા ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા.૨૬/૦૨/૨૦૨૩ થી ૨૮/૦૨/૨૦૨૩ અને આ ઈ-ઓકશનનું પરિણામ આગામી તા.૨૮/૦૨/૨૦૨૩ ના બપોરે ૦૪:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. 

આ પ્રકિયામાં ભાગ લેવા વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઇડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઇડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉપરોકત વેબસાઇટ પર લોગીન કરીને વાહન ખરીદીના દિવસ-૦૭ની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. 

વાહન માલિકે ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે. વાહનમાલિકે પોતાની બીડ ઉપરોકત દર્શાવેલ સમયગાળા દરમિયાન ૧૦૦૦ ના ગુણાંકમાં વધારી શકશે. ઈ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલ અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે. 


પસંદગીના નંબર મળેલ અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઇન દિવસ-૦૫ માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહિ, જેની નોંધ લેવા માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Sunday, February 12, 2023

કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા લતીપુરમાં તાલુકા કક્ષાની પશુપાલન શિબિર તથા ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરાયો

પશુઓ અને પશુપાલકોના ઉત્કર્ષ અને સંવર્ધન માટે રાજય સરકાર કટિબદ્ધ છે'' : કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ.      ચાલુ વર્ષે જિલ્લામાં નવા ૧૩ પશુ દવાખાના ઉપલબ્ધ બનશે'' : કૃષિમંત્રીશ્રી




રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન અને ખસીકરણ ઝુંબેશ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. કૃષિમંત્રીશ્રીના હસ્તે ગીર ગાયનું પૂજન કરવામાં આવ્યું હતું. કૃષિમંત્રીશ્રીએ ખસીકરણ સહ મેજર કેમ્પની મુલાકાત લીધી હતી, તેમજ ઉપસ્થિત અધિકારીશ્રીઓને જરૂરી માહિતી- માર્ગદર્શન આપ્યું હતું. શ્રી જીવદયા ગૌ સેવા સમાજ ટ્રસ્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે પશુઓને પીવાના પાણીનો હવાડો અને નવનિર્મિત આંતરિક રસ્તાના કાર્યનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.  


કૃષિમંત્રીશ્રીએ તેમના પ્રાસંગિક ઉદ્દ્બોધનમાં જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં અત્યારે કુલ ૩૩ પશુ દવાખાના અને ૧૭ પશુ પ્રાથમિક સારવાર કેન્દ્ર ઉપલબ્ધ છે. જામનગર જિલ્લામાં ૧૦ ગામ દીઠ ૧ મોબાઈલ પશુ દવાખાનાની સેવા ઉપલબ્ધ છે. અત્યારે ૧૮ જેટલા મોબાઈલ પશુ દવાખાના જિલ્લામાં કાર્યરત છે. નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ મુજબ જિલ્લામાં નવા ૧૩ પશુ દવાખાના બનાવવામાં આવશે.


કૃષિમંત્રીશ્રીએ આગળ જણાવ્યું હતું કે, રાજ્યમાં રૂ.૨૪ કરોડના ખર્ચે મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના કાર્યરત છે. કરુણા સહાય અભિયાન '૧૯૬૨' હેલ્પલાઇન હેઠળ અનેક અબોલ પશુઓની સારવાર કરવામાં આવી છે. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૧૭ થી તા.૧ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી દરમિયાન રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વ નિમિતે કરુણા અભિયાન ચલાવવામાં આવે છે. 




કૃષિમંત્રીશ્રીએ તેમના પ્રવચનમાં આગળ જણાવ્યું હતું કે રૂ.૫૦૦ કરોડનું માતબર બજેટ ધરાવતી મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના હેઠળ રાજ્યના બિન વારસુ ઢોરની સાર સંભાળ રાખવાના સંપૂર્ણ પ્રયત્નો કરવામાં આવે છે. રાજ્ય પશુપાલન ખાતા દ્વારા મરઘાં વિકાસ યોજના, ઘાસચારા વિકાસ યોજના, પશુ વેચાણ વ્‍યવસ્‍થા, ઘેટાં વિકાસ યોજના, બકરાં વિકાસ યોજના, પશુ પક્ષી પ્રદર્શન શો, ચેપી રોગ નિયંત્રણ યોજના, વિમા સહાય યોજના વગેરે જેવી યોજનાઓ-કાર્યક્રમનું સંચાલન કરવામાં આવે છે. સાંસદ શ્રી પૂનમબેન માડમે કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા સંદેશ આપ્યો હતો. 



શિબિર સત્રમાં કૃષિમંત્રીશ્રીએ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ લતીપુર ગૌસેવા ટ્રસ્ટને રૂ.૧૪.૭૮ લાખની સહાયનો ચેક અર્પણ કર્યો હતો. બકરા એકમ સહાય હેઠળ લાભાર્થી શ્રી હેમંતભાઈ બામ્ભવાને રૂ.૪૫,૦૦૦ ની સહાય અને પાવર ડ્રિવન ચાફકટર સહાય યોજનાના લાભાર્થી શ્રીમતી વાલીબેન ભીમાણીને રૂ.૧૮,૦૦૦ ની સહાય અર્પણ કરી હતી. પશુ સારવાર કેમ્પમાં ૯૫૦ જેટલા બીમાર પશુઓની સારવાર કરવામાં આવી હતી.


કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું ફળ ટોકરી, મોમેન્ટો આપીને અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા, ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પોલુભા જાડેજા, લતીપુર ગ્રામ સરપંચ શ્રી હસમુખભાઈ સરવૈયા, સંયુક્ત પશુપાલન નિયામક- રાજકોટ વિભાગ શ્રી ડો. બી. એલ. ગોહિલ, અધિક પશુપાલન નિયામક શ્રી ડો. કિરણ વસાવા, જિલ્લા નાયબ પશુપાલન અધિકારી શ્રી ડો. તેજસ શુકલ, પ્રાંત અધિકારી શ્રી વિપુલ સાકરીયા, આગેવાન સર્વશ્રીઓ  રસિકભાઈ ભંડેરી, શ્રી દેવકરણભાઈ, શ્રી ગણેશભાઈ મૂંગરા, શ્રી જે. ડી. પટેલ, લાભાર્થીઓ, ૬૩૨ જેટલા પશુપાલકો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. 




Saturday, February 11, 2023

ખંભાળિયા - જામનગર માર્ગ પર આવેલા ટોલનાકા ખાતે ગઈકાલે કારમાં જઈ રહેલા ત્રણ યુવાનો સાથે ઝપાઝપી કરી, જીવલેણ હુમલો કરાયો હતો. જેમાં કુલ 14 શખ્સો સામે રાયોટીંગ સહિતની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં આવેલી શિવમ સોસાયટી- 1 ખાતે રહેતા દેવુભાઈ ડાડુભાઈ ચાવડા નામના 38 વર્ષના યુવાન ગઈકાલે બપોરના સમયે ખંભાળિયા - જામનગર હાઇવે પર ધરમપુર - દાતા ટોલનાકા પાસેથી પોતાની જી.જે. 01 કે.એન. 8578 નંબરની સ્વીફ્ટ ડિઝાયર મોટરકાર લઈને જામનગરથી ખંભાળિયા તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન તેમની કાર ફાસ્ટટેગ દ્વારા ટોલ ટેક્સ કપાવવા માટે આ સ્થળ ઉભી રાખી હતી.


આ દરમિયાન કોઈ કારણોસર આ સ્થળે રહેલા કેટલાક શખ્સો હથિયારો સાથે તેમની પાસે આવ્યા હતા અને કિશન ગઢવી નામના શખ્સે ફરિયાદી દેવુભાઈ ચાવડાને ટોલટેક્સ આપવા કહેતા તેમણે ફાસ્ટટેગ વડે ટોલ ટેક્સ આપવાનું કહ્યું હતું. આનાથી કોઈ કારણોસર ઉશ્કેરાયેલા નાગડા ગઢવી, સામરા ગઢવી, રાજદિપસિંહ, ધવલ ગઢવી, નિખિલ, સુનિલગીરી, અનોપ મેનેજર અને પ્રકાશ ગઢવી નામના શખ્સોએ દેવુભાઈ સાથે બોલાચાલી કરી હતી. આટલું જ નહીં, આરોપી કિશન ગઢવી, નાગડા ગઢવી અને સામરા ગઢવીએ દેવુભાઈને માર મારી તેમની મોટરકારની ચાવી કાઢી લીધા બાદ તેમને થોડે દૂર જઈ અને ઝપાઝપી કર્યા પછી ઓફિસની અંદર લઈ જઈને આરોપીઓએ ફરિયાદી દેવુભાઈ તથા તેમની સાથે રહેલા સાહેદ પરેશભાઈ લાખાભાઈ ચાવડા અને જયદીપસિંહ ચંદ્રસિંહ જાડેજાને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ત્યારબાદ આરોપીઓએ દેવુભાઈ તથા તેમની સાથેના સાથીઓને મારી નાખવાના ઇરાદાથી અન્ય એક આરોપી હર્ષદ ગઢવીએ પરેશ ચાવડાને માથામાં ધોકો ફટકારી દીધો હતો. જ્યારે આરોપી અનોપ મેનેજરએ જયદીપસિંહને ધોકા વડે માર મારી ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવ દરમિયાન 0007 નંબરની થાર મોટર કારમાં આવેલા આરોપી ઉદય ગઢવી અને સાજા ગઢવીએ ફરિયાદી દેવુભાઈ તથા સાહેદોને ઓફિસમાં બંધ કરી આ ઓફિસમાં કિશન ગઢવીએ મારી નાખવાના ઈરાદાથી ફરિયાદી દેવુભાઈને બેફામ માર મારતા તેમને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય આરોપી યાસીન અને મનોજ ગઢવીએ પણ માર માર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ બનાવના પગલે ટોલનાકે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય સહિતના અધિકારીઓ દોડી ગયા હતા અને સીસીટીવી કેમેરા કબજે લેવા અંગેની કાર્યવાહી કરી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવાનોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે દેવુભાઈ ચાવડાની ફરિયાદ પરથી ગેરકાયદેસર મંડળી રચી, મારી નાખવાના ઇરાદે હુમલો કરવા સબબ તમામ 14 આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ 307, 143, 147, 148, 149, 323, 325, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પી.આઈ. ડી.એમ. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે. બઘડાટીના આ બનાવે શહેરભરમાં ભારે ચકચાર જગાવી છે.

Friday, February 10, 2023

જામનગર જિલ્લાના તમામ હોટેલ/ ગેસ્ટ હાઉસ/ ધર્મશાળાના માલિકોએ 'પથિક સોફ્ટવેર'નું ઈન્સ્ટોલેશન કરાવવાનું રહેશે

પથિક સોફ્ટવેરના ફરજિયાત ઈન્સ્ટોલેશન માટે કાયમી જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી 



જામનગર  જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે, ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો અને ભૂતકાળમાં બનેલા કેટલાક બનાવોથી ત્રાસવાદી તત્વો દેશના મહત્વપૂર્ણ શહેરોમાં પ્રવાસીઓ માટે બનાવેલા ગેસ્ટહાઉસ, હોટલ વિગેરે સ્થળોએ રોકાણ કરતા હોય છે. શહેરી તેમજ અંતરિયાળ વિસ્તારોમાં આવેલા ગેસ્ટહાઉસ, હોટલ વિગેરે સ્થળોએ ત્રાસવાદી સંગઠનોના માણસો રોકાઈ શકે તેવી સંભાવનાઓ હોય છે. જામનગર જિલ્લામાં હાલ હોટેલોની સંખ્યામાં મહત્વપૂર્ણ વધારો થયો છે. જેથી દરરોજ બધી હોટેલોમાં ચેકિંગની પ્રક્રિયા મુશ્કેલ છે અને સમયનો વ્યય થાય છે. 

જેથી, જામનગર જિલ્લામાં 'પથિક' સોફ્ટવેરના અમલીકરણ બાબતે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.એન. ખેર, જામનગર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાં અંતર્ગત, જિલ્લાના તમામ હોટેલ/ ગેસ્ટ હાઉસ/ ધર્મશાળા/ રિસોર્ટ/ સમાજવાડી/ મુસાફરખાનાના માલિકોએ હોટેલ/ ગેસ્ટ હાઉસમાં રોકાણ કરનાર ગ્રાહક/ મુસાફરોની માહિતી 'પથિક' વેબ પોર્ટલ પર ફરજિયાતપણે એન્ટ્રી કરવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા પથિક (PATHIK-Programme for Analysis of Travelers and Hotel information) સિસ્ટમ વિકસિત કરવામાં આવી છે. જેનું સર્વર ક્રાઈમ બ્રાંચ, અમદાવાદ ખાતે કાર્યરત છે. 

ક્રાઈમ બ્રાંચના સોફ્ટવેર સાથે રજીસ્ટર થયેલા હોય તે હોટલધારક જ અને ત્યાંથી આપવામાં આવેલા યુઝરનેમ અને પાસવર્ડ થકી જ પોર્ટલ પર માહિતીની એન્ટ્રી કરી શકાશે. ટેક્નોલોજીની મદદથી સમયમર્યાદામાં ગુનાઓ બનતા અટકાવી શકાય છે, આ ઉપરાંત, બનેલા ગુનાઓના ડિટેક્શનમાં પણ ટેક્નોલોજીની મદદ મળી રહે છે. તેમજ ગુનાઓ અને આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા આ પથિક સોફ્ટવેર મદદ કરે છે. 

આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ સજાને પાત્ર થશે, તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.એન. ખેર, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 


મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...