નવી દિલ્હી
ભારતીય જનતા પક્ષે સોમવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો (મેનિફેસ્ટો) જારી કર્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અલગ જળ મંત્રાલય બનશે. માછીમારો માટે અલગ મંત્રાલયની વાત કરી છે. જળ શક્તિ મંત્રાલય બનાવીશું. નદીઓનાં જળનું વધુમાં વધુ ઉપયોગ કેવી રીતે થાય? તે માટે કાર્યરત્ રહેશે. માતા-બહેનોના જળનાં સંકટમાંથી મુક્તિ અપાવવાનું કાર્ય કરીશું. નળમાંથી પાણી આવે તે માટેનો પ્રયાસ થશે. પાણી એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે આ સંકલ્પ પત્ર સુશાસન પત્ર છે, આ સંકલ્પ પત્ર રાષ્ટ્રની સુરક્ષાનો પત્ર છે, આ સંકલ્પ પત્ર રાષ્ટ્રની સમૃદ્ધિનો પત્ર છે. 2047માં ભારતની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય તે પહેલાં ભારત વિકાસશીલમાંથી વિકસિત દેશ કેવી રીતે બને? તે માટેનો પ્રયાસ રહેવો જોઈએ. આ માટેનો પાયો 2019થી 2024માં ઘડાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ગરીબીથી લડવું હોય તો દિલ્હીના એરકન્ડિશનમાં બેસીને કાર્ય થશે નહીં. આ વાત અમને પણ લાગુ પડે છે. ગરીબ જ ગરીબીને દૂર કરી શકે છે, માટે ગરીબ સશક્તિકરણ માટે કાર્ય થશે. એ માટે જ ગરીબોને પોતાનું મકાન મળે તે માટેનો પ્રયાસ થયો છે. 50 લાખ સીનિયર સિટીઝન્સે રેલવે દ્વારા રિઝર્વેશનમાં જે મુક્તિ મળે છે, તે લેવાનું છોડી દીધું છે. લાખો લોકોએ સ્વેચ્છાથી ગેસ સબસીડી છોડી દીધી છે. આપણે ઇમાનદારીની પ્રતિષ્ઠા વધારીએ અને ભ્રષ્ટાચારથી મુક્તિની દિશામાં આગળ વધી રહ્યાં છીએ.
વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણની શરૂઆતમાં જ કહ્યું હતું કે, મારી અગાઉ જેટલા પણ વક્તાઓએ જે પણ જાહેરાતો કરી તેના પર હું હસ્તાક્ષર કરું છું. સંકલ્પ પત્રમાં જનતાના મનની વાત કરવામાં આવી છે. રાષ્ટ્રવાદ અમારી પ્રેરણા છે, અંત્યોદય અમારું દર્શન છે અને સુશાસન અમારો મંત્ર છે.
વન મિશન, વન ડાયરેક્શન : અમે દેશને સમૃદ્ધ બનાવવા માટે સામાન્ય લોકોના સશક્તિકરણ માટે લોકતાંત્રિક મૂલ્યોને મજબૂત કરવાના મંત્ર સાથે આગળ વધી રહ્યા છે. કોઈ પણ સરકાર સાથે અમારા વર્ષ 2014થી 2019 સુધીના કામની સરખામણી કરો. અમારા સપનાઓને સાકાર કરવાના સપનાને લઈને અમે આગળ વધી રહ્યા છે.
મોદીએ કહ્યું કે, રાજકીય વ્યવસ્થા, ખાસ કરીને શાસકીય વ્યવસ્થામાં જે ખામીઓ આવી ગઈ છે તેના પર નીતિઓ બનાવીને તેને સુધારવાનું કાર્ય કરવાનો અમે સંકલ્પ લીધો છે. ગામડાઓ, ગરીબો અને ખેડૂતો અમારા કેન્દ્રમાં છે. દેશના નવયુવાનો આવનારા પાંચ વર્ષમાં 2047નું ભવિષ્ય નક્કી કરવાના છે.
આઝાદીનાં 75 વર્ષ માટે અમે 75 લક્ષ્યાંકો નિશ્ચિત કર્યા છે. જે તમામ લક્ષ્યાંકો સુધી પહોંચવા માટે અમારે ક્યા પગલા ભરવા પડશે તેના પર અમે કામ કરી રહ્યા છે. આવી જાહેરાત ભાગ્યે જ કોઈ ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવી હશે. 2022માં અમે કયા-કયા કાર્યો કર્યા તેનો હિસાબ દેશને આપીશું.
No comments:
Post a Comment