Saturday, July 25, 2020

રાજ્ય કક્ષાના કોરોના નોડલ ડો. શ્રી કમલેશ ઉપાધ્યાયએ જામનગરની કોરોનાની હાલની પરિસ્થિતિની સમીક્ષા કરી





કલેકટર કચેરી ખાતે બેઠક યોજી સંક્રમણ અટકાયત સારવાર અંગે ચર્ચા કરી

જામનગર તા. ૨૪ જુલાઈ, આજરોજ ગુજરાત રાજ્ય સ્તરે કોરોના નોડેલ તરીકે નિમાયેલા ડો. કમલેશ ઉપાધ્યાય જામનગર  આવ્યા હતા. જ્યાં તેમણે કલેકટર કચેરી ખાતે આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી.
જામનગરમાં સતત વધતા કોરોના સંક્રમણને કારણે ડો. કમલેશ ઉપાધ્યાયએ જામનગરના વિસ્તાર પ્રમાણે વધતા કોરોના પોઝિટિવ દર્દીઓ, દર્દીઓના થતા મૃત્યુ, સારવારની પધ્ધતિ અને તંત્ર દ્વારા અટકાયત માટે ક્યા પ્રકારના પગલાં લઇ જામનગરને આ કાળમુખા કોરોનાથી બચાવી શકાય તે અંગે ચર્ચા કરી હતી.
આ તકે કલેક્ટરશ્રી રવિશંકર અને કમિશનરશ્રી  સતીષ પટેલે જામનગરવાસીઓને કોરોનાના કપરા સમયમાં બચવા માટે ઘરમાં રહેવા તેમજ વરસાદની ઋતુમાં ડેન્ગ્યુથી બચવા અપીલ કરી હતી.

આ બેઠકમાં કલેકટર શ્રી રવિશંકર કમિશનર સતીશ પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિપિન ગર્ગ,  નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજેન્દ્ર સરવૈયા, શ્રી એમ. પી. શાહ મેડિકલ કોલેજના ડીન શ્રી નંદિની દેસાઈ, જી.જી.હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ શ્રી દિપક તિવારી, જામનગરના કોરોના નોડલ ડો.એસ. એસ. ચેટરજી તથા અન્ય અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Thursday, July 23, 2020

કોરોના કાળમાં પણ જામનગરની વિકાસયાત્રા અવિરત
જામનગર શહેરના વોર્ડ નં ૪માં અંદાજીત રૂ.૨૫.૭૧ લાખના
વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહુર્ત
રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાના હસ્તે સમ્પન્ન
         જામનગર તા.૨૩ જુલાઇ, આજરોજ શહેરના વોર્ડ નંબર ૪માં દ્વારકેશપાર્ક જુવાનસિંહના ઘરની આસપાસની આંતરિક શેરીઓમાં અંદાજિત રૂ. ૮.૦૩ લાખના ખર્ચે સી.સી.રોડનું કામ, ચામુંડા માતાજીના મંદિરવાળા ચોકમાં અંદાજિત રૂ.૪.૧૮ લાખના ખર્ચે સી.સી. બ્લોકનું કામ, ક્રિષ્નાપાર્કમાં રઘુકુળ પ્રોવિઝન સ્ટોરવાળા મુખ્યમાર્ગથી લઈ વોકળા સુધી અંદાજિત રૂ. ૧૩.૫૦ લાખના ખર્ચે સી.સી.રોડનું કામ તેમ કુલ અંદાજીત રૂ.૨૫.૭૧ લાખના ખાતમુહુર્ત અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા, કુટીર ઉદ્યોગ રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાના હસ્તે સમ્પન્ન કરવામાં આવેલ હતા.  
આ તકે તેમની સાથે જામનગર મહાનગરપાલીકાના સ્ટેંડીંગ કમિટી ચેરમેનશ્રી સુભાષ જોષી, મહામંત્રીશ્રી પ્રકાશભાઇ બાંભણીયા, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી આકાશભાઇ બારડ, દંડકશ્રી જડીબેન સરવૈયા, વોર્ડનં ૪ના કોર્પોરેટરો તથા તે વિસ્તારના સ્થાનિક અગ્રણીશ્રી જયરાજસિંહ જાડેજા, પૃથ્વીસિંહ ઝાલા, વોર્ડના પ્રમુખશ્રી વિજયસિંહ ગોહિલ, સામતભાઇ પરમાર, કાનજીભાઇ બારોટ, સુરેશભાઇ કંટારિયા, ગજેન્દ્રસિંહ જાડેજા, હીનાબા, વીણાબા, વનિતાબેન, રેખાબેન અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને તેમના વિસ્તારમાં થઇ રહેલા વિવિધ વિકાસના કાર્યોને હર્ષભેર વધાવી લઇ અને રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો આભાર માન્યો હતો. 



Monday, July 20, 2020

કોરોના સંક્રમણને અટકાવવા કલેકટરશ્રી રવિશંકર
દ્વારા લોકોને અનુરોધ




જામનગર તા.૨૦ જુલાઈ
સોસાયટીઓ પલ્સ ઓક્સીમીટર વસાવી રોજ લોકોના
ઓક્સિજન લેવલની તપાસ કરે
મેડિકલ સ્ટોર્સ લોકોને તબીબી પ્રિસ્ક્રિપ્શન વગર શરદી-ખાંસીની દવાઓ ન આપે
લોકો બેદરકાર ન રહી સોશિયલ ડિસ્ટંસીંગ અને માસ્કનું સંપૂર્ણ પાલન રાખે
     જામનગરમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણનો પગપેસારો વધી રહ્યો છે. એક સમયે જ્યારે જામનગરમાં માત્ર એક થી બે કેસની પરિસ્થિતિ જોવા મળી હતી ત્યારે આજે કોરોના સંક્રમણની બીમારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે આજે લગભગ રોજના ૧૦ થી ૨૦ જેટલા સંક્રમિત દર્દીઓના કેસ ધ્યાનમાં આવી રહ્યા છે. હાલમાં જામનગરમાં કોરોના કેસોની કુલ સંખ્યા ૪૮૦ એટલે કે ૫૦૦ની નજીક પહોંચી છે. તો હાલમાં જામનગરમાં કુલ એક્ટિવ કેસો ૧૪૫ છે ત્યારે કલેકટરશ્રી રવિશંકરે કહ્યું હતું કે, જો લોકો હજુ પણ સાવધાની નહીં રાખે તો ધીમે ધીમે પરિસ્થિતિ ખૂબ ગંભીર અવસ્થામાં પહોંચી જશે. કોરોના સંક્રમણના દર્દીઓની વધતી સંખ્યાના કારણે ટૂંક સમયમાં કદાચ હોટેલોને પણ કોવિડ હોસ્પિટલ તરીકે રૂપાંતરિત કરવાની જરૂર પડી શકે છે. લોકો શરદી, તાવ, ઉધરસ જેવી બીમારીઓમાં ૧૦૪ની સેવા લઈ ઘરબેઠાં નિદાન જાણી શકે છે, પરંતુ હાલમાં લોકો શરદી, ઉધરસ, તાવ જેવી બીમારીઓમાં મેડિકલ સ્ટોર્સ પરથી દવાઓ લે છે. જેના કારણે દર્દીની સાચી પરિસ્થિતિ વિશે જાણી શકાતું નથી. આ સમયે લોકો તબીબી સારવાર લે જેથી પ્રારંભિક તબક્કામાં જ જો સંક્રમિત વ્યક્તિને જાણી શકાશે તો તે વ્યક્તિ તાત્કાલિક સારવાર મેળવી ગંભીર અવસ્થામાં પહોંચતા અટકી જશે તે સાથે કલેકટરશ્રીએ ઉમેર્યુ હતું કે, જામનગરમાં મૃત્યુદર પણ ખૂબ વધ્યો છે તેનું કારણ માત્ર છે કે લોકો આવી બીમારીઓમાં તબીબી સારવાર ન લેતા માત્ર મેડિકલ સ્ટોર્સ પરથી દવાઓ લે છે અને ખૂબ ગંભીર પરિસ્થિતિ સમયે હોસ્પિટલમાં આવે છે ત્યારે આ રોગથી બચી શકવાની અવસ્થાનો સમય ગુમાવી ચુક્યા હોય છે. આથી આ સમયે મેડિકલ સ્ટોર્સ/ફાર્મસીઓ પણ આવા કોઈ પણ દર્દીને તબીબી પ્રિસ્ક્રિપ્શન વગર દવા ન આપે તેવો અનુરોધ છે. સાથે જ લોકો આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરે અને તેમાં તેમની આરોગ્ય ની માહિતી ચોકસાઈપૂર્વક ભરે અને સતત તેની માહિતી અપડેટ કરતા રહે તો એપમાં રહેલ સર્વેની માહિતીના આધારે તંત્રને પણ આ વિશે જાણ થશે અને તંત્રને જાણ થતાં જિલ્લામાં રહેલ ધન્વંતરી રથ દ્વારા આપને
          આપના દ્વારે જ આરોગ્યની સુવિધાઓ મળશે અને લોકોને ખૂબ ગંભીર પરિસ્થિતિ પહેલા જ જાણીને તાત્કાલિક સારવાર આપી શકાશે.
આ સાથે જ કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, જામનગરમાં હાલમાં ચા અને પાનની લારીઓ, ગલ્લા બંધ કરવામાં આવ્યા છે. આમ છતાં પણ લોકો હજુ પણ બેદરકાર બનીને રસ્તા પર ટોળા વળીને એકઠા થઈ રહ્યા છે. લોકો ચોક, શેરીમાં સોશિયલ ડિસ્ટંસ જાળવતા નથી જેના કારણે સંક્રમણ વધી રહ્યું છે. આ બેદરકારીના કારણે જામનગરમાં ખૂબ મોટા પાયે સંક્રમણ વધ્યું છે. ત્યારે લોકો ઘરમાં રહે અને સંપૂર્ણ તકેદારી રાખે. આ સમયે જો કદાચ આજુબાજુમાં રહેલ કોઇ વ્યક્તિ પણ ધ્યાન રાખીને પડોશીઓ પણ આવી તકેદારીઓ ન રાખતા હોય તો તેવા લોકોનો બહિષ્કાર કરી તેમને પોતાનાથી દુર રાખી પોતે સ્વસ્થ રહે અને તેમને સમજ આપે. જેનાથી બેદરકારીથી દુર રહી સંક્રમણને અટકાવી શકાય.
વળી આ રોગમાં સામાન્યતઃ જોવા મળ્યું છે કે, અચાનક જ લોકોના શરીરમાં ઓક્સિજનનું લેવલ ખૂબ નીચું ચાલ્યું જાય છે જેના કારણે લોકોને ગંભીર શારીરિક તકલીફો ઉત્પન્ન થાય છે. આ સમયે કલેકટરશ્રીએ અનુરોધ કર્યો હતો કે,  દરેક રેસિડેંસીયલ સોસાયટીઓ એકથી બે જેટલા પલ્સ ઓક્સીમીટર ખરીદીને રાખે અને સોસાયટીના દરેક સભ્યોને દિવસમાં એકવાર ખાસ સિનિયર સિટિઝનોને પલ્સ ઓક્સીમીટર દ્વારા તેમના ઓક્સિજનનું લેવલ ચેક કરો. જો કોઈપણ વ્યક્તિનું ઓક્સિજન સેચ્યુરેશન લેવલ ૯૫ થી ઓછું જણાય તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરો. આ સાથે જ ફાર્મસીઓના માલિકોને પણ જિલ્લા સમાહર્તાશ્રીએ વિનંતી કરી હતી કે, તેઓ પણ પોતાના વ્યવસાયના સ્થળે પલ્સ ઓક્સીમીટર વસાવે અને જે તે વ્યક્તિ ત્યાં વસ્તુ લેવા આવે છે તેમના હાથ સંપૂર્ણ સેનેટાઈઝ કરી પલ્સ ઓક્સીમીટર દ્વારા તેમનું ઓક્સિજન સેચ્યુરેશન લેવલ જાણી ત્યારબાદ ફરી તેમના હાથ સેનેટાઈઝર કરવાની પ્રક્રિયા કરે તો દુકાને આવનાર વ્યક્તિ કોરોનાગ્રસ્ત હશે તો તે દુકાનના વ્યક્તિઓને અને જો સોસાયટીમાં રહેનાર હશે તો તે સોસાયટીને પણ સંક્રમિત કરી શકે છે ત્યારે આ પલ્સ ઓક્સીમીટર દ્વારા ઓક્સિજન લેબલ જાણી એસિમ્પ્ટોમેટીક દર્દીઓને પણ જાણી શકાય છે અને આ સંક્રમણ અટકાવી શકાય છે તેથી જામનગરના લોકો આ સંક્રમણને અટકાવવા સહકાર આપે તો આ કપરા કાળમાંથી બચી શકાશે તેમ જિલ્લા સમાહર્તાશ્રીએ ઉમેર્યુ હતું.


મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...