Tuesday, May 4, 2021

સાંસદ શ્રી પૂનમબહેન માડમે ધ્રોલ આરોગ્ય કેન્દ્ર તથા ઉમા કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી

 જામનગર તા.૦૪ એપ્રિલ, સાંસદ શ્રી પુનમબહેન માડમે ધ્રોલ ખાતેના સરકારી આરોગ્ય કેન્દ્ર તથા ઉમા કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ હોસ્પિટલની કોવિડ અંગેની વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.                                                                           જન પ્રતિનિધિઓને પોતાના વિસ્તારોમાં કોવિડ સંક્રમણ અટકાવવા પૂરતા પ્રયત્નો હાથ ધરવા સુચન કરતા સાંસદશ્રી*



                સાંસદશ્રીએ હોસ્પિટલના ડોક્ટરો તથા સ્ટાફ સાથે દાખલ દર્દીઓની સંખ્યા, બેડની સંખ્યા, કેન્દ્રમાં ઓક્સીજનની ઉપલબ્ધતા, બાયપેપ સહિતના મશીનોની વ્યવસ્થા, દર્દીઓનો રિકવરી રેટ, આવશ્યક દવાઓની સુવિધા વગેરે બાબતે ચર્ચા કરી હતી.સાંસદ શ્રીએ શહેરોમાં સિવિલ હોસ્પિટલ પરનું ભારણ ઘટે તેમજ લોકોને સ્થાનિક સ્તરે જ કોવિડ સારવાર ઉપલબ્ધ થાય તે હેતુથી ગ્રામીણ ક્ષેત્રે સી.એચ.સી.તથા પી.એચ.સી ને વધુ સક્ષમ બનાવવા તથા લોકોમાં વેકસીન તથા ટેસ્ટ અંગે જાગૃતિ વધે તે માટે ખાસ જાગૃતિ અભિયાન શરૂ કરવાની તાકીદ કરી હતી.તેમજ ગ્રામજનો, હોસ્પિટલ સ્ટાફ તથા સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કરવામાં આવેલ સૂચનો તથા રજૂઆતો સાંસદશ્રીએ સાંભળી હતી અને તે અંગે સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ તકે જિલ્લા મહામંત્રી શ્રી દિલીપભાઈ ભોજાણી, ધ્રોલ તાલુકા પ્રમુખ શ્રી નવલભાઈ મૂંગરા, જાડાના પૂર્વ ચેરમેન શ્રી દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી લખધીરસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પોલુભા જાડેજા, ધ્રોલ શહેર પ્રમુખ શ્રી મગનભાઈ ભોજાણી, ધ્રોલ નગરપાલિકા પ્રમુખ શ્રી મનસુખભાઈ પરમાર, તાલુકા મહામંત્રી શ્રી જયંતીભાઈ કાગથરા, શહેર મહામંત્રી શ્રી હિરેન કોટેચા, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી બી.પી.મણવર સહિતના આગેવાનો, ગ્રામજનો તથા આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.  


મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જામનગર ખાતે રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલી ૪૦૦ ઓક્સિજનની સુવિધાવાળા બેડની હોસ્પિટલનું ઈ-લોકાર્પણ કર્યું

          જામનગર - દેવભૂમિ દ્વારકા- પોરબંદર સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાના લોકો માટે કોરોના સંક્રમણ સારવારની મોટી સુવિધા મળશે.  ૪૦૦ બેડની ક્ષમતાની શરૂઆત બાદ વધુ ૬૦૦ બેડ ક્ષમતા-ઓક્સિજન સપ્લાય વ્યવસ્થા સાથેની કોવિડ હોસ્પિટલ ઊભી કરાશે.        








        ગ્રેવીટી ન્યૂઝ જામનગર તા. ૦૪ મે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જામનગર ખાતે રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલી ૪૦૦ ઓક્સિજનની સુવિધાવાળા બેડની હોસ્પિટલનું આજે ઈ-લોકાર્પણ ગાંધીનગરથી કર્યું હતું. 

               મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર વધુ વિકરાળ સાબિત થઈ રહી છે તેવા સંજોગોમાં રાજ્ય સરકાર સંક્રમણને રોકવા માટેના તમામ પગલાંઓ લઈ રહી છે.                                     રાજ્ય સરકારે છેલ્લા દોઢ મહિનામાં બેડની સંખ્યામાં વધારો કરીને ૪૧,૦૦૦ થી ૧ લાખ બેડ તેમજ ૧૮૦૦૦ થી ૫૮૦૦૦ ઓક્સિજન બેડ રાજ્યભરમાં ઉપલબ્ધ કરાવ્યા છે. રાજ્ય સરકાર ગુજરાતની ૧૯૦૦ હોસ્પિટલના ૫૮,૦૦૦ બેડને સતત ૨૪ કલાક ઓક્સિજન પૂરો પાડી રહી છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.                                                                                            શ્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં ઉમેર્યું કે, કોરોનાના કપરાકાળમાં રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ૧૦૦૦ બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવાનું આયોજન કર્યું છે તે સમગ્ર ગુજરાત માટે આનંદની વાત છે.                                       આગામી સમયમાં ૧૦૦૦ બેડની સંપૂર્ણ ક્ષમતાની ઓક્સિજન સુવિધા સહિતની આ હોસ્પિટલ કાર્યરત થવાથી જામનગર તેમજ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર વગેરે જિલ્લાઓના નાગરિકો-લોકો માટે કોરોના સંક્રમણ સારવારની મોટી સુવિધા ઘર આંગણે મળતી થશે.                                                                      ગુરૂ ગોવિંદસિંહ જી.જી. હોસ્પિટલની પ્રતિષ્ઠા ખૂબ સારી છે, ત્યાં આવનાર દરેક દર્દી સાજો થઈને ઘરે પરત ફરે છે, આ પ્રકારની પ્રતિષ્ઠા ઉભી કરનાર હોસ્પિટલના તમામ તબીબી સ્ટાફ અભિનંદનને પાત્ર છે તેમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતું.

                આ તકે સાંસદશ્રી પૂનમબેન માડમ જામનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે  રિલાયન્સનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે, રિલાયન્સ ફાઉંડેશન દ્વારા જામનગરવાસીઓને કોરોનાની સારવાર માટે ખૂબ મોટી વ્યવસ્થાઓનું નિર્માણ કરી આ કપરા સમયમાં પોતાનું પ્રશંસનીય યોગદાન આપ્યું છે.જામનગરવાસીઓ માટે આ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થશે.  

                આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડન્ટ શ્રી ધનરાજભાઈ નથવાણી, ધારાસભ્યશ્રી રાઘવજીભાઈ પટેલ, મેયરશ્રી બિનાબેન કોઠારી,  ડેપ્યુટી મેયરશ્રી તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી મનિષ કટારીયા, શહેર ભાજપ પ્રમુખશ્રી વિમલભાઇ કગથરા, કલેક્ટરશ્રી રવિશંકર, મહાનગરપાલિકા કમિશનરશ્રી સતિષ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. વિપીન ગર્ગ, શ્રી.એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડીન શ્રીમતી નંદિની દેસાઈ, જી.જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. દિપક તિવારી, સરકારી ડેન્ટલ કોલેજના ડીન ડૉ. નયના પટેલ ઉપસ્થિત રહ્યા હતા.  


જામનગરના ગ્રામવિસ્તારોને કોરોનામુકત કરવા તંત્રનો કોરોના સામે જંગ

ગ્રામજનોને ગ્રામ વિસ્તારમાં જ તત્કાલ સારવારની સુવિધા              ગ્રામ્યવિસ્તારમાં ૩૯ કોવિડ કેર સેન્ટર કાર્યરત                  ૬૪૫ બેડની વ્યવસ્થા, ઓક્સિજન સુવિધાથી સજ્જ ૧૬૦ બેડ                    સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે સઘન સારવાર થકી ૪૫૦થી વધુ ગ્રામજનોએ આપી કોરોનાને માત






જામનગર તા. ૦૪ મે, જામનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખૂબ વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. મહામારીના આ બીજા તબકકામાં જામનગર શહેર સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સંક્રમણનો વ્યાપક ફેલાવો જોવા મળ્યો છે. ત્યારે ગ્રામવિસ્તારોને કોરોનામુક્ત કરવા તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરાઇ રહી છે. ગ્રામજનોને સમયસર અને સઘન સારવાર મળી રહે તે માટે જિલ્લાના નવ સામૂહિક આરોગ્ય કેન્દ્રો સહિત ૩૦ કેન્દ્રો ખાતે કોવિડ-૧૯ની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.                                                          જેમાં  સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર વહિવટી તંત્ર દ્વારા ૧૩૦ જેટલા ઓક્સિજન સિલિન્ડર્સની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોરોના વાયરસ મહામારીને નાથવા રાત-દિવસ સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. માળખાકિય સુવિધાઓમાં સુધારો અને ઉપલબ્ધ સંસાધનોના સુઆયોજીત ઉપયોગ થકી મહત્તમ દર્દીઓને સઘન સારવાર મળે તે માટે વહિવટી તંત્ર કટીબદ્ધ છે. હાલની સ્થિતિએ મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ એવા ઓક્સિજન સિલિન્ડર્સના સુઆયોજીત ઉપયોગ થકી નવ જેટલા સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને ૨ કોવિડ કેર સેન્ટર ખાતે દર્દીઓને ઓક્સિજન સાથેની સારવાર આપવામાં આવી રહી છે.                                                                             કોરોના વાયરસ સંક્રમણની આ બીજી લહેરમાં વધુને વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે, સાથે જ નવા સ્ટ્રેનથી પ્રભાવિત દર્દીઓના ફેફસાં પર ખુબ ઝડપથી અસર થઈ રહી છે ત્યારે આવા દર્દીઓને પોતાના જ વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સારવાર કેંદ્રો ખાતે ઓક્સિજન સાથેની સારવાર તેમજ આવશ્યક દવાઓ અને દર્દીઓને પ્રોન થેરપી પણ આપવામાં આવે છે. જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી બી.પી.મણવરે જણાવ્યું હતું કે, દર્દીઓને ઓક્સિજન સાથેની સારવાર માટે જિલ્લાના જાંબુડા, ધ્રોલ, જામજોધપુર, જોડીયા, ધુતારપર, લાલપુર, કાલાવડ, સિક્કા અને ડબ્બાસંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે કુલ ૧૩૦ ઓક્સિજન સિલિન્ડર્સ ફાળવવામાં આવ્યા છે. આ નવ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે કુલ ૧૬૮ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ૧૦૦ ઓક્સિજનની સુવિધાથી સજ્જ બેડ છે. હાલ સુધીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતેથી સઘન સારવાર મેળવી ૪૫૦થી વધુ ગ્રામજનોએ કોરોનાને માત આપી છે અને સરેરાશ ૧૦૦ જેટલા દર્દીઓ સારવાર મેળવી રહયા છે.                                            ગ્રામ્ય વિસ્તારમાં કોવીડ-૧૯ના સંક્રમિત દર્દીઓમાં વધારો જણાતા જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૯ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત ૩૦ CCC(કોવિડ કેર સેન્ટર) કાર્યરત કરવામાં આવેલ છે તેમજ ૨૮ જેટલા ગામોમાં સમાજવાડી અથવા તો ગામની શાળા ખાતે કોવિડ કેર સેન્ટરની વ્યવસ્થાનું કરવામાં આવેલ છે. આમ, ઓક્સિજન સ્પોટ સાથેના ૧૬૦ બેડ સહિત કુલ (ઓક્સિજન અને ઓક્સિજન વગરના) ૬૪૫ બેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે, વધુ આવશ્યકતા અનુસાર બેડ વધારવામાં આવશે. ગ્રામવિસ્તારોને કોરોનામુક્ત બનાવવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ વ્યવસ્થાઓનું નિર્માણ કરી ગ્રામજનોની સેવા કરવામાં આવી રહી છે. 

                                                             

Monday, May 3, 2021

હોસ્પિટલ ખાતે તમામ સુવિધાઓ સજ્જ, જનપ્રતિનિધિઓ જનતાની પડખે: મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

જી.જી. હોસ્પિટલના ડોક્ટરો તથા અધિકારીઓ સાથે કોવિડ અંગેની સમીક્ષા બેઠક યોજતા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા                                                      આરોગ્યકર્મીઓની રાત દિવસની અવિરત સેવાને બિરદાવતા રાજ્યમંત્રીશ્રી.                                              રાજ્યમંત્રીશ્રીએ જિલ્લા કોવિડ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓના પરિવારજનોને સાંત્વના પાઠવી







               જામનગર તા. ૩ મે, આજે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જી. જી. હોસ્પિટલની મુલાકાત લઈ હોસ્પિટલના આરોગ્ય અધિકારીઓ તથા ડોક્ટરો સાથે જિલ્લાની કોવિડ સ્થિતિ અંગેની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજી હતી.                                                                            આ બેઠકમાં મંત્રીશ્રીએ દાખલ દર્દીઓની સંખ્યા તથા તેમની સ્થિતિ, હોસ્પિટલમાં ઓક્સીજનની જરૂરિયાત તથા તેની સ્થિતિ, રેમડેસેવીર ઇન્જેકશનની જરૂરિયાત તથા માંગ, આવશ્યક દવાઓની જરૂરિયાત, મેડિકલ-પેરામેડિકલ સ્ટાફની ફાળવણી અને રાત્રિ દરમિયાન દાખલ દર્દીઓની વિશેષ કાળજી સહિતના મુદ્દે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તેમજ મંત્રીશ્રીએ હોસ્પિટલના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ રજૂઆતો તથા સૂચનો ધ્યાનથી સાંભળ્યા હતા અને સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.                        મંત્રીશ્રીએ આ તકે તમામ આરોગ્યકર્મીઓની રાત-દિવસની સતત મહેનત અને સેવાને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે ૮ કલાકના સ્થાને આપ સૌ હાલ ૧૨ કલાકથી વધુ ફરજ બજાવો છો, આપના પરિવારને મુકી અન્યના પરિવારોને પોતાના સમજી સેવા કરો છો એ બાબત ખરેખર વંદનિય છે.                                   આ તકે, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોરોનાની વર્તમાન મહામારીનો બીજો તબક્કો આપણે ધાર્યો હતો તેના કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સંક્રમણની ગતિ વધુ છે. આ સમયે જરૂરી છે કે, તમામે તમામ લોકો એ બાબતની પૂરી તકેદારી રાખે કે સંક્રમણ આગળ વધે નહીં. આ સાથે જ મંત્રીશ્રીએ હોસ્પિટલની વ્યવસ્થા અંગે જણાવતાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે કેબિનેટ મંત્રી શ્રી આર.સી.ફળદુ, મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ પૂનમબેન માડમ સતત સંપર્કમાં રહીને જામનગરની કોવિડ હોસ્પિટલને જે જરૂરિયાત છે તે મુજબનો ઓક્સિજનનો જથ્થો, રેમડેસિવીર ઇન્જેક્શન વગેરે દવાઓનો પૂરતો જથ્થો મળી રહે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, સાથે જ મંત્રીશ્રીએ લોકોને અપીલ કરી હતી કે, વર્તમાન મહામારીમાં અમે જનપ્રતિનિધિઓ જામનગરની જનતાની પડખે ઊભા રહ્યા છીએ અને ઊભા રહીશું, લોકો જરા પણ ડરે નહીં. જામનગર ખાતે વ્યવસ્થામાં કોઈ ઉણપ આવશે નહીં પરંતુ સાથે જ જરૂરી છે કે, લોકો જાગૃત રહે અમને- તંત્રને સાથ આપે અને મહામારીને રોકવા માટે જે તકેદારીઓ સૂચવવામાં આવી છે તેનું પૂરેપૂરું પાલન કરે. હાલ ઓક્સિજનનો જથ્થો પુરતો મળી રહ્યો હોવા છતાં ૨૪ કલાકમાં મૃત્યુ દર ઘટાડી શકાયો નથી તેનું મુખ્ય કારણ એ છે કે દર્દીઓ આ બીમારીના છેલ્લા સ્ટેજમાં એટલે કે અત્યંત ગંભીર પરિસ્થિતિ થયા બાદ હોસ્પિટલમાં આવી રહ્યા છે. આ સમયે જામનગરના તમામ લોકોને ખાસ અનુરોધ છે કે, જો આપને જરાપણ કોરોનાના લક્ષણો જણાય તો તાત્કાલિક અસરથી તબીબનો સંપર્ક કરો અન્ય લોકોથી અંતર રાખો અને પોતાની સામાજિક જવાબદારીને પૂર્ણપણે નિભાવો....                                                 તંત્ર દ્વારા પદાધિકારીઓ દ્વારા રાતદિવસ તમામ વ્યવસ્થા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,પરંતુ જો જનતા જનાર્દનનો સાથ નહિ હોય તો આ મહામારી સામેના જંગમાં આપણે જીતી શકીશું નહીં. આ માટે તમામ લોકો હિંમત રાખી જરા પણ ડરે નહીં. તકેદારીથી આ મહામારી સામે લડત આપશે તો આપણી જીત થશે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ લોકોને આ મહામારી સામેના જંગમાં સહયોગ આપવા અને નજીકના ભવિષ્યમાં આ મહામારીને માત આપવા આશા વ્યક્ત કરી હતી                                   આ ઉપરાંત કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન મુજબ હોસ્પિટલમાં મૃત્યુ પામતા દર્દીઓના શબ જે પરિવારજન ઈચ્છે છે તેમને સોંપવામાં આવી રહ્યા છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં મૃતદેહ ઘરે લઈ જવામાં આવ્યા બાદ કીટ ખોલવામાં આવી છે જેના કારણે બીજા લોકો પણ સંક્રમિત બન્યા હોવાની ભીતિ પેદા થઈ છે આ સમયે જે લોકો મૃતદેહને ઘરે લઈ જાય તે કિટને ખોલે નહીં અને પોતાની સામાજિક જવાબદારી નિભાવી કોવિડ માર્ગદર્શિકાનુ પાલન કરે તેમ કહી રાજ્યમંત્રીશ્રીએ જામનગરની જનતાને કહ્યું હતું કે, જનપ્રતિનિધિઓ જામનગરની જનતાની સાથે ઉભા છે. હોસ્પિટલની વ્યવસ્થામાં કોઈ ઉણપ આવવા દેવામાં આવશે નહીં, પરંતુ આ સમયે માત્ર જામનગરવાસીઓનાં સાથની જરૂર છે.                                                                        આ મુલાકાતમાં શહેર ભાજપ પ્રમુખશ્રી વિમલ કગથરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખભાઇ હિંડોચા, નાયબ કલેક્ટરશ્રી ઉપાધ્યાય, પ્રાંત અધિકારી શ્રી આસ્થા ડાંગર, ડીનશ્રી નંદીની દેસાઇ, સુપ્રિટેંડન્ટ શ્રી ડો.તિવારી, કોરોના નોડલ ડો.એસ.એસ.ચેટરજી, એડિશનલ સુપ્રિટેંડન્ટ શ્રી ડો.વસાવડા વગેરે અધિકારી ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા. 


મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...