જી.જી. હોસ્પિટલના ડોક્ટરો તથા અધિકારીઓ સાથે કોવિડ અંગેની સમીક્ષા બેઠક યોજતા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા આરોગ્યકર્મીઓની રાત દિવસની અવિરત સેવાને બિરદાવતા રાજ્યમંત્રીશ્રી. રાજ્યમંત્રીશ્રીએ જિલ્લા કોવિડ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓના પરિવારજનોને સાંત્વના પાઠવી
જામનગર તા. ૩ મે, આજે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જી. જી. હોસ્પિટલની મુલાકાત લઈ હોસ્પિટલના આરોગ્ય અધિકારીઓ તથા ડોક્ટરો સાથે જિલ્લાની કોવિડ સ્થિતિ અંગેની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીશ્રીએ દાખલ દર્દીઓની સંખ્યા તથા તેમની સ્થિતિ, હોસ્પિટલમાં ઓક્સીજનની જરૂરિયાત તથા તેની સ્થિતિ, રેમડેસેવીર ઇન્જેકશનની જરૂરિયાત તથા માંગ, આવશ્યક દવાઓની જરૂરિયાત, મેડિકલ-પેરામેડિકલ સ્ટાફની ફાળવણી અને રાત્રિ દરમિયાન દાખલ દર્દીઓની વિશેષ કાળજી સહિતના મુદ્દે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તેમજ મંત્રીશ્રીએ હોસ્પિટલના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ રજૂઆતો તથા સૂચનો ધ્યાનથી સાંભળ્યા હતા અને સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું. મંત્રીશ્રીએ આ તકે તમામ આરોગ્યકર્મીઓની રાત-દિવસની સતત મહેનત અને સેવાને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે ૮ કલાકના સ્થાને આપ સૌ હાલ ૧૨ કલાકથી વધુ ફરજ બજાવો છો, આપના પરિવારને મુકી અન્યના પરિવારોને પોતાના સમજી સેવા કરો છો એ બાબત ખરેખર વંદનિય છે. આ તકે, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોરોનાની વર્તમાન મહામારીનો બીજો તબક્કો આપણે ધાર્યો હતો તેના કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સંક્રમણની ગતિ વધુ છે. આ સમયે જરૂરી છે કે, તમામે તમામ લોકો એ બાબતની પૂરી તકેદારી રાખે કે સંક્રમણ આગળ વધે નહીં. આ સાથે જ મંત્રીશ્રીએ હોસ્પિટલની વ્યવસ્થા અંગે જણાવતાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે કેબિનેટ મંત્રી શ્રી આર.સી.ફળદુ, મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ પૂનમબેન માડમ સતત સંપર્કમાં રહીને જામનગરની કોવિડ હોસ્પિટલને જે જરૂરિયાત છે તે મુજબનો ઓક્સિજનનો જથ્થો, રેમડેસિવીર ઇન્જેક્શન વગેરે દવાઓનો પૂરતો જથ્થો મળી રહે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, સાથે જ મંત્રીશ્રીએ લોકોને અપીલ કરી હતી કે, વર્તમાન મહામારીમાં અમે જનપ્રતિનિધિઓ જામનગરની જનતાની પડખે ઊભા રહ્યા છીએ અને ઊભા રહીશું, લોકો જરા પણ ડરે નહીં. જામનગર ખાતે વ્યવસ્થામાં કોઈ ઉણપ આવશે નહીં પરંતુ સાથે જ જરૂરી છે કે, લોકો જાગૃત રહે અમને- તંત્રને સાથ આપે અને મહામારીને રોકવા માટે જે તકેદારીઓ સૂચવવામાં આવી છે તેનું પૂરેપૂરું પાલન કરે. હાલ ઓક્સિજનનો જથ્થો પુરતો મળી રહ્યો હોવા છતાં ૨૪ કલાકમાં મૃત્યુ દર ઘટાડી શકાયો નથી તેનું મુખ્ય કારણ એ છે કે દર્દીઓ આ બીમારીના છેલ્લા સ્ટેજમાં એટલે કે અત્યંત ગંભીર પરિસ્થિતિ થયા બાદ હોસ્પિટલમાં આવી રહ્યા છે. આ સમયે જામનગરના તમામ લોકોને ખાસ અનુરોધ છે કે, જો આપને જરાપણ કોરોનાના લક્ષણો જણાય તો તાત્કાલિક અસરથી તબીબનો સંપર્ક કરો અન્ય લોકોથી અંતર રાખો અને પોતાની સામાજિક જવાબદારીને પૂર્ણપણે નિભાવો.... તંત્ર દ્વારા પદાધિકારીઓ દ્વારા રાતદિવસ તમામ વ્યવસ્થા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,પરંતુ જો જનતા જનાર્દનનો સાથ નહિ હોય તો આ મહામારી સામેના જંગમાં આપણે જીતી શકીશું નહીં. આ માટે તમામ લોકો હિંમત રાખી જરા પણ ડરે નહીં. તકેદારીથી આ મહામારી સામે લડત આપશે તો આપણી જીત થશે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ લોકોને આ મહામારી સામેના જંગમાં સહયોગ આપવા અને નજીકના ભવિષ્યમાં આ મહામારીને માત આપવા આશા વ્યક્ત કરી હતી આ ઉપરાંત કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન મુજબ હોસ્પિટલમાં મૃત્યુ પામતા દર્દીઓના શબ જે પરિવારજન ઈચ્છે છે તેમને સોંપવામાં આવી રહ્યા છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં મૃતદેહ ઘરે લઈ જવામાં આવ્યા બાદ કીટ ખોલવામાં આવી છે જેના કારણે બીજા લોકો પણ સંક્રમિત બન્યા હોવાની ભીતિ પેદા થઈ છે આ સમયે જે લોકો મૃતદેહને ઘરે લઈ જાય તે કિટને ખોલે નહીં અને પોતાની સામાજિક જવાબદારી નિભાવી કોવિડ માર્ગદર્શિકાનુ પાલન કરે તેમ કહી રાજ્યમંત્રીશ્રીએ જામનગરની જનતાને કહ્યું હતું કે, જનપ્રતિનિધિઓ જામનગરની જનતાની સાથે ઉભા છે. હોસ્પિટલની વ્યવસ્થામાં કોઈ ઉણપ આવવા દેવામાં આવશે નહીં, પરંતુ આ સમયે માત્ર જામનગરવાસીઓનાં સાથની જરૂર છે. આ મુલાકાતમાં શહેર ભાજપ પ્રમુખશ્રી વિમલ કગથરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખભાઇ હિંડોચા, નાયબ કલેક્ટરશ્રી ઉપાધ્યાય, પ્રાંત અધિકારી શ્રી આસ્થા ડાંગર, ડીનશ્રી નંદીની દેસાઇ, સુપ્રિટેંડન્ટ શ્રી ડો.તિવારી, કોરોના નોડલ ડો.એસ.એસ.ચેટરજી, એડિશનલ સુપ્રિટેંડન્ટ શ્રી ડો.વસાવડા વગેરે અધિકારી ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા.
No comments:
Post a Comment