અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૦ શહેરોમાં રાત્રિના ૮ થી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યુ હતો તે ૨૦ શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ ૨૯ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી રાત્રી કરફ્યુ રહેશે.
ભારત સરકારના ગૃહ મંત્રાલયની ૨૬ એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની તાકીદની બેઠક પછી કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ પદે આજે સવારે મળેલી આ તાકીદની બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ (ગૃહ) શ્રી પંકજકુમાર, પોલીસ મહાનિર્દેશક શ્રી આશિષ ભાટિયા, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. શ્રીમતી જયંતિ રવિ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ નિયંત્રણ તા. ૨૮મી એપ્રિલ-૨૦૨૧ બુધવારથી તા. ૦૫મી મે-૨૦૨૧ બુધવાર સુધી અમલી રહેશે.
તદઉપરાંત આ ૨૯ શહેરોમાં વધારાના નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
આ નિયંત્રણો દરમિયાન ઉપરોક્ત ૨૯ શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.
અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.
આ ૨૯ શહેરોમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે
તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે
આ ૨૯ શહેરોમાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે માત્ર ટેક-અવે સેવાઓ ચાલુ રાખી શકાશે
તમામ ૨૯ શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.
સમગ્ર રાજ્યમાં તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે
સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે.
સમગ્ર રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ ૫૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે.
સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓ હાજર રહી શકશે અને અંતિમવિધિઓમાં ૨૦ વ્યક્તિઓ હાજર રહી શકશે.
No comments:
Post a Comment