Thursday, June 9, 2022

૮ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના' કાર્યક્રમ અંતર્ગત રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભો અપાયાં

લોકોની સુખાકારીનો ગ્રાફ વધુમાં વધુ ઊંચો જાય તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી સરકારે નાગરિકોની ચિંતા કરી છે - શ્રી બ્રિજેશભાઈ મેરજા

જામનગર તા.૦૯ જુન, શહેરના ટાઉનહોલ ખાતે રાજ્યના શ્રમ અને રોજગાર, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી બ્રીજેશભાઈ મેરજાના અધ્યક્ષ સ્થાને જામનગર શહેરનો '૮ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ' કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લાભાર્થીઓને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભો સ્થળ પર જ એનાયત કરી ઉપસ્થિત સૌ કોઇને કેન્દ્ર સરકારની ૧૩ થી વધુ યોજનાઓથી માહિતગાર કરાયા હતા.

આ પ્રસંગે મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે લોકોની સુખાકારીનો ગ્રાફ વધુમાં વધુ ઊંચો જાય તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વનિધી યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વરોજગાર કાર્યક્રમ, જન આરોગ્ય યોજના, વૃદ્ધ પેન્શન યોજના સહિતની અનેક યોજનાઓ દેશમાં અમલી બનાવી છે. માતૃવંદના, સૂપોષણ ભારત, ઉજ્જવલા યોજના વગેરેથી સરકારે ખરા અર્થમાં "નારી તું નારાયણી"ની વિભાવનાને સાકાર કરી છે. સખીમંડળોને મુદ્રા યોજના થકી આર્થિક સહાય પૂરી પાડી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવી છે. વન નેશન વન પેન્શન સ્કીમને અમલમાં મૂકી દેશના જવાનોના ભવિષ્યની ચિંતા કરી છે તો અન્ન યોજના દ્વારા ભૂખ્યા તથા ગરીબોની જઠરાગ્નિ ઠારવાનું સરકારે કામ કર્યું છે. આવાસ યોજનાના માધ્યમથી લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ ને કારણે આજે ખરા અર્થમાં 'આયુષ્માન ભારત' ચરિતાર્થ થયું છે. સરકારે સ્ટાર્ટ અપ, સ્ટેન્ડ અપ તથા સ્કીલ ડેવલપમેન્ટ જેવી યોજનાઓથી યુવાઓ તથા ઉદ્યોગ સાહસિકોને વિકસીત થવા મદદ પૂરી પાડી છે તેમજ દેશના યુવાઓનું કૌશલ્યવર્ધન થાય તે માટે દરેક આઈ.ટી.આઈ માં ૪૭ જેટલા નવીન કોર્સ અભ્યાસક્રમમાં દાખલ કર્યા છે.

કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલ ગુજરાત બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ શ્રી ઉદયભાઇ કાનગડ તથા મેયર શ્રીમતી બીનાબેન કોઠારીએ પ્રાસંગીક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે વિવિધ યોજનાઓના માધ્યમથી ગરીબો, વંચિતો, શોષિતો તેમજ છેવાડાના માનવીના ઉત્કર્ષ માટે સરકાર સતત ચિંતિત છે અને તેથી જ નાગરિકોની સુખ સુવિધાઓમાં વધારો થાય તે પ્રકારની યોજનાઓ અમલમાં મૂકી તેમનું જીવનધોરણ ઊંચું લાવવા સતત પ્રયત્નશીલ છે.

કાર્યક્રમમાં સ્ટેજ પરથી લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે પી.એમ.સ્વનિધી, પ્રધાનમંત્રીઆવાસ યોજના, કૌશલ્ય તાલીમ, સ્વરોજગાર, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના સહિતના વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, ડે.મેયર શ્રી તપનભાઈ પરમાર, કલેકટર શ્રી ડો.સૌરભ પારઘી, કમિશનર શ્રી વિજય ખરાડી, શહેર ભાજપ પ્રમુખશ્રી વિમલભાઈ કગથરા, શાસક પક્ષના નેતા શ્રી કુસુમબેન પંડયા, દંડક શ્રી કેતનભાઈ ગોસરાણી, શિક્ષણ સમિતીના ચેરમેન શ્રી કનખરા, જિલ્લા કારોબારી સભ્ય શ્રી ભરતભાઈ, મહામંત્રી સર્વશ્રી મેરામણ ભાટ્ટુ તથા શ્રી વિજયસિંહ, ડે.કમિશનર શ્રી વસ્તાણી, મહાનગર પાલિકાના કોર્પોરેટરશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...