Wednesday, March 8, 2023

શ્રી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી

સ્ત્રી શક્તિની તાકાત અને જવાબદારી વિષય પર યોજાયેલા વક્તવ્યનો મોટી સંખ્યામાં મહિલાઓએ લ્હાવો લીધો

રિચ થિંકર અંકિતાબેન મૂલાણીએ સ્ત્રી શક્તિની મહત્તા સમજાવતું ધારદાર વક્તવ્ય રજુ કર્યું

મહિલાઓએ સૌપ્રથમ પોતાની જાતને પ્રેમ કરવો જોઈએઃ  શ્રીમતિ અનારબેન પટેલ

જગતનું અસ્તિત્વ બે શક્તિથી ટક્યું છે, એક મા ભગવતી અને બીજી સ્ત્રી શક્તિઃ શ્રીમતિ અંકિતાબેન મૂલાણી



રાજકોટઃ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ કામ કરતી શ્રી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ દ્વારા તારીખ 6 માર્ચ ને સોમવારના રોજ રાજકોટ ખાતે વિશ્વ મહિલા દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા રાજકોટના શ્રી સરદાર પટેલ ભવન ખાતે સ્ત્રી શક્તિની તાકાત અને જવાબદારી વિષય પર વક્તવ્ય યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે હાજરી આપી હતી. આ ઉપરાંત ટ્રસ્ટી અનારબેન પટેલે પણ ઉપસ્થિત રહીને મહિલાઓને પ્રેરણા પૂરી પાડી હતી. મુખ્ય વક્તા એવા શ્રીમતિ અંકિતાબેન મૂલાણી (રિચ થિંકર)એ આ કાર્યક્રમમાં સ્ત્રી શક્તિની તાકાત અને જવાબદારી વિષય પર સ્ત્રી શક્તિની મહત્તા સમજાવતું ધારદાર વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી હતી અને કાર્યક્રમને માણ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ચેરમેનશ્રી નરેશભાઈ પટેલનું શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ટ્રસ્ટી અનારબેન પટેલ અને મુખ્ય વક્તા અંકિતાબેન મૂલાણી સહિતના મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.



આ પ્રસંગે ઉપસ્થિત ટ્રસ્ટી શ્રીમતિ અનારબેન પટેલે પોતાના સંબોધનમાં ઉપસ્થિત મહિલાઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, આ વર્ષે 8 માર્ચે ધુળેટીના દિવસે મહિલા દિવસ છે ત્યારે તમામ બહેનો પોતાની આસપાસ રહેતી જરૂરિયાતમંદ બહેનોને મદદ કરીને આ દિવસની ઉજવણી કરે. વધુમાં અનારબેન પટેલે કહ્યું હતું કે, મહિલાઓના સ્વપ્નો હંમેશા પરિવારની આજુબાજુ જ હોય છે. મહિલાઓ પરિવારની સારસંભાળમાં પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જતી હોય છે ત્યારે મહિલાઓએ સૌપ્રથમ પોતાની જાતને પ્રેમ કરવો જોઈએ. મહિલાઓએ પોતાના શરીરની પણ સાર સંભાળ રાખવી જોઈએ અને પોષ્ટીક ખોરાક આરોગવો જોઈએ અને યોગા કરવા પણ અનારબેન પટેલે મહિલાઓને અપીલ કરી હતી.

કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રીમતિ અંકિતાબેન મૂલાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, જગતનું અસ્તિત્વ બે શક્તિઓથી ટક્યું છે, એક મા ભગવતી અને બીજી સ્ત્રી શક્તિ જેણે સંતાનોને જન્મ આપ્યો છે. આ બે શક્તિ ન હોય તો જગતનું અસ્તિત્વ શક્ય નથી. હજારો દિવડા પ્રગટાવો ત્યારે આરતી થાય, હજારો નાના બુંદ ભેગા થાય ત્યારે સમુદ્ર બને પરંતુ ઘરને સ્વર્ગ બનાવવું હોય તો સ્ત્રી શક્તિ બનાવી શકે. સ્ત્રી ધારે તો દુનિયાને બદલાવે અને સ્ત્રી ધારે તો દુનિયાને નર્ક પણ બનાવે. સ્ત્રી જેટલું સહન કરીને જીવે છે એવું એક પણ પુરુષ જીવતો નથી. જે સ્ત્રીને પતિ, પુત્ર અને પરિવાર તરફથી પ્રેમ મળતો હોય અને સ્ત્રી સામે પ્રેમ આપી શકતી હોય અને જે સ્ત્રીની અંદરનું સત્વ પવિત્ર છે એ સ્ત્રી સૌથી સુંદર છે. આ ઉપરાંત અંકિતાબેન મૂલાણીએ પોતાના વક્તવ્યમાં વિવિધ સ્ત્રી શક્તિઓના દ્રષ્ટાંત રજૂ કરીને સ્ત્રીઓમાં શું તાકાત હોય છે તેનું ઉદાહરણ આપ્યું હતું.

આ કાર્યક્રમમાં શ્રી ખોડલધામ મહિલા સમિતિની બહેનો, બ્રહ્મકુમારીઝના અંજુદીદી, રાજકીય અને સામાજિક આગેવાન બહેનો વિવિધ સંસ્થા અને સોશિયલ ગ્રુપની બહેનો, ઉપરાંત મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી હતી. કાર્યક્રમના અંતે સૌ મહિલાઓએ રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું અને સૌએ સાથે અલ્પાહર લીધો હતો.

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...