Tuesday, August 27, 2024

રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ-૭૬ જળાશયો સંપૂર્ણ તેમજ ૪૬ જળાશયો ૭૦ ટકાથી વધુ ભરાયા:હાઈ એલર્ટ જાહેર

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૮૭ ટકાથી વધુ જળસંગ્રહ

રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૭૮ ટકાથી વધુ જળસંગ્રહ

ગત વર્ષે આજ દિવસે રાજ્યમાં કુલ ૭૬ ટકાની સામે અત્યારે ૭૮ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો   
 
રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે મોટાભાગના તાલુકાઓમાં છેલ્લા બે દિવસમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. વરસી રહેલા આ સાર્વત્રિક વરસાદના ભાગરૂપે ૭૬ જળાશયો સંપૂર્ણ એટલે કે ૧૦૦ ટકા જ્યારે ૪૬ જળાશયો-ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના ૨૩ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે ૩૦ ડેમ ૨૫ થી ૫૦ ટકા વચ્ચે તેમજ ૩૧ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયા છે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૨,૯૦,૫૪૭ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૭ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૪,૦૭,૪૪૦ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૭૨.૭૩ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ કુલ ૨૦૭ જળાશયોમાં ૭૮ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં ૩.૩૮ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૩.૮૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે વણાકબોરી જળાશયમાં ૨.૮૭ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૨.૮૭ લાખની જાવક, ઉકાઈમાં ૨.૪૭ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૨.૪૬ લાખની જાવક, આજી-૪માં ૧.૬૩ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૧.૬૩ લાખની જાવક, કડાણામાં ૧.૫૦ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૧.૨૫ લાખની જાવક તેમજ ઉંડ-૧માં ૧.૧૯ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૧.૧૯ લાખ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. આ સિવાય વિવિધ ૯૪ જળાશયોમાં ૭૦ હજાર ક્યુસેકથી ૧,૦૦૦ હજાર ક્યુસેક સુધીની પાણીની આવક થઈ રહી છે.  
 
આ ઉપરાંત મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૮૭ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૭૮ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧માં ૬૬ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૬૧ ટકા જ્યારે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૯ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. આમ સરદાર સરોવર સાથે ૨૦૭ જળાશયોમાં અત્યાર સુધીમાં ૭૮ ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયો છે. ગત વર્ષે આ સમયે આ ૨૦૭ જળાશયોમાં ૭૬ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.
                                       

Friday, August 16, 2024

જામનગર જિલ્લાના વાહન માલિકો ફોર વ્હીલર પ્રકારના વાહનોની સીરીઝના ઈ- ઓકશનમાં ભાગ લઈ શકશે

જામનગર તા.16 ઓગસ્ટ, આથી જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના વાહન માલિકોને જણાવવામાં આવે છે કે ફોર વ્હીલર (LMV) માટેની GJ-10-EC (જીજે-10-ઈસી) સીરીઝના તમામ નંબર માટે ઈ- ઓક્શનની પ્રક્રિયા ગત તારીખ 10/08/2024 થી તારીખ 12/08/2024 સુધી ઈ- ઓકશનમાં બિડિંગ યોજાયેલ. જેમાં ટેકનીકલ ઈસ્યુના કારણે એક જ નંબર માટે એકથી વધુ અરજીઓવાળા વાહન માલિકોનું ઓક્શન થઈ શક્યું ના હતું. તેથી આ સમયગાળા દરમિયાન નવા પસંદગી નંબર મેળવવા ઈ- ઓક્શનમાં ભાગ લીધેલા વાહન માલિકો પુનઃ ભાગ લઈ શકે તેમજ તેઓને તેમની પસંદગીના નંબર મળી રહે તે હેતુ રી- ઓક્શન રાખવામાં આવ્યું છે. 

તેમજ આ સમયગાળા દરમિયાન ભાગ લીધેલ એક જ નંબર માટે એકથી વધુ અરજીઓવાળા વાહન માલિકો નવા રી- ઓકશનમાં ભાગ લઈ શકશે તેમજ બિડિંગ કરી શકશે. ઉપરાંત આ ઈ- ઓકશનમાં નવી ખરીદી કરેલા વાહન માલિકો પણ ભાગ લઈ શકશે. તે અનુસાર ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તારીખ 21/08/2024 થી 23/08/2024 ના બપોરના 04:00 કલાક સુધી, ઈ- ઓક્શન બિડિંગ કરવાનો સમયગાળો તારીખ 23/08/2024 થી 25/08/2024 ના બપોરના 04:00 કલાક સુધીનો રહેશે. તેમજ આ ઈ- ઓક્શનનું પરિણામ તારીખ 25/08/2024 ના બપોરે 04:00 કલાકે જાહેર કરવામાં આવશે. 

ઉક્ત પ્રકિયામાં ભાગ લેવા માટે વાહન માલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in આ વેબસાઈટ પર જઈને નોંધણી/ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઈ- ડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઈ- ડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉક્ત વેબસાઇટ પર લોગ- ઈન કરીને વાહન ખરીદીના દિવસ 07 ની અંદર ઓનલાઈન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે.

વાહન માલિકે ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઈન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઈન રસીદ મેળવી લેવાની રહેશે. વાહનમાલિકે પોતાની બીડ ઉપરોકત જણાવેલા સમયગાળા દરમિયાન 1000 ના ગુણાંકમાં વધારી શકશે. ઈ- ઓકશનના અંતે નિષ્ફળ થયેલા અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે.

પસંદગીના નંબર મેળવેલા અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઈન રીતે દિવસ 05 માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહીં. તેની જામનગર જિલ્લાના સર્વે વાહન માલિકોને ખાસ નોંધ લેવા માટે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


પ્રભારીમંત્રી મૂળુભાઈ બેરાએ જામનગર જિલ્લાની નગરપાલિકાઓના પડતર વિકાસ કામો અંગે બેઠક યોજી

સ્વચ્છ ભારત મિશન, ભૂગર્ભ ગટર યોજના, નગરપાલિકાઓના આગામી આયોજનો તેમજ લોકોની પ્રાથમિક જરૂરિયાતો અંગે બેઠકમાં ચર્ચા કરાઈ
નગરપાલિકાઓમાં લોકોને તમામ સુવિધાઓ મળી રહે તે માટે આયોજન હાથ ધરી કામગીરી કરવા મંત્રીશ્રીએ ચીફ ઓફિસરોને સૂચન કર્યા
જામનગર તા.૧૬ ઓગસ્ટ, જામનગર જિલ્લાના પ્રભારી અને કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જામનગર જિલ્લાની નગરપાલિકાઓની પડતર વિકાસ કામો અંગે જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યા અને પ્રાદેશિક ચીફ ઓફિસર મહેશ જાનીની ઉપસ્થિતમાં જામજોધપુર, સિક્કા, કાલાવડ અને ધ્રોલના ચીફ ઓફિસરઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. 
આ બેઠકમાં ચીફ ઓફિસરોએ નગરપાલિકાના આગામી આયોજનો, વિકાસકામો, પડતરગામો, ફાળવવામાં આવેલ ગ્રાન્ટ, સરકારની વિવિધ યોજનાઓથી લોકોને મળતા લાભો, લોકોની પ્રાથમિક જરૂરિયાતો, બ્યુટીફીકેશનના કામો વગરે અંગેની સ્થિતિ અંગે મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા. 
આ બેઠકમાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં પાણીની સુવિધાઓ, ડ્રેનેજ નેટવર્ક, સ્ટ્રીટલાઇટ, સ્વચ્છ ભારત મિશનના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ તે વિસ્તારમાં કચરો ઉપાડવાની કામગીરીના પ્રશ્નો અને પેચવર્કના બાકી કામો ત્વરિત પૂર્ણ કરવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
સિક્કા નગરપાલિકાની પાણી વિતરણની સ્થિત, ભૂગર્ભ ગટર યોજના, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, રસ્તાઓનું રિકાર્પેટિંગ, નગરપાલિકાના આગામી આયોજનો, જી.યુ.ડી.એમ.ની યોજનાઓ તેમજ બગીચાનું નિર્માણ કરવાના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ  આ વિસ્તારના નવા રેશનકાર્ડ ધારકોને રાશન મળે તે પ્રકારે આયોજન કરવા અને મેઈન રોડ પર સ્ટ્રીટલાઇટના પ્રશ્નોનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું. 
કાલાવડ ચીફ ઓફિસર દ્વારા રોડની રિસર્ફેસિંગની કામગીરી, જિલ્લા કક્ષાનું મોડેલ ફાયર સ્ટેશન, નલ સે જલ યોજના અંતર્ગત વિકાસકાર્યો, જનભાગીદારી યોજના હેઠળ ડ્રેનેજ કનેક્શન અંગેના આયોજનની વિગતો આપી હતી તેમજ સફાઇના પ્રશ્નો, સ્ટ્રીટલાઇટ, પાણીની લાઇનના વાલ્વ બદલવાની કામગીરી ઉપર ભાર મુકવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું. 
ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં પડતર વિકાસકામોમાં ગાર્ડન ડેવલોપમેન્ટનું કામ, સ્વચ્છતા અને કચરાના નિકાલની વ્યવસ્થા અંગે કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ ભૂગર્ભ ગટરની ટાંકીઓનુ રિપેરિંગ અને ઢાંકણ બદલવા, પાણી ભરવાના પ્રશ્નો, કચરાના નિકાલ માટેની વ્યવસ્થા વધુ સુદઢ બનાવવા મંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું. 
જામનગર જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં વિકાસના બાકી કામો ઝડપથી પૂર્ણ થાય અને આગામી સમયમાં લોકોની સુવિધાઓમાં વધારો થાય તે પ્રકારે આયોજન કરી કામો કરવા પ્રભારીમંત્રી મૂળુભાઈ બેરાએ લગત અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.
આ બેઠકમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, અગ્રણી રમેશભાઇ મુંગરા,નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, પૂર્વ મંત્રીશ્રી ચીમનભાઈ સાપરિયા, નગરપાલિકાઓના પ્રમુખઓ, તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસરઓ, અગ્રણીઓ તેમજ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Thursday, August 1, 2024

જામનગર જિલ્લાના માછીમારો માટે માછીમારી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો

હવામાન વિભાગ, રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલ આગાહી મુજબ આગામી તારીખ 03/08/2024 સુધી ખરાબ હવામાન રહેવાનું હોય અને ભારે પવન ફુંકાવાની શક્યતા છે. જેના અનુસંધાને વડી કચેરી, ગાંધીનગર દ્વારા આધારિત પત્રથી અત્રેની કચેરીએથી આપવામાં આવેલ સુચના મુજબ જ્યાં સુધી અન્ય સુચના ન મળે ત્યાં સુધી જામનગર જિલ્લાના તમામ માછીમારોને દરિયો ન ખેડવા માટે જણાવવામાં આવે છે. તેમજ માછીમારી બોટોને દરિયામાં માછીમારી કરવા જવા માટેના ટોકન પણ ઈસ્યુ કરવાનું બંધ રાખવામાં આવ્યું છે.

આથી અત્રેની કચેરી હસ્તકના તમામ મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ખાતેથી તમામ માછીમારી બોટો, એક લકડી હોડીઓના માલિકો, પગડીયા માછીમારોને ઉકત આગાહી ધ્યાનમાં લેતા જ્યાં સુધી અન્ય સુચના ન મળે ત્યાં સુધી દરિયો ના ખેડવા માટે અને સાવચેતી રાખવા માટે જણાવવામાં આવે છે. કોઈપણ માછીમારી બોટોએ ટોકન લીધા વગર પણ માછીમારી કરવા માટે ના જવા જણાવવામાં આવે છે. 

તેમજ જિલ્લાના તમામ મત્સ્યકેન્દ્રો પરના માછીમારો, બોટ, હોડીઓના માલિકો, આગેવાનો, પ્રમુખ, મત્સ્યોધોગ સહકારી મંડળીઓ, એસોસીએશનોના હોદેદારોને ઉપરોકત સૂચનાઓનું ગંભીરત પૂર્વક પાલન કરાવવા માટે મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. તેમજ જિલ્લાના વિવિધ ફિશરીઝ ગાર્ડ દ્વારા આ બાબતનું ગંભીરતપૂર્વક અમલ થાય તે રીતે કાર્યવાહી હાથ ધરવાની રહેશે.

કોલેરાનો ફેલાવો અટકાવવા જામનગરના વિવિધ વિસ્તારોને કોલેરા રોગ ગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરતા જિલ્લા મેજીસ્ટ્રેટ બી.કે.પંડયા


જામનગર મહાનગરપાલિકા કમિશનર તરફથી મળેલ દરખાસ્ત મુજબ જામનગરના કિસાન ચોક, મકરાણીપાડો, કબ્રસ્તાન પાસે, ખંભાળીયા નાકા બહારનો વિસ્તાર, વોર્ડ નં.૪ માં કેશુભાઇ હોટેલની સામે, સિદ્ધેશ્વર સોસાયટી, નવાગામ ઘેડનો વિસ્તાર, ન્યુ પી.જી.હોસ્ટેલ કેમ્પસ, કાલાવડ રોડ પર સનમ સોસાયટી શેરી નં.૨, એસ.ટી. વર્કશોપ, મહારાજા સોસાયટી હાપા રોડ, જુલેખા મસ્જીદ, હાજીપીર ચોક, અકબરશા મસ્જીદ, રંગુનવાળા હોસ્પિટલ, મોટા પીર ચોક, પટણીવાડ સહીતના વોર્ડ નં.૧૨ ના સમગ્ર વિસ્તારમાં, વોર્ડ નં.૧ ના ઇકબાલ ચોક, રાશનપરા, બેડી તથા વોર્ડ નં ૯ માં સાત રસ્તા પ્રદર્શન ગ્રાઉન્ડ વિસ્તારમાંથી કોલેરાના પોઝીટીવ કેસો નોંધાયેલ છે. આ રોગનો ફેલાવો થતો અટકાવવા આ વિસ્તારને કોલેરા રોગ ગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા તથા તેની આજુબાજુના ૨ કિ.મી.ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવા માટેની દરખાસ્ત મળતા જિલ્લા મેજીસ્ટ્રેટ બી.કે.પંડયાએ તાત્કાલિક પગલા લેવા માટે એપેડેમીક ડીસીઝ એક્ટ અન્વયે જાહેરનામુ બહાર પાડેલ છે. જે અન્વયે ઉપરોક્ત વિસ્તારોને કોલેરા રોગ ગ્રસ્ત તથા તેની આસપાસના ૨ કિ.મી.ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલ છે.

તેમજ આ રોગનો ફેલાવો થતો અટકાવવા માટે નાયબ કમિશ્નર, જામનગર મહાનગરપાલિકાને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિયુકત કરવામાં આવે છે અને નિયંત્રણ હેઠળની તમામ સત્તાઓ તેઓને એનાયત કરવામાં આવેલ છે.

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...