Monday, May 12, 2025

જામજોધપુર સરકારી હોસ્પિટલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


કોઇપણ પ્રકારના આકસ્મિક સંજોગો દરમિયાન લોહીની અછત ન સર્જાય તે હેતુથી યોજાયેલા કેમ્પમાં ૮૬ બોટલ રક્ત એકત્રિત કરાયું



જામનગર તા.૧૨ મે, જામનગર જીલ્લામાં કોઈ પણ પ્રકારના આકસ્મિક સંજોગો દરમિયાન લોહીની અછત ન સર્જાય તે હેતુથી વિવિધ જગ્યાઓ પર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જામજોધપુર સરકારી હોસ્પિટલ ખાતે તા.૧૧મેના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૮૬ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આરોગ્ય સ્ટાફ, સામાજિક કાર્યકરો સહીત ગ્રામજનોએ ઉત્સાહ દર્શાવ્યો હતો. અને રક્તદાન કરી પોતાની ફરજ નિભાવી હતી. 

જીલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.નુપુર પ્રસાદના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કેમ્પમાં પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી ચીમનભાઈ સાપરિયા, અગ્રણીઓશ્રી રવિ શિહોરા, ભાગ્યેશ માનસુર્યા, હોસ્પિટલ સ્ટાફ અને ગ્રામજનોએ સહભાગી બની રક્તદાન કર્યું હતું. 


Sunday, May 11, 2025

ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ દ્વારા આવતીકાલ તા.12 મે થી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન


કોઇપણ પ્રકારના આકસ્મિક સંજોગો દરમિયાન લોહીની અછત ન સર્જાય તે માટે વધુમાં વધુ નાગરિકોને રક્તદાન કરવા જિલ્લા આરોગ્ય તંત્રની અપીલ



સવારે 9.00 થી સાંજે 5.00 કલાક દરમિયાન જી.જી.હોસ્પિટલ ખાતે આવેલ નવી મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર નાગરિકો રક્તદાન કરી શકશે


જામનગર, તા. 11 મે, સમગ્ર રાષ્ટ્રની સુખાકારી અને સેવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર જામનગર દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં કોઈપણ પ્રકારના આકસ્મિક સંજોગો દરમિયાન જિલ્લામાં લોહીની અછત ન સર્જાય તે માટે વધુમાં વધુ નાગરિકોને રક્તદાન કરવા મેડિકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઈ તેમજ હોસ્પિટલના સુપ્રિન્ટેનડેન્ટ ડો.દિપક તિવારી દ્વારા અપીલ કરવામાં આવી છે.


તેઓએ જણાવ્યું છે કે કોઈપણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિમાં જિલ્લામાં લોહીની અછત ન સર્જાય તે સુનિશ્ચિત કરવા માટે ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જે કેમ્પનો આવતીકાલ તા.12/05/2025 થી ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ ખાતે આવેલ નવી મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર શુભારંભ કરવામાં આવશે.જ્યાં નાગરિકો સવારે 9.00 થી સાંજે 5.00 કલાક સુધી રક્તદાન કરી શકશે.


તેઓએ વધુમાં જણાવ્યું કે રક્તદાન એ આપણી પવિત્ર ફરજ છે અને દરેક સ્વસ્થ વ્યક્તિએ રક્તદાન કરી આ કાર્યમાં સહભાગી થવું જોઈએ. આપણું નાનું યોગદાન કોઈના માટે અમૂલ્ય સાબિત થઈ શકે છે. તેમણે જામનગર જિલ્લાના તમામ નાગરિકોને આ કેમ્પમાં મોટી સંખ્યામાં જોડાઈને માનવતાના આ કાર્યમાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે.


Friday, May 9, 2025

જામનગર જિલ્લાના બોટ માલિકોને તાત્કાલિક અસરથી દરિયામાંથી બોટો પરત બોલાવી લેવા તથા દરિયામાં ન જવા સૂચના

ફાઇલ ફોટો

જામનગર તા.૯ મે, દેશમાં તાજેતરમાં પ્રવર્તતી પરીસ્થિતીને ધ્યાને લેતાં નજીકના સમયગાળામાં દેશ વિરોધી તત્વો દ્વારા દરિયાઈ માર્ગ મારફત કે વિસ્તારોમાં દેશદ્રોહી પ્રવૃતિની સંભાવના રહેલ હોય, માછીમારો તથા માછીમારી બોટોની સલામતી હેતુસર માછીમારી બોટોને દરીયામાં માછીમારી કરવા જવા માટેના ટોકન ઇસ્યુ કરવાનુ બંધ કરવામાં આવ્યું છે.  તથા દરીયામાં રહેલ તમામ બોટોને તાત્કાલીક અસરથી પરત ફરવા મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. 


જેને લઈને જામનગર મત્સ્યોદ્યોગ નિયામકશ્રી દ્વારા જામનગર જિલ્લાના બોટ માલીકોને પરીસ્થીતીને ધ્યાને લઇ દરીયામાં રહેલ તમામ બોટોને તાત્કાલીક અસરથી પરત બેલાવી લેવા તથા ટોકન બંધ કરવામાં આવેલ હોવાથી  કોઇપણ માછીમારી બોટોએ દરીયામાં ન જવા સૂચના આપવામાં આવી છે.


માછીમારોએ કોઇ શંકાશીલ કે ગેરકાનુની પ્રવૃત્તિ કરતા વ્યક્તિ અથવા રાષ્ટ્રિય સુરક્ષા વિરોધી કોઇપણ કાર્ય કરતા જણાય કે કોઈ શંકાશીલ બોટ/વસ્તુ/વ્યક્તિની મુવમેન્ટ ધ્યાને આવે તો તાત્કાલીક નજીકના ઇન્ડીયન નેવી/પોલીસ સ્ટેશન/કોસ્ટગાર્ડ/સુરક્ષા એજન્સીને જાણ કરવી.



જિલ્લાના તમામ મત્સ્યકેન્દ્રો પરના માછીમારો, બોટ/ હોડીઓના માલિકો, આગેવાનો, મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ/ એસોશીએશનોના હોદેદારોને ઉપરોકત સૂચનાઓનું ગંભીરતા પૂર્વક પાલન કરવા અંગેની સૂચના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી 

જામનગર દ્વારા આપવામાં આવી છે.

Wednesday, May 7, 2025

નાગરિક સંરક્ષણ હેતુ તા.૦૭ મે ના રોજ જામનગર જિલ્લામાં સાંજે ૪ થી ૮ કલાક સુધી મોકડ્રિલનું આયોજન



મોકડ્રિલ તથા બ્લેક આઉટ અંગે જિલ્લા કલેક્ટરશ્રી કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ તથા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ દ્વારા વિગતો અપાઈ



તા.7 મે ના રોજ સાંજે 8.00 થી 8.30 સુધી બ્લેકઆઉટ (અંધારપટ) માટે સ્વેચ્છાએ વીજ પુરવઠો બંધ રાખવા જિલ્લા કલેક્ટરશ્રીનો નાગરિકોને અનુરોધ



સંભવિત યુદ્ધની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત અને જાગૃત્ત રાખવા માટે મોકડ્રિલનું આયોજન - જિલ્લા કલેક્ટરશ્રી કેતન ઠક્કર



બ્લેક આઉટમાં ઘરના બલ્બ, ટ્યૂબલાઈટ્સ સ્વયંભૂ બંધ રાખવા અને મોકડ્રિલ દરમિયાન બિનજરૂરી ભીડ એકઠી ન કરી તંત્રને સહયોગ આપવા મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદી દ્વારા કરાતી અપીલ



જામનગર તા.6 મે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તા.૭ મેના રોજ નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ હાથ ધરવા માટે નિર્દેશ આપ્યો હતો. જેના અનુસંધાને જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ તથા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ દ્વારા મોકડ્રીલના આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજી સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરી હતી. બેઠક બાદ અધિકારીશ્રીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી મોકડ્રિલ અંગેની વિગતો જાહેર કરાઈ હતી. 



કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય એ માટે આયોજિત બેઠક અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કલેક્ટરશ્રી કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, મોકડ્રીલ દ્વારા આપત્તિ દરમિયાન ઝડપી પ્રતિસાદ માટે તંત્ર તથા નાગરિકો બંને તૈયાર રહે એ મુખ્ય હેતુ છે. તા.૭મીએ સાંજે ૪ થી ૮ વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાશે. સાંજે ૪.૦૦ વાગ્યે સાયરન વાગશે. રાત્રે ૮.૦૦ થી ૮.૩૦ દરમિયાન સમગ્ર જિલ્લામાં બ્લેક આઉટ કરવામાં આવશે. સંભવિત યુદ્ધની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત અને જાગૃત્ત રાખવા માટે મોકડ્રીલ યોજાવાની હોવાથી નાગરિકોએ ભયભીત ન થવા, અફવાથી દૂર રહેવા તેમજ તંત્રને ઉચિત સહયોગ આપવા તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું. 



મોકડ્રીલ એ માત્ર લોકોને સતર્ક અને જાગૃત્ત કરવાનો સામૂહિક પ્રયાસ છે તેમ જણાવી કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે, સુરક્ષા તંત્ર અને નાગરિકોની પૂર્વ તૈયારીનો ઓપરેશન અભ્યાસનો હેતુ છે.જેમાં કટોકટીની સ્થિતિમાં સંભવિત હવાઇ હુમલા, આગ જેવા કિસ્સામાં બચાવની કામગીરી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા, ફસાયેલાં વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી કરવામાં આવશે. દરમિયાન ઈમરજન્સી સેવાઓ શરૂ રહેશે. 



મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદીએ જણાવ્યું કે, શહેરી વિસ્તારના વિવિધ સ્થળો તેમજ એકમોમાં સાયરન વાગશે. સાંજે ૮.૦૦ થી ૮.૩૦ના બ્લેક આઉટ દરમિયાન શહેર જિલ્લાની સ્ટ્રીટ લાઇટ્સ,આઉટડોર ડિસ્પ્લે બોર્ડસ, હોર્ડિંગ્સ, દુકાનો શોરૂમ્સની નિયોન સાઈન લાઇટ્સ, ઇન્ડસ્ટ્રીઝની લાઈટ્સ, ઘરની લાઈટ્સ બંધ રહેશે.તેમને લોકો ઘરના બલ્બ, ટ્યૂબલાઈટ્સ સ્વયંભૂ બંધ રાખે તેવી અપીલ કરી હતી.તેમજ મોકડ્રિલ દરમિયાન નાગરિકો બિનજરૂરી ભીડ ન કરે તે માટે પણ અનુરોધ કર્યો હતો. 

પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુએ કહ્યું કે, જાહેર સલામતી માટે યોજાનાર મોક ડ્રિલ માટે પોલીસ તંત્ર સજ્જ છે.આ દરમિયાન લોકોએ ભયભીત થયા વિના તંત્રને સહયોગ આપવા તેઓએ અપીલ કરી પોલીસ તંત્રની તૈયારીઓ વિશેની વિગતો આપી હતી.વધુમાં તેઓએ કહ્યું કે પોલીસ વિભાગ દ્વારા વિવિધ ટીમો બનાવાઈ છે જે લોકોને જાગૃત કરશે.સાથે જ મોકડ્રિલ અંગેની માર્ગદર્શિકાનું પાલન થાય તે માટે ડ્રોન સહિતના સંસાધનો વડે ચકાસણી પણ હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેક્ટર શ્રી બી.એન.ખેર, સર્વે પ્રાંત અધિકારીશ્રી સહિત આર્મી, એરફોર્સ, નેવી, આરોગ્ય, ફાયર, માર્ગ અને મકાન વિભાગ, પુરવઠા વિભાગ, પાણી પુરવઠા, બી.એસ.એન.એલ, આર.ટી.ઓ, એસ.ટી,  સહિતના મહત્વના વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નાગરિક સંરક્ષણ તાલીમ અંતર્ગત નિમ્ન બાબતો પર મોકડ્રિલ થશે

 ૧. હવાઈ હુમલા દરમિયાન નાગરિકોને ચેતવણી આપવા માટે સાયરન વગાડવું.

૨. નાગરિકો, વિદ્યાર્થીઓ વગેરેને દુશ્મન દેશ દ્વારા હુમલાના કિસ્સામાં સ્વ બચાવ અને સલામતીના ધોરણો અપનાવવા માટે તાલીમ પ્રદાન કરવી.

૩. હુમલાના કિસ્સામાં કેવી રીતે બચવું? તેના પગલાં વિશે લોકોને માહિતી અને તાલીમ આપવી.

૪. યુદ્ધના સમયે મહત્વના સ્થળો/સ્થાપત્યોને હુમલાથી બચાવવાનો પ્રયાસ કરવો અને તેના માટે તાલીમ આપવી.

૫. હુમલાના કિસ્સામાં ઈવેક્યુએશન પ્લાનનો અમલ અને રિહર્સલ કરવા.

સુરક્ષાનું સાયરન: આટલું ધ્યાન રાખો

સાયરન વાગે ત્યારે ગભરાશો નહીં, શાંત રહીને સુરક્ષા વ્યવસ્થાનું પાલન કરશો.

૫ થી ૧૦ મિનિટ માટે સુરક્ષિત સ્થાન પર જતા રહો.

ટીવી, રેડિયો અને સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપો.

અફવાઓ પર ધ્યાન ન આપો. ફક્ત સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરો.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરો

રિપોર્ટ.નિકુલદાન ગઢવી


જામનગર જિલ્લાના ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહન માલિકો જૂની સિરીઝના ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશ

જામનગર તા.૧૭ ડિસેમ્બર, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકો માટે  ટુ વ્હીલર તથા ફોર વ્હીલર (LMV) પ્રકારના વાહનો માટેની તમામ જૂની સીર...