ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ દ્વારા આવતીકાલ તા.12 મે થી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
કોઇપણ પ્રકારના આકસ્મિક સંજોગો દરમિયાન લોહીની અછત ન સર્જાય તે માટે વધુમાં વધુ નાગરિકોને રક્તદાન કરવા જિલ્લા આરોગ્ય તંત્રની અપીલ
સવારે 9.00 થી સાંજે 5.00 કલાક દરમિયાન જી.જી.હોસ્પિટલ ખાતે આવેલ નવી મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર નાગરિકો રક્તદાન કરી શકશે
જામનગર, તા. 11 મે, સમગ્ર રાષ્ટ્રની સુખાકારી અને સેવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર જામનગર દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં કોઈપણ પ્રકારના આકસ્મિક સંજોગો દરમિયાન જિલ્લામાં લોહીની અછત ન સર્જાય તે માટે વધુમાં વધુ નાગરિકોને રક્તદાન કરવા મેડિકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઈ તેમજ હોસ્પિટલના સુપ્રિન્ટેનડેન્ટ ડો.દિપક તિવારી દ્વારા અપીલ કરવામાં આવી છે.
તેઓએ જણાવ્યું છે કે કોઈપણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિમાં જિલ્લામાં લોહીની અછત ન સર્જાય તે સુનિશ્ચિત કરવા માટે ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જે કેમ્પનો આવતીકાલ તા.12/05/2025 થી ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ ખાતે આવેલ નવી મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર શુભારંભ કરવામાં આવશે.જ્યાં નાગરિકો સવારે 9.00 થી સાંજે 5.00 કલાક સુધી રક્તદાન કરી શકશે.
તેઓએ વધુમાં જણાવ્યું કે રક્તદાન એ આપણી પવિત્ર ફરજ છે અને દરેક સ્વસ્થ વ્યક્તિએ રક્તદાન કરી આ કાર્યમાં સહભાગી થવું જોઈએ. આપણું નાનું યોગદાન કોઈના માટે અમૂલ્ય સાબિત થઈ શકે છે. તેમણે જામનગર જિલ્લાના તમામ નાગરિકોને આ કેમ્પમાં મોટી સંખ્યામાં જોડાઈને માનવતાના આ કાર્યમાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે.

No comments:
Post a Comment