Sunday, April 26, 2020

કલેક્ટરશ્રી રવિશંકરના જાહેરનામા બાદ જામનગરમાં આજથી દુકાનો ખુલી

દુકાનો માટે સમયમર્યાદા બપોરે ૨:૦૦ થી રાત્રે ૯:૦૦ કલાકની
રહેશે

જામનગર તા. ૨૬ એપ્રિલ, લોકડાઉન હળવું કરવા અંગે પ્રથમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જાહેરનામુ બહાર પાડ્યા બાદ તે અનુસંધાન જામનગર જિલ્લા કલેક્ટરશ્રી રવિશંકર દ્વારા શનિવારે મોડી સાંજે લોકડાઉનના સમયમાં કેટલીક દુકાનોને ખોલવા માટે છુટછાટ અપાતાં રવિવારે જામનગરમાં બપોરથી નિયમોનુસાર દુકાન ખોલી શકાશે.

જામનગર જીલ્લા કલેકટર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ ૧૪૪, ગુજરાત એપેડેમીક ડિસીઝ કોવિડ-૧૯, રેગ્યુલેશન ૨૦૨૦, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૪૩ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૪ અન્વયે કલેકટરશ્રી દ્વારા જાહેરનામા થકી તા. ૨૦ એપ્રિલ ૨૦૨૦ થી અમુક છુટછાટો આપવામાં આવેલ હતી જેમાં સત્તાની રૂએ જામનગર જીલ્લાના સમગ્ર વિસ્તારો માટે જાહેર હિતને ધ્યાને લઈને પ્રજાને વધુ હાડમારી ભોગવવી ના પડે તેવા હેતુથી લોકડાઉનના સમયમાં કેટલીક દુકાનોને ખોલવા માટે છૂટછાટ આપવામાં આવતું જાહેરનામું શનિવારે સાંજે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.

 જાહેરનામામાં જણાવ્યા અનુસાર જામનગર મહાનગરપાલિકા વિસ્તાર, કાલાવડ, ધ્રોલ, જામજોધપુર, સિક્કા નગરપાલિકા વિસ્તાર સિવાયના, કોરોના કન્ટેઇનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરેલ હોય તે વિસ્તાર સિવાયના વિસ્તારમાં તમામ દુકાનો રહેણાંક સંકુલ સહિતની ગુજરાત દુકાન સંસ્થા અધિનિયમ હેઠળ નોંધાયેલ છે તે દુકાનો ૫૦ ટકા સ્ટાફ સાથે ખુલ્લી રાખી શકાશે. તમામ કિસ્સામાં માસ્ક પહેરવાનું અને સામાજિક અંતર જાળવવાનું ફરજીયાત રહેશે. આ વિસ્તારમાં મલ્ટી બ્રાંડ અને સિંગલ બ્રાંડ મોલ ચાલુ રાખી શકાશે નહિ.

જામનગર મહાનગરપાલિકા વિસ્તાર, કાલાવડ, ધ્રોલ, જામજોધપુર, સિક્કા નગરપાલિકા વિસ્તારમાં આવેલ એકલ દુકાન અને આજુ-બાજુમાં આવેલ દુકાનો, રહેણાંક સંકુલમાં આવેલ દુકાનો સહિતની ગુજરાત દુકાન સંસ્થા અધિનિયમ હેઠળ નોંધાયેલ છે તે દુકાનો ૫૦ ટકા સ્ટાફ સાથે ખુલ્લી રાખી શકાશે. તમામ કિસ્સામાં માસ્ક પહેરવાનું અને સામાજિક અંતર જાળવવાનું ફરજીયાત રહેશે. આ વિસ્તારમાં મલ્ટી બ્રાંડ અને સિંગલ બ્રાંડ મોલમાં આવેલ દુકાનો બંધ રાખવાની રહેશે.

ઈ-કોમર્સ કંપનીઓ ફક્ત આવશ્યક ચીજ વસ્તુઓનું વેચાણ કરી શકશે. આ સાથે કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં ચાલુ રહેતી દુકાનો વગેરે માટે સમયમર્યાદાનો નિર્ધાર કરેલ છે જે મુજબ જામનગર જિલ્લામાં દૂધ,શાકભાજી,ફળ-ફળાદીની લારીઓ/દુકાનો, અનાજ કરિયાણાની દુકાનો/પ્રોવિઝન સ્ટોર્સએ સવારે ૬.૦૦ કલાકથી બપોરના ૧૩.૦૦ કલાક સુધી, અનાજ કરીયાણા તેમજ આવશ્યક ચીજ-વસ્તુઓ(એફ.એમ.સી.જી.) જેવી કે, સાબુ, ટુથપેસ્ટ વગેરેના હોલસેલના વેપારીઓને છુટક વિક્રેતાઓને વેચાણ માટે સવારે ૬.૦૦ કલાકથી સાંજના ૧૮.૦૦ કલાક સુધી જ ચીજ-વસ્તુઓ ખરીદવા કે વેચાણ કરવાનું રહેશે. જ્યારે આજથી શરૂ થતી દુકાનોનો સમય બપોરે ૨:૦૦ વાગ્યાથી રાત્રે ૯:૦૦ વાગ્યા સુધીનો રહેશે. પેટ્રોલ પંપ, દુધની ડેરીઓ તથા દુધનું વિતરણ કરતા વિક્રેતાઓ, કેરોસીનની દુકાનો, એલ.પી.જી. ગેસનું વિતરણ કરતી એજન્સીઓ, ફુડ પાર્સલની સેવાઓને સમયમર્યાદામાંથી મુક્તિ અપાઇ છે.

લોકોને વિનંતી કરતા કલેક્ટરશ્રીએ કહ્યું હતું કે, બજારમાં સમયાનુસાર જઇ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરી લોકો વસ્તુઓની ખરીદી કરે, સાથે જ બાળકો, વૃદ્ધો, અશક્તોને બજારમાં ન લઈ જવા અને લોકોને બજારમાં જતા પહેલા હાથ ધોઈને જવા, તેમ જ ત્યાંથી આવી પરત ઘરે પહોંચતા સાબુથી હાથ પગ ધોવા અને શક્ય હોય તો ઘરે આવી સ્નાન કરવું જેથી કોરોનાથી બચી શકાય.

આજથી શરૂ થતી દુકાનોમાં કલેકટરશ્રીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, સાઈકલની દુકાનો, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ વસ્તુઓની દુકાનો, બુક સ્ટોલ, હાર્ડવેર, કટલેરી, કપડાની દુકાન, હોઝીયરી, કડીયાકામ, પ્લમ્બિંગ માટેની દુકાનો, વાસણની દુકાન, ટ્રાન્સપોર્ટેશનને લગત વે-બ્રિજ, ટ્રાન્સપોર્ટેશન માટેના સ્પેરપાર્ટની દુકાન, ટાયર વગેરેની દુકાનો, વાહનોના શો-રૂમ, ફરસાણ, મીઠાઇની દુકાનો( માત્ર વેચાણ માટે)  ખોલી શકાશે. પરંતુ આ દરેક પ્રકારની દુકાનો કે જે કોઈપણ બજાર સંકુલમાં અથવા તો કોમ્પલેક્ષમાં આવેલ હશે તો તે બંધ રાખવાની રહેશે. તદુપરાંત સિનેમાહોલ, સ્પોર્ટસ સંકુલ, સુપરમાર્કેટ, મોટી બજારો કે જ્યાં સંક્રમણ વધુમાં વધુ લોકોને લાગી શકે છે તે બંધ રહેશે.

 જી.આઇ.ડી.સી.માં દરેક દુકાનો ચાલુ રહેશે. જીઆઇડીસીમાં સંકુલમાંથી જ જે લોકો ખરીદી કરે છે ત્યાં ભીડ થવાની શક્યતા નહિવત્ હોવાથી સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થાય તે રીતે દરેક દુકાનો ચાલુ રહેશે. જી.આઇ.ડી.સી. વિસ્તારમાં કોઈ સમય મર્યાદા લાગુ કરાઈ નથી.

અનેક શ્રમિકો કે જે ખેત મજુરો છે કે જેઓ ઇન્ડસ્ટ્રીયલ શ્રમિકો પણ છે તેમને ખાસ કહેવાનું કે, તેઓ તેમના વતનમાં જઈ શકશે કે નહીં તે માટેના પ્રશ્નો તેમને થઈ રહ્યા છે ત્યારે કલેકટરશ્રીએ સ્પષ્ટતા કરી હતી કે, ૩ મે સુધી દરેક વ્યક્તિ જે જગ્યા ઉપર છે ત્યાં જ રહે. ૩ મે સુધી જામનગર જિલ્લામાંથી બહાર જઈ શકવાની પરવાનગી મળશે નહીં, માત્ર મેડિકલ ઈમરજન્સી માટે જ જિલ્લા બહાર જવાની પરવાનગી આપવામાં આવશે.

કલેકટરશ્રીએ લોકોને અનુરોધ કર્યો હતો કે, સંકુલોમાં કે બજારમાં ભૂલથી પણ દુકાન ના ખુલે તે માટે માલિકો કાળજી લે અને જો પોલીસ માર્કેટ બંધ કરવા કહે તો તેને કૃપયા સહયોગ આપે.

નિયત સમયે લોકો જ્યારે ખરીદી માટે સ્થળે આવે ત્યારે કોરોના વાયરસ કોવિડ-૧૯ અંતર્ગત આરોગ્ય વિભાગની ગાઇડલાઇન મુજબ વ્યક્તિઓને યોગ્ય અંતર રાખી ઉભા રખાવી વેચાણ કરવાનું રહેશે તેમજ તકેદારીના અન્ય પગલાઓ લેવાના રહેશે.   
જાહેરનામામાં જણાવ્યા અનુસાર હેર કટિંગ સલૂન, વાણંદની દુકાનો, ચાની દુકાનો/લારીઓ, રેસ્ટોરન્ટ અને હોટેલો, તમાકુ/ પાનમાવા/સિગરેટ/બીડી વેચતી દુકાનો/ગલ્લા, રેસ્ટોરંટ, હોટલમાં આવેલ રેસ્ટોરંટ અને હોટલો બંધ રાખવાના રહેશે. જિલ્લામાં આવેલ તમામ રેસ્ટોરન્ટ, હોટલમાં આવેલ રેસ્ટોરન્ટ તેમજ ભોજનાલય બંધ રાખી ડાયનિંગની સુવિધા આપવાની રહેશે નહીં પરંતુ પાર્સલ સેવા ઉપલબ્ધ કરી શકાશે.

શોપના માલિકને કોઈપણ પ્રકારની મંજુરી કે પાસ લેવાના રહેશે નહિ પરંતુ તેઓને ગુમાસ્તા ધારા હેઠળ આપવામાં આવેલ લાઇસન્સની નકલ તેમજ ફોટો આઇડેન્ટીટી કાર્ડ સાથે રાખવાનું રહેશે. 

આ હુકમ દરેડ ગામનો ૯૦, ખોલી (નબ્બે ખોલી)નું સ્થળ તેમજ તેની આસપાસના ૧૦૦ મી.ની.ત્રિજ્યાના વિસ્તાર સિવાય સમગ્ર જામનગર જીલ્લાના વિસ્તાર માટે લાગુ પડશે.
દિવ્યા                                        ૦૦૦૦૦૦૦૦

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...