જામનગરવાસીઓને કલેકટરશ્રી રવિશંકરનો અનુરોધ
જામનગર તા.૨૫ જુન, જામનગરમાં હાલમાં કોરોનાવાયરસની બીમારીનું લોકલ સંક્રમણ વધી રહ્યું છે. જામનગર જિલ્લામાં છેલ્લા અઠવાડિયામાં પોઝિટિવ કેસોની સંખ્યા વધી છે. રોજના એવરેજ ૧૫ જેટલા પોઝિટિવ કેસો આવી રહ્યા છે જેને અનુસંધાને આજના દિવસ સુધીમાં જામનગર જિલ્લામાં એક્ટિવ કેસ ૯૯ થયા છે, જેમાં જી.જી.હોસ્પિટલમાં ૭૯ કેસ દાખલ છે અને આ સિવાયના જેમની સ્થિતિ સ્ટેબલ છે તેવા પેશન્ટને આયુર્વેદ કોલેજ અને ઇ.એસ.આઇ.એસ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલ છે. આ ૭૯ કેસ કે જેઓ કોવિડ હોસ્પિટલમાં દાખલ છે તે પૈકીના ૯ દર્દીઓની સ્થિતિ ગંભીર છે બાકી ૯ કેસ મોડરેટલી સિવિયર છે કે જેમાં જોખમ થઈ શકે છે ત્યારે કલેકટરશ્રી રવિશંકરએ જણાવ્યું હતું કે, વરસાદની ઋતુ છે, જેથી જામનગરમાં ભેજ પણ ખૂબ વધ્યો છે અને તેથી સામાન્ય શરદી, ઉધરસના કેસ પણ વધી રહ્યા છે જેનાથી ઓપીડીમાં કેસ ખૂબ વધ્યા છે. આ કારણોસર હાલમાં હવે ડોક્ટરોને પણ વ્યવસ્થામાં મુશ્કેલી થઈ રહી છે ત્યારે વિનંતીસહ કલેકટરશ્રીએ અનુરોધ કર્યો છે કે, લોકો બિનજરૂરી બહાર નીકળે નહીં, સાથે જ નાના બાળકો, વૃદ્ધ અને સગર્ભાઓને ઘરમાં જ રાખી તેમને સંક્રમણથી બચાવે. લોકો બિનજરૂરી નાના-નાના કારણોના કામમાં બાળકો સહિત બહાર આવે જાય છે, જે ખૂબ ગંભીર છે.
લોકોના સહયોગની અપેક્ષાએ કલેકટરશ્રીએ ઉમેર્યુ હતું કે, લોકો આ સંક્રમણથી બચવા માટે પોતાને જોઈતી વસ્તુઓ પણ બજારમાંથી લઇ તાત્કાલિક પરત પોતાના ઘરે આવે, બિનજરૂરી બહાર ન રહે. હાલમાં ચા ની દુકાનો, પાનના ગલ્લે ઘણી જગ્યાએ લોકો એકઠા થઈ રહ્યા છે. આમ કરવાથી સંક્રમણ ફેલાવાની શક્યતા વધે છે ત્યારે લોકો આ પ્રકારે એકઠા ન થઈને તંત્રને સહયોગ આપે તો આ બીમારીના સંક્રમણથી
બચી શકાય.