ટુર્નામેન્ટના દિલધડક ફાઇનલમાં જામનગરની રોયલ ઇલેવન સામે રીબડાની રાજ શક્તિ ઇલેવન ચેમ્પિયન થઈ
જામનગર શહેરમાં આશાપુરા ગ્રુપ દ્વારા ઓલ ઇન્ડિયા રાત્રિ પ્રકાશ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર શહેર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યોમાંથી ૭૮ થી વધુ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ મેચ જામનગરની રોયલ ઇલેવન અને રીબડાની રાજ શક્તિ ઇલેવન વચ્ચે રમાયો હતો. જે દિલધડક મેચમાં રીબડાની રાજ શક્તિ ઇલેવન ચેમ્પિયન બની હતી.
જામનગરના આશાપુરા ગ્રુપ તેમજ ભુપતભાઈ જેઠાભાઈ ફલીયા, અને મહેશભાઈ ભુપતભાઈ ફલીયા દ્વારા ગોકુલ નગર વિસ્તારમાં આવેલી કમલેશભાઈ ની વાડી માં આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો પ્રારંભ તારીખ ૪.૫.૨૦૨૨ના દિવસે થયો હતો. જેમાં ૭૮થી વધુ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ મેચ માં ભારે રસાકસી પછી રિબડાની રાજ શક્તિ ઇલેવન ચેમ્પિયન બની હતી.
ફાઇનલ મેચ પછી ઇનામ વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૭૮- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ના સુપુત્ર જગદીશસિંહ જાડેજા, શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, ધારાસભ્યના પી.એ. પ્રવિણસિંહ જાડેજા, ફટાકડા એસોસિયેશનના પ્રમુખ અલ્કેશભાઇ મંગી (કોબ્રા) અને મુકેશભાઈ મંગી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ફાઇનલ મેચમાં ચેમ્પિયન બનેલી ટીમને આયોજક તરફથી ૧,૧૧,૧૧૧ નો રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફી વગેરે એનાયત કરાયા હતા, જ્યારે રનર્સઅપ ટીમને પણ ટ્રોફી અને ૫૫,૫૫૫ ની રકમ નો રોકડ પુરસ્કાર અપાયો હતો.
No comments:
Post a Comment