ભારત 'વિશ્વગુરુ' બની શકે અને જગતને આપી શકાય તેટલો વિરાટ આધ્યાત્મિક ખજાનો સનાતન ધર્મમાં ઉપલબ્ધ છે.
ઊંઘમાં હોય તેને જગાડી શકાય, પરંતુ ઊંઘવાનો ઢોંગ કરનારાઓને જગાડવા અશક્ય : - ભાઈશ્રી
જામનગર માં ચાલતી ભાગવત કથા જ્ઞાનયજ્ઞના છઠ્ઠા દિવસે વ્યાસપીઠ પરથી પૂજ્ય રમેશભાઈ ઓઝાએ ભાગવતજી તેમજ અન્ય શાસ્ત્રોના આધારે કથાકાર - વક્તામાં કયા પ્રકારના સદગુણો હોવા જોઈએ, તેની રસપ્રદ છણાવટ કરી હતી.ભાગવત કથાનું શ્રવણ તેમજ સત્સંગ એ જાણી ચૂકેલા અસત્ નો ત્યાગ કરવા માટે મહત્વપૂર્ણ છે. શીખ ધર્મના આચરણનું દ્રષ્ટાંત આપી જણાવ્યું હતું, કે ગુરુમાન્ય ગ્રંથને જ શીખોએ ઈશ (ગ્રંથગુરુ) તરીકે સ્વીકારી ધાર્મિક પરંપરા ઊભી કરી છે. ગુરુ ગ્રંથ સાહેબની આમન્યા જાળવવામાં શીખ ધર્મ ઉદાહરણીય છે, જે ધર્મગ્રંથોનો આદર કરવા પ્રેરે છે. શ્રીમદ્ ભાગવત સહિતના સનાતન ધર્મના ગ્રંથો માત્ર ઉપદેશ આપનારા નથી, તે દુરસ્ત માનવમનનો ઈલાજ કરવા પણ સક્ષમ છે. પ્રત્યેક હિન્દુ પરિવારના ઘરમાં ભાગવત ગ્રંથ અવશ્ય હોવો જ જોઈએ.
કથાકાર, પત્રકાર અને કલાકાર એ ધાર્મિક ભાવનાથી પ્રેરિત તંદુરસ્ત સમાજરચનામાં પાયાની ભૂમિકા ભજવનારા આધારસ્તંભો છે. આ ત્રણેય ક્ષેત્ર વચ્ચે પણ સાયુજ્ય હોવું અનિવાર્ય છે. જો આ ત્રણેય જનસેવા માર્ગે કાર્યરત હશે, તો જ સરકાર વ્યવસ્થિત ચાલશે.
વક્તા વિરક્ત હોવો જોઈએ... એટલે કે ધન, કીર્તિ જેવા વિષયોથી આશક્ત ના હોવો જોઈએ. તે વૈષ્ણવ એટલે કે દ્રઢ વૈરાગી હોવો જોઈએ. વેદનો જાણકાર, નિસ્પૃહ, વિદ્વતાયુક્ત વૈદ્યસમાન તેમજ વ્યાપક દ્રષ્ટિવાળો હોવો જોઈએ. આવા સદગુણોથી સભર વક્તા જ સમાજને સાચી દોરવણી આપી શકશે. ભાગવતજીમાં ધર્મની સાથે અધર્મના વર્ણનો પણ કરવામાં આવ્યા છે, પરંતુ કુશળ કથાકાર તેમાંથી કઈ રીતે છૂટી શકાય ? તેવી દ્રષ્ટિ તેમજ દ્રષ્ટાંતો દ્વારા કથામૃતપાન કરાવી શકશે.
પત્રકારોએ સત્યને ઉજાગર કરવું પડશે. કલાકારો પણ આપણી સંસ્કૃતિને ટકાવવાના તેમજ સંવર્ધનના પ્રયાસો કરે છે. કથાકારે જ્યારે સમાજમાં અઘટિત થતું જણાય ત્યારે ગુસ્સે થઈને પણ સમાજહિતની અને ઉત્કર્ષની વાત દોહરાવવી જોઈએ. કથાકાર સંકીર્ણ હશે, તો તેની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેશે.
આ ત્રણેય આધારસ્તંભોએ સુવ્યવસ્થિત સરકાર ચલાવવા માટે શાસકોને પણ સત્ય તથા સુચારુ નિર્દેશન કરવું પડશે. "યથા રાજા, તથા પ્રજા" ની ઉક્તિ અનુસાર શાસકો ધર્મનિષ્ઠ, પ્રજાવત્સલ, દીર્ઘદ્રષ્ટા, સમાજના તમામ વર્ગોને સાથે રાખીને ચાલનારા બનશે, ત્યારે આમ નાગરિકોનું કલ્યાણ થશે. પત્રકારોએ પણ સારું લાગે તેવું લખવાની સાથે નિર્ભિકપણે સાચું લખવાની પણ ધૈર્યતા અપનાવવી જોઈએ. તેમણે પત્રકારોને 'માય સ્વીટ ફ્રેન્ડ' કહીને સંબોધ્યા હતા.
જામનગરના આ જ્ઞાનયજ્ઞમાં યજમાન પરિવારના નિમંત્રણથી પધારેલા વિવિધ રાજકીય વિચારધારાવાળા નેતાઓ તેમજ વિવિધ ક્ષેત્રના સમાજના અગ્રણીઓની નોંધ લઇ પૂજ્ય ભાઇજીએ પ્રજાના પ્રતિનિધિઓનો લોકો સાથેના વ્યવહારનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, રાજનીતિ કરવી પણ સહેલી નથી. રાજનીતિ ધર્મ વગરની ના હોવી જોઈએ, સાથોસાથ ધર્મમાં રાજનીતિ પણ ના હોવી જોઈએ. રાજનેતાઓ તેમજ ધર્મગુરુઓએ પણ આત્મચિંતન, આત્મદર્શન તેમજ સ્વમૂલ્યાંકન કરતા રહેવું જોઈએ. પ્રજાજનોની યોગ્ય સોચ અને ગંભીરતાથી સાચી દિશા તરફ લઈ જવાની જવાબદારી સરકારની છે. તેના ગતિ અને આચરણ અસ્તવ્યસ્ત ડોલી ન જાય, તે પત્રકારો- કલાકારો ઉપરાંત કથાકારોનું પણ દાયિત્વ છે. મા સરસ્વતીજીની કૃપા મેળવેલા આ ત્રણેય સ્તંભો જ દેશની સંસ્કૃતિની અવધારણ કરશે, મિત્ર બની સમીક્ષા કરશે ત્યારે જ 'સત્યમ્ શિવમ્ સુન્દરમ્' નું યુગ્મ રચાશે.
આજે આદિ શંકરાચાર્યજીની જન્મજયંતી હોઇ, તેઓએ ફક્ત ૩૨ વર્ષના આયુષ્યમાં કરેલા દિવ્ય કાર્યો અને સનાતન ધર્મના ઉત્થાનને પણ વર્ણવ્યું હતું. ઉપરાંત આ પરંપરાના પૂજ્ય રામાનુજાચાર્ય સહિતના સંતોના સનાતન ધર્મને ટકાવી રાખવાના યોગદાનની શ્રોતાઓને યાદ અપાવી હતી. સનાતન ધર્મસ્થાનો, ધર્મગ્રંથો તેમજ ધર્માચાર્યો પાસે સદવિચાર, સદઆચરણ તેમજ વિશ્વકલ્યાણ વિષયક અઢળક ખજાના સ્વરૂપ સામર્થ્ય પડ્યું છે, જે ભારતની ઓળખ સમાન છે. આ આધ્યાત્મિકતા વિશ્વબંધુત્વ અને માનવ કલ્યાણનો સંદેશ ટકી જશે, અને વ્યાપકપણે પ્રસરશે, તો ભારતને 'વિશ્વગુરુ' બનતાં કોઈ અટકાવી શકશે નહીં.
No comments:
Post a Comment