છોટી કાશીના આંગણે ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમિયાન પ્રતિદિન કલાકારવૃંદ દ્વારા કથાનક અનુસારના ઈશ્વરના ભિન્ન ભિન્ન પાત્રોની ચરિત્રલીલા પૈકીના પસંદગીના પાત્રનું અદલોઅદલ વેશભૂષા - શૃંગાર ધારણ કરી કથા સત્ર સમાપ્તિની આરતી વેળાએ મુખ્ય મંચ ઉપર દર્શન આપે તેવું આયોજન કરાયું છે.
દરમિયાન છઠ્ઠા દિવસની ભાગવત કથાનું સત્ર પૂર્ણ થયા સમયે કલાકાર વૃંદ દ્વારા શ્રી નાથજી, શ્રી યમુના મહારાણીજી અને શ્રી મહાપ્રભુજીના ચરિત્રપાત્રોની ઝાંખી ભજવવામાં આવી હતી.
જેઓ વ્યાસપીઠની પરિક્રમા કરીને ભક્તોને દર્શન આપતા હોય તેવી મુદ્રામાં સ્થિર થયા, અને પૂ.ભાઈજીના કંઠે "મારા ઘટમાં બિરાજતા શ્રી નાથજી, યમુનાજી, મહાપ્રભુજી" નું સુપ્રસિધ્ધ કીર્તન ગૂંજી ઉઠ્યું, ત્યારે કથામંડપમાં ઉપસ્થિત તમામ વૈષ્ણવોએ તાલીઓના તાલે તે ભક્તિગીતને ભાવપૂર્વક સમૂહમાં ઝીલ્યું હતું, ત્યારે સમગ્ર કથા મંડપમાં વૈષ્ણવોનો અલભ્ય નજારો જોવા મળ્યો હતો અને ભક્તિસભર વાતાવરણ બની ગયું હતું.
No comments:
Post a Comment