જામનગર ના પ્રદર્શન મેદાનમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નું આયોજન થયું છે, જેની સાથે સાથે પ્રતિદિન રાત્રિના ગુજરાત ભરમાંથી જુદા જુદા સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર, લોકગાયકો વગેરેને જામનગરના મહેમાન બનાવીને તેઓની કલાકૃતિ મંચ પરથી રજૂ કરાવી જામનગરની જનતાને વિશેષ લાભ આપવામાં આવી રહ્યો છે, અને સતત પાંચ દિવસ સુધી પ્રત્યેક કાર્યક્રમમાં કલાકારોની કલા થી પ્રભાવિત થઈને યજમાન પરિવાર અને તેમના કુટુંબીજનો ઉપરાંત બહારગામથી આવનારા મહેમાનો વગેરેએ ભારે નોટોનો વરસાદ કર્યો છે.
તેમાંય ખાસ કરીને ગઈકાલે રાત્રે કિર્તીદાનભાઈ ગઢવી કિંજલબેન દવે, અને નિશાબેન બારોટના કંઠે થી રજૂ થયેલા લોકસંગીત અને દાંડીયારાસ ના કાર્યક્રમમાં એવી તે જમાવટ હતી, કે જામનગર ઈતિહાસમાં સૌથી મોટો કહી શકાય તેવો કાર્યક્રમ રહ્યો હતો, અને મોટા પ્રમાણમાં ચલણી નોટોનો કલાકારો ઉપર વરસાદ કરવામાં આવ્યો હતો.
જામનગરના હકુભા જાડેજા ના પરિવાર તથા તેમના સગાસંબંધીઓ, ઉપરાંત પોરબંદરના ધારાસભ્ય કાંધલ જાડેજા, જામનગરના અગ્રણી બિલ્ડર એવા મેરામણભાઇ પરમાર, ઉપરાંત રાજ્યભરમાંથી આવેલા અન્ય ધારાસભ્યો, તથા જાડેજા પરિવારના નિકટવર્તી સહિતના મહેમાનો દ્વારા એવો તે નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો, કે ચોતરફ નોટો ના ઢગલા થઈ ગયા હતા.
૫૦૦ના દરની ઉપરાંત ૧૦૦,૫૦,૨૦ અને ૧૦ સહિતની તમામ ચલણી નોટોના નવાનક્કોર બંડલો જ એકીસાથે ઉડતા જોવા મળ્યા હતા. કથા મંડપ ના એક સ્થળે કોથળા ભરી ભરીને ચલણી નોટો ઠાલવવામાં આવી હતી, અને તેને ગણવા માટેની આયોજકોની ટીમ ચલણી નોટો એકત્ર કરતાં જ થાકી ગઈ હતી.
ઉપરાંત ચલણી નોટો ગણવા માટે સમગ્ર રાત્રિ પણ ટૂંકી પડી હતી. જે પણ એક જામનગર માટેનો નવો કીર્તિમાન છે.
No comments:
Post a Comment