Thursday, May 19, 2022

જામનગરના પંચેશ્વર ટાવર- ટાઉનહોલ સહિતના વિસ્તારોમાં આજે વીજ કાપ લદાયો

આવતીકાલે નાઘેડીના ૧૩૨ કે.વી. ફીડરમાંથી નીકળતા ૮ જેટલા ફીડરમાં બપોર સુધી રહેશે વીજકાપ


જામનગર તા ૧૯, જામનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહથી વીજતંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરી ને લઇને જુદા જુદા વિસ્તારોમાં વીજકાપ લાદવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે આજે ગુરુવારે બેડીગેઇટ, પંચેશ્વર ટાવર સહિતના વિસ્તારોમાં વીજકાપ લાદવામાં આવ્યો છે, જ્યારે આવતીકાલે શુક્રવારે ૧૩૨ કે.વી. નાઘેડી સબ સ્ટેશનમાંથી નીકળતા જુદા જુદા આઠ જેટલા વિસ્તારોમાં વીજકાપ લાદવામાં આવ્યો છે. જેથી જામનગર શહેરના ૩૦ ટકા એરિયામાં આવતીકાલે સવારે સાત વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી વીજકાપ રહેશે.

 જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં જેટકો કંપની દ્વારા પ્રિમોન્સુન કામગીરી ના ભાગરૂપે એક સપ્તાહથી જુદા જુદા વિસ્તારોમાં વીજકાપ લાદવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે આજે જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તાર, બેડી ગેટ, જયશ્રી ટોકીઝ વાળો વિસ્તાર, નવાનગર સ્કૂલ આસપાસ નો એરિયા, ઉપરાંત ટાઉનહોલ, ખાદી ભંડાર, પંજાબ બેંક, દયારામ લાઇબ્રેરી, સજુબા સ્કૂલ, કડીયાવાડ, રણજીત રોડ વગેરે વિસ્તારોમાં સવારે ૭.૦૦ વાગ્યાથી લઈને બપોરે ૨.૦૦ વાગ્યા સુધી પ્રિમોન્સુન કામગીરી ને લઇને વીજકાપ રહેશે.

 આ ઉપરાંત શુક્રવાર તારીખ ૨૦.૫.૨૦૨૨ ના દિવસે જેટકો કંપની દ્વારા નાઘેડીના ૧૩૨ કે.વી. સબ સ્ટેશન માંથી નીકળતા તમામ ઇલેવન કેવીના ફિડરોમાં વીજ પુરવઠો પુરો પાડવામાં આવતો હોય તેવા વિસ્તારોમાં પણ સવારે સાત વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી શટડાઉન રાખવામાં આવ્યું છે, અને વીજકાપ રહેશે.

 જેમાં બાલાજી પાર્ક ફીડર, સમર્પણ ફીડર, વુલન મિલ ફીડર, પાવર હાઉસ ફીડર, મેહુલ ફીડર, નીલકમલ ફીડર, મયુર પાર્ક ફીડર, તેમજ યાદવ નગર ફીડર ના વિસ્તારોનો સમાવેશ થાય છે. જામનગર શહેરના ૩૦ ટકા જેટલા વિસ્તારોમાં શુક્રવારે વીજકાપ રહેશે.

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...