Sunday, October 2, 2022

કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના બાડા, નેવી મોડા, ખીમલિયા ગામોમાં રસ્તા, બ્રિજ, પેવરબ્લોક, પૂર સંરક્ષણ દીવાલના કામોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કર્યું


રૂ. ૩.૫૦ કરોડના ખર્ચે સૂર્યપરા બાડા માઇનોર બ્રિજ, નેવી મોડાથી જુના મોડા બ્રિજ, ખીમલીયાથી ઠેબા રોડ નિર્માણ પામશે


રાજ્યના કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના બાડા, નેવી મોડા અને ખીમલીયા ગામોમાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા કાર્યરત 'મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના' અંતર્ગત બાડા ગામમાં રૂ. ૭૦ લાખના ખર્ચે ૭ મીટરના ૪ ગાળાનો સૂર્યપરા-બાડા માઇનોર બ્રિજ, પૂર સંરક્ષણ દીવાલ અને આશાપુરા માતાજીના મંદિર ચોકમાં પેવરબ્લોક રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે નેવી મોડા ગામમાં રૂ. ૧.૭૫ કરોડના ખર્ચે ૧.૪૦ કિમિ લાંબા નેવી મોડા ટુ જુના મોડા પાકો પરિવહન માર્ગ નિર્માણ પામશે. તેમજ ખીમલિયા ગામમાં રૂ. ૬૦ લાખના ખર્ચે ખીમલીયાથી ઠેબા (પતારીયા)ને જોડતા ૦.૭૦ કિમિ લાંબા પાકા રસ્તાનું કામ હાથ ધરવામાં આવશે. આ તમામ નવનિર્મિત રસ્તાઓથી આ ૪ ગામો ઉપરાંતના આજુબાજુના અનેક ગામોને પણ તેમજ વાડી વિસ્તારમાં રહેતા લોકોને ચોમાસામાં પડતી મુશ્કેલી દૂર થશે.



આ પ્રસંગે કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં હાલ ૪૦ કરતા પણ વધુ ચેકડેમો અને નાના મોટા તળાવો 'સૌની યોજના' હેઠળ નર્મદાના નીરથી ભરવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં છેલ્લા ૨ મહિનામાં ગામડાઓમાં રોડ-રસ્તાના વિકાસકામો હાથ ધરવામાં આવ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે ખેડૂત, ખેતી અને ગામડાં આત્મનિર્ભર બને.. જેના થકી આપણો દેશ પણ આત્મનિર્ભર બને. ગામડાઓમાં રોડનું નિર્માણ થવાથી લોકોની સુવિધાઓમાં વધારો થશે, તેમજ ચોમાસાની ઋતુમાં આજુબાજુના લોકોને અવરજવર કરવામાં પણ ઘણી સરળતા રહેશે.




આ પ્રસંગે આગેવાન સર્વશ્રી રમેશભાઈ મુંગરા, શ્રી મુકુંદભાઈ સભાયા, શ્રી કુમારપાલસિંહ રાણા, શ્રી ભરતભાઈ સોનગરા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી રાજેન્દ્રભાઈ પંડ્યા, સૂર્યપરા, બાડા, નેવી મોડા, જુના મોડા, ખીમલિયા તથા આજુબાજુના ગામોમાંથી પધારેલા સરપંચશ્રીઓ, આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.



No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...