Sunday, November 26, 2023

જામનગર જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેડૂત મિત્રો માટે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરાઈ



સમગ્ર રાજ્યમાં હાલમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અને કમોસમી વરસાદ વરસવાને પગલે ખેડૂતો માટે જરૂરી પગલાં જાહેર કરવામાં આવ્યા છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં અત્રે જણાવ્યા મુજબ જામનગર જિલ્લાના તમામ ખેડુતોને સંદેશો આપવામાં આવે છે.


(1) કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા તો તેને પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવીને વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું જોઈએ.


(2) જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો જોઈએ.


(3) ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહિ તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા.


(4) એ.પી.એમ.સી.માં વેપારીઓ અને ખેડુત મિત્રોએ કાળજી રાખીને પગલા લેવા માટે અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા.


(5) એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા તેને સુરક્ષિત રાખવા. 


આ અંગે વધુ જાણકારી મેળવવા માટે આપના સંબંધિત વિસ્તારના ગ્રામસેવક વિસ્તરણ અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), તમારા નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા તો કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર- ૧૮૦૦૧૮૦૧૫૫૧ પર સંપર્ક સાધી શકાશે.


જામનગર જિલ્લાના તમામ ખેડુત મિત્રોને અત્રે જણાવેલા મુદ્દાઓની ખાસ નોંધ લેવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગરની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે. 



No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...