જામનગર જિલ્લાના ૩૦૧ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળ્યું ઘરનું ઘર
કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતમાં હાપા એપીએમસી ખાતે આવાસ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી રૂ.૨૯૯૩ કરોડના ખર્ચે રાજ્યના ૧,૩૧,૪૫૪ આવાસોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું
જરૂરિયાતમંદ લોકોના “ઘરનું ઘર”ના સ્વપ્નને વડાપ્રધાનએ પૂર્ણ કર્યું : કેબિનેટમંત્રી
જામનગર તા.૧૦ ફેબ્રુઆરી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના ૧,૩૧,૪૫૪ આવાસોનું રૂ.૨૯૯૩ કરોડના ખર્ચે ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. રાજ્યકક્ષાનો આ કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં બનાસકાંઠા જિલ્લાના ડીસામાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ જામનગર જિલ્લાના ૩૦૧ લાભાર્થીઓને આવાસ પ્રદાન કરવામાં આવતા જામનગર તાલુકાના હાપા એપીએમસી ખાતે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ-સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.
કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, હર કિસી કા હોતા હે સપના, ઘર બને એક હમારા અપના.ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના આ સ્વપ્નને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પૂર્ણ કર્યું છે. ત્યારે આજે જામનગર જિલ્લાના ૩૦૧ જેટલા પરિવારોને પોતાનું ઘર મળ્યું છે.
ભારત સરકાર દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસ પ્રદાન કરવાની પહેલ છે. જેના થકી અનેક લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ કાર્યરત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની ગુજરાત સરકારે છેવાડાના ગામડામાં વસતા મધ્યમ અને ગરીબ વર્ગના માનવીને પણ પાકી છત આપી છે. જેના પરિણામે લોકોને ટાઢ, તાપ અને ચોમાસા સમયે પડતી મુશ્કેલી દૂર થઈ છે.ગામડાઓમાં હજુ એવા અનેક પરિવાર છે જેઓનું સ્વપ્ન છે પોતાનું ઘર હોય. અને પરિવારને માથે પાકી છત હોય. પરંતુ પીએમ આવાસ યોજના થકી લોકોના આ સ્વપ્ન સાકાર થઈ રહ્યા છે અને ગામડાઓ ગોકુળિયા ધામ બની રહ્યા છે. સમાજના દરેક વર્ગ માટે સમાન અને આર્થિક દરરજો મળે તેવા આશય સાથે ગુજરાત સરકાર કટિબદ્ધ છે.
જે લોકો કાચા મકાનમાં રહેતા તે પરિવારોને આજે પાકું ઘર મળ્યું છે. જેમને પણ આવાસ યોજના થકી રહેવા માટે સુંદર ઘરની સુવિધા મળી છે તે દરેક પરિવારોને હું અભિનંદન પાઠવું છું.
ડીસા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદીના વર્ચ્યુઅલ સંબોધન અને લાભાર્થીઓ સાથેના સંવાદનું જીવંત પ્રસારણ ઉપસ્થિત લોકો અને મહાનુભાવોએ નિહાળ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રતીકાત્મકરૂપે ચાવી અર્પણ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં કલેકટર બી.કે. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિમલ ગઢવી, પ્રદેશ કારોબારી સદસ્ય વિનોદભાઈ ભંડેરી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી સંગીતાબેન દુધાગરા, અગ્રણીઓ કુમારપાળસિંહ રાણા, મુકુંદભાઈ સભાયા, ભરતભાઈ દલસાણીયા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, પ્રાંત અધિકારી કાલરિયા, તાલુકા વિકાસ અધિકારી સરવૈયા, હાપા એપીએમસીના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટિવ બેંકના એમડી ધરમશીભાઇ ચનિયારા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની વિવિધ સમિતિના સદસ્યો,હાપા માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો, લાભાર્થીઓ તેમજ વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
No comments:
Post a Comment