Sunday, April 26, 2020

કલેક્ટરશ્રી રવિશંકરના જાહેરનામા બાદ જામનગરમાં આજથી દુકાનો ખુલી

દુકાનો માટે સમયમર્યાદા બપોરે ૨:૦૦ થી રાત્રે ૯:૦૦ કલાકની
રહેશે

જામનગર તા. ૨૬ એપ્રિલ, લોકડાઉન હળવું કરવા અંગે પ્રથમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જાહેરનામુ બહાર પાડ્યા બાદ તે અનુસંધાન જામનગર જિલ્લા કલેક્ટરશ્રી રવિશંકર દ્વારા શનિવારે મોડી સાંજે લોકડાઉનના સમયમાં કેટલીક દુકાનોને ખોલવા માટે છુટછાટ અપાતાં રવિવારે જામનગરમાં બપોરથી નિયમોનુસાર દુકાન ખોલી શકાશે.

જામનગર જીલ્લા કલેકટર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ ૧૪૪, ગુજરાત એપેડેમીક ડિસીઝ કોવિડ-૧૯, રેગ્યુલેશન ૨૦૨૦, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૪૩ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૪ અન્વયે કલેકટરશ્રી દ્વારા જાહેરનામા થકી તા. ૨૦ એપ્રિલ ૨૦૨૦ થી અમુક છુટછાટો આપવામાં આવેલ હતી જેમાં સત્તાની રૂએ જામનગર જીલ્લાના સમગ્ર વિસ્તારો માટે જાહેર હિતને ધ્યાને લઈને પ્રજાને વધુ હાડમારી ભોગવવી ના પડે તેવા હેતુથી લોકડાઉનના સમયમાં કેટલીક દુકાનોને ખોલવા માટે છૂટછાટ આપવામાં આવતું જાહેરનામું શનિવારે સાંજે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.

 જાહેરનામામાં જણાવ્યા અનુસાર જામનગર મહાનગરપાલિકા વિસ્તાર, કાલાવડ, ધ્રોલ, જામજોધપુર, સિક્કા નગરપાલિકા વિસ્તાર સિવાયના, કોરોના કન્ટેઇનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરેલ હોય તે વિસ્તાર સિવાયના વિસ્તારમાં તમામ દુકાનો રહેણાંક સંકુલ સહિતની ગુજરાત દુકાન સંસ્થા અધિનિયમ હેઠળ નોંધાયેલ છે તે દુકાનો ૫૦ ટકા સ્ટાફ સાથે ખુલ્લી રાખી શકાશે. તમામ કિસ્સામાં માસ્ક પહેરવાનું અને સામાજિક અંતર જાળવવાનું ફરજીયાત રહેશે. આ વિસ્તારમાં મલ્ટી બ્રાંડ અને સિંગલ બ્રાંડ મોલ ચાલુ રાખી શકાશે નહિ.

જામનગર મહાનગરપાલિકા વિસ્તાર, કાલાવડ, ધ્રોલ, જામજોધપુર, સિક્કા નગરપાલિકા વિસ્તારમાં આવેલ એકલ દુકાન અને આજુ-બાજુમાં આવેલ દુકાનો, રહેણાંક સંકુલમાં આવેલ દુકાનો સહિતની ગુજરાત દુકાન સંસ્થા અધિનિયમ હેઠળ નોંધાયેલ છે તે દુકાનો ૫૦ ટકા સ્ટાફ સાથે ખુલ્લી રાખી શકાશે. તમામ કિસ્સામાં માસ્ક પહેરવાનું અને સામાજિક અંતર જાળવવાનું ફરજીયાત રહેશે. આ વિસ્તારમાં મલ્ટી બ્રાંડ અને સિંગલ બ્રાંડ મોલમાં આવેલ દુકાનો બંધ રાખવાની રહેશે.

ઈ-કોમર્સ કંપનીઓ ફક્ત આવશ્યક ચીજ વસ્તુઓનું વેચાણ કરી શકશે. આ સાથે કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં ચાલુ રહેતી દુકાનો વગેરે માટે સમયમર્યાદાનો નિર્ધાર કરેલ છે જે મુજબ જામનગર જિલ્લામાં દૂધ,શાકભાજી,ફળ-ફળાદીની લારીઓ/દુકાનો, અનાજ કરિયાણાની દુકાનો/પ્રોવિઝન સ્ટોર્સએ સવારે ૬.૦૦ કલાકથી બપોરના ૧૩.૦૦ કલાક સુધી, અનાજ કરીયાણા તેમજ આવશ્યક ચીજ-વસ્તુઓ(એફ.એમ.સી.જી.) જેવી કે, સાબુ, ટુથપેસ્ટ વગેરેના હોલસેલના વેપારીઓને છુટક વિક્રેતાઓને વેચાણ માટે સવારે ૬.૦૦ કલાકથી સાંજના ૧૮.૦૦ કલાક સુધી જ ચીજ-વસ્તુઓ ખરીદવા કે વેચાણ કરવાનું રહેશે. જ્યારે આજથી શરૂ થતી દુકાનોનો સમય બપોરે ૨:૦૦ વાગ્યાથી રાત્રે ૯:૦૦ વાગ્યા સુધીનો રહેશે. પેટ્રોલ પંપ, દુધની ડેરીઓ તથા દુધનું વિતરણ કરતા વિક્રેતાઓ, કેરોસીનની દુકાનો, એલ.પી.જી. ગેસનું વિતરણ કરતી એજન્સીઓ, ફુડ પાર્સલની સેવાઓને સમયમર્યાદામાંથી મુક્તિ અપાઇ છે.

લોકોને વિનંતી કરતા કલેક્ટરશ્રીએ કહ્યું હતું કે, બજારમાં સમયાનુસાર જઇ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરી લોકો વસ્તુઓની ખરીદી કરે, સાથે જ બાળકો, વૃદ્ધો, અશક્તોને બજારમાં ન લઈ જવા અને લોકોને બજારમાં જતા પહેલા હાથ ધોઈને જવા, તેમ જ ત્યાંથી આવી પરત ઘરે પહોંચતા સાબુથી હાથ પગ ધોવા અને શક્ય હોય તો ઘરે આવી સ્નાન કરવું જેથી કોરોનાથી બચી શકાય.

આજથી શરૂ થતી દુકાનોમાં કલેકટરશ્રીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, સાઈકલની દુકાનો, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ વસ્તુઓની દુકાનો, બુક સ્ટોલ, હાર્ડવેર, કટલેરી, કપડાની દુકાન, હોઝીયરી, કડીયાકામ, પ્લમ્બિંગ માટેની દુકાનો, વાસણની દુકાન, ટ્રાન્સપોર્ટેશનને લગત વે-બ્રિજ, ટ્રાન્સપોર્ટેશન માટેના સ્પેરપાર્ટની દુકાન, ટાયર વગેરેની દુકાનો, વાહનોના શો-રૂમ, ફરસાણ, મીઠાઇની દુકાનો( માત્ર વેચાણ માટે)  ખોલી શકાશે. પરંતુ આ દરેક પ્રકારની દુકાનો કે જે કોઈપણ બજાર સંકુલમાં અથવા તો કોમ્પલેક્ષમાં આવેલ હશે તો તે બંધ રાખવાની રહેશે. તદુપરાંત સિનેમાહોલ, સ્પોર્ટસ સંકુલ, સુપરમાર્કેટ, મોટી બજારો કે જ્યાં સંક્રમણ વધુમાં વધુ લોકોને લાગી શકે છે તે બંધ રહેશે.

 જી.આઇ.ડી.સી.માં દરેક દુકાનો ચાલુ રહેશે. જીઆઇડીસીમાં સંકુલમાંથી જ જે લોકો ખરીદી કરે છે ત્યાં ભીડ થવાની શક્યતા નહિવત્ હોવાથી સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થાય તે રીતે દરેક દુકાનો ચાલુ રહેશે. જી.આઇ.ડી.સી. વિસ્તારમાં કોઈ સમય મર્યાદા લાગુ કરાઈ નથી.

અનેક શ્રમિકો કે જે ખેત મજુરો છે કે જેઓ ઇન્ડસ્ટ્રીયલ શ્રમિકો પણ છે તેમને ખાસ કહેવાનું કે, તેઓ તેમના વતનમાં જઈ શકશે કે નહીં તે માટેના પ્રશ્નો તેમને થઈ રહ્યા છે ત્યારે કલેકટરશ્રીએ સ્પષ્ટતા કરી હતી કે, ૩ મે સુધી દરેક વ્યક્તિ જે જગ્યા ઉપર છે ત્યાં જ રહે. ૩ મે સુધી જામનગર જિલ્લામાંથી બહાર જઈ શકવાની પરવાનગી મળશે નહીં, માત્ર મેડિકલ ઈમરજન્સી માટે જ જિલ્લા બહાર જવાની પરવાનગી આપવામાં આવશે.

કલેકટરશ્રીએ લોકોને અનુરોધ કર્યો હતો કે, સંકુલોમાં કે બજારમાં ભૂલથી પણ દુકાન ના ખુલે તે માટે માલિકો કાળજી લે અને જો પોલીસ માર્કેટ બંધ કરવા કહે તો તેને કૃપયા સહયોગ આપે.

નિયત સમયે લોકો જ્યારે ખરીદી માટે સ્થળે આવે ત્યારે કોરોના વાયરસ કોવિડ-૧૯ અંતર્ગત આરોગ્ય વિભાગની ગાઇડલાઇન મુજબ વ્યક્તિઓને યોગ્ય અંતર રાખી ઉભા રખાવી વેચાણ કરવાનું રહેશે તેમજ તકેદારીના અન્ય પગલાઓ લેવાના રહેશે.   
જાહેરનામામાં જણાવ્યા અનુસાર હેર કટિંગ સલૂન, વાણંદની દુકાનો, ચાની દુકાનો/લારીઓ, રેસ્ટોરન્ટ અને હોટેલો, તમાકુ/ પાનમાવા/સિગરેટ/બીડી વેચતી દુકાનો/ગલ્લા, રેસ્ટોરંટ, હોટલમાં આવેલ રેસ્ટોરંટ અને હોટલો બંધ રાખવાના રહેશે. જિલ્લામાં આવેલ તમામ રેસ્ટોરન્ટ, હોટલમાં આવેલ રેસ્ટોરન્ટ તેમજ ભોજનાલય બંધ રાખી ડાયનિંગની સુવિધા આપવાની રહેશે નહીં પરંતુ પાર્સલ સેવા ઉપલબ્ધ કરી શકાશે.

શોપના માલિકને કોઈપણ પ્રકારની મંજુરી કે પાસ લેવાના રહેશે નહિ પરંતુ તેઓને ગુમાસ્તા ધારા હેઠળ આપવામાં આવેલ લાઇસન્સની નકલ તેમજ ફોટો આઇડેન્ટીટી કાર્ડ સાથે રાખવાનું રહેશે. 

આ હુકમ દરેડ ગામનો ૯૦, ખોલી (નબ્બે ખોલી)નું સ્થળ તેમજ તેની આસપાસના ૧૦૦ મી.ની.ત્રિજ્યાના વિસ્તાર સિવાય સમગ્ર જામનગર જીલ્લાના વિસ્તાર માટે લાગુ પડશે.
દિવ્યા                                        ૦૦૦૦૦૦૦૦

Tuesday, April 21, 2020

જામનગર માં માસ્ક પહેર્યા વિના નિકેળલ 181 લોકો દંડાયા 35,300. ની વસુલાત...

જામનગર મહાનગરપાલિકા દ્વારા માસ્ક પહેર્યા વિના નીકળનારા વધુ ૧૮૧ લોકો પાસેથી વસૂલ્યો દંડ

 ૬ દિવસ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનાર અને માસ્ક પહેર્યા વિના નીકળનારા ૧૧૮૯ દંડાયા

જામનગર તા ૨૧ જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં જાહેરનામું પ્રસિદ્ધ કરી ફરજિયાત પણે માસ્ક પહેરીને બહાર નીકળવા માટે ની અને પ્રત્યેક દુકાનદારોએ પોતાની દુકાન ના દ્વારે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટેની ગાઈડલાઈન જારી કર્યા પછી સતત  છઠ્ઠા દિવસે  પણ દંડકીય કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે. અને આજે માસ્ક પહેર્યા વિના નીકળનારા ૧૮૧ લોકો પાસેથી દંડ વસૂલ્યો છે. મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં માસ્ક નહીં પહરનારા ૯૫૩ લોકો તેમજ સોશિયલ ડિસ્ટનસ નહીં જાળવનારા ૨૩૬ વેપારીઓ પાસેથી કુલ ૨,૩૭,૭૦૦ ના દંડ ની વસુલાત કરી છે.

 જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર શ્રી પટેલ ની સૂચનાથી જામનગર શહેરમાં વોર્ડ પ્રમાણે જુદી જુદી મહાનગરપાલિકાની ટુકડીઓને દોડતી કરવામાં આવી છે, અને જાહેરમાં માસ્ક પહેર્યા વિના નીકળનારા ૧૮૧ લોકોને આજે પકડી પાડવામાં આવ્યા છે. અને તેઓ પાસેથી રૂપિયા ૩૫,૩૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. સાથોસાથ સોશિયલ ડીસ્ટન્સ નહી જાળવનારા ૪૫ વેપારીઓ સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે. અને તેઓ પાસેથી રૂપિયા ૯,૩૦૦નો દંડ વસૂલાયો છે.

 જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ૬ દિવસથી આ કાર્યવાહી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં માસ્ક નહીં પહેરનારા ૯૫૩ લોકો અને સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનાર આ ૨૩૬ વેપારીઓ પાસેથી કુલ ૨,૩૭,૭૦૦ રૂપિયા ના દંડની વસૂલાત કરી લેવામાં આવી છે. સાથોસાથ મ્યુનિ. કમિશનર શ્રી સતીશ પટેલ દ્વારા પ્રત્યેક લોકોને ફરજીયાત પણે માસ્ક પહેરીને જ બહાર નીકળવા અનુરોધ કરાયો છે.

Sunday, April 19, 2020

કલેકટરશ્રી જામનગર દ્વારા આવતીકાલથી કાર્યરત થનાર પ્રવૃતિઓ અંગેનું જાહેરનામું બહાર પડાયું

કાર્યરત એકમો સિવાયના અન્ય શહેરીજનો ઘરમાં જ રહે અને લોકડાઉનનું સંપૂર્ણપણે પાલન કરે


                         
                       
જામનગર તા. ૧૯ એપ્રિલ, હાલમાં કોરોના વાઇરસની બીમારીને રોકવા માટે ભારત સરકાર દ્વારા લોકડાઉનનો સમયગાળો ૩ મે સુધી લંબાવવામાં આવેલ છે. લોકડાઉનના સમયગાળામાં અનેક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવેલ હતો, જેમાં આવતીકાલથી સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ જામનગર ખાતે અમુક પ્રવૃત્તિઓને ફરીથી ચાલુ કરવામાં આવશે પરંતુ આ પ્રવૃત્તિઓ સોશિયલ ડિસ્ટન્સીંગ, સેનિટેશન જેવી અનેક શરતોને આધીન રહેશે. 
ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ ૧૪૪, ગુજરાત એપેડેમીક ડિસીઝ કોવિડ-૧૯, રેગ્યુલેશન ૨૦૨૦, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૪૩ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૪ અન્વયે કલેકટરશ્રી દ્વારા જાહેરનામા થકી તા. ૨૦ એપ્રિલ ૨૦૨૦ થી ૩ મે ૨૦૨૦ના ૨૪:૦૦ સુધી અમુક શરતી મંજૂરી  હેઠળ મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તારોમાં અમુક સેવાઓ કાર્યરત કરવામાં આવશે. જેમાં તમામ આરોગ્ય વિષયક સેવાઓ જેમકે હોસ્પિટલ, નર્સિંગ હોમ, ક્લિનિક, ફાર્મસી, જન ઔષધી કેન્દ્ર, તબીબી પ્રયોગશાળાઓ, નંબરના આધારે ચશ્મા બનાવવા માટેની દુકાનો, પશુ ચિકિત્સા, પેથોલોજી લેબ અને તબીબી ઉપકરણો અંગેની સેવાઓ કાર્યરત રહેશે. 
કૃષિ અને તેને સંબંધિત પ્રવૃત્તિઓ જેવી કે, તૈયાર થયેલ પાકનું વેચાણ, ખેડૂતો અને ખેત મજુરો દ્વારા ખેતી વિષયક પ્રવૃત્તિઓ, કૃષિમશીનરી તેના પાર્ટ્સ, ખાતર, જંતુનાશક દવાઓ, બિયારણના ઉત્પાદન, વિતરણ અને છૂટક વેચાણ વગેરે પ્રવૃત્તિઓ કાર્યરત રહેશે સાથે જ મત્સ્યઉદ્યોગને લગતી પ્રવૃત્તિઓ, મરઘા ઉછેર કેન્દ્ર, પશુપાલનને લગતી પ્રવૃત્તિઓ, ગૌશાળાઓ, પશુ આશ્રયસ્થાનોનું સંચાલન ચાલુ રહેશે.
 નાણાકીય ક્ષેત્રને લગતી બેન્ક, એટીએમ તેમજ ઇરડા અને વીમા કંપનીઓ કાર્યરત રહેશે, સામાજિક ક્ષેત્રે બાળકો, અપંગ, માનસિક અશક્તો, વરિષ્ઠ નાગરિકો, નિરાધાર મહિલાઓ, વિધવા મહિલા માટેના આશ્રય ગૃહમાં સંચાલન, સગીર બાળકો માટેના ઓબ્ઝર્વેશન હોમ ચાલુ રહેશે આ સાથે પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની સેવાઓ તેમજ આંગણવાડી કાર્યકરો દ્વારા બાળકો, મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓ વગેરે લાભાર્થીઓને ઘરે ઘરે જઈ ૧૫ દિવસમાં એક વખત ખાદ્ય વસ્તુઓનું અને ખોરાકનું વિતરણ કરવાનું રહેશે.
મનરેગા અંતર્ગતના કામ તદુપરાંત જાહેર ઉપયોગીતાઓને લગતી રિફાઇનિંગ, પરિવહન, વિતરણ, સંગ્રહ અને પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, સીએનજી, એલપીજી, પીએનજી વગેરે પેદાશોનું છૂટક વેચાણ, વીજ ઉત્પાદનના કાર્યો, પોસ્ટ ઓફિસ સેવાઓ, મ્યુનિસિપલ સ્થાનિક બોર્ડની પાણી, સ્વચ્છતા અને સેનિટેશન મેનેજમેન્ટની સેવાઓ, ટેલિકોમ્યુનિકેશન અને ઈન્ટરનેટ સેવાઓ આપતી ઉપયોગિતાના કામકાજ, ઈલેક્ટ્રીશન, પ્લમ્બર અને કેબલ ઓપરેટરો, ડીટીએચ સેવાઓ કાર્યરત રહેશે.
માલની હેરફેર, લોડિંગ/અનલોડિંગ અંતર્ગતની તમામ સેવાઓ તમામ વાહનોને મંજૂરી આપવામાં આવશે, હાઇવે પરના મોટેલ, હોટેલને માલવાહક ડ્રાઈવરની સુવિધા માટે કાર્યરત કરવામાં આવશે આ સાથે જ કુરિયર સેવાઓ અને વાહનો માટેના ઓથોરાઇઝ્ડ સર્વિસ સ્ટેશન જેમાં ખાનગી એકમો અને સંચાલનની છૂટ રહેશે. જામનગર મહાનગરપાલિકા અને કાલાવડ, ધ્રોલ, જામજોધપુર અને સિક્કા નગરપાલિકા વિસ્તાર સિવાયના તેમજ દરેડ ગ્રામ પંચાયત વિસ્તાર, જીઆઇડીસી વિસ્તાર, મસિતીયા ગ્રામ પંચાયત તેમજ તેની આસપાસના બે કિલો મીટરની ત્રિજ્યાના વિસ્તાર સિવાયના વિસ્તારમાં આવેલ ઉદ્યોગો એકમોને છૂટ રહેશે. 
          મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નગરપાલિકાની સીમાની બહાર આવેલા ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત ફૂડ પ્રોસેસીંગ ઉદ્યોગો કાર્યરત રહેશે, કોલસા ઉત્પાદન, ખાણ અને ખનીજ ઉત્પાદન, તેમનું પરિવહન, વિસ્ફોટકોનો પુરવઠો અને ખાણકામ કામગીરીની આકસ્મિક પ્રવૃત્તિઓ, પેકેજીંગ મટીરીયલનું ઉત્પાદન કરતા એકમો, મહાનગરપાલિકા અને નગરપાલિકાની હદની બહાર ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ઇંટની ભઠ્ઠીઓ આવતીકાલથી કાર્યરત થઇ શકશે. 
આ ઉપરાંત કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની તમામ કચેરીઓ, એકમો, નિગમ અને જાહેર સાહસો સ્વાયત્ત અને તાબા હેઠળની કચેરીઓ ખુલ્લી રહેશે. 
આ જાહેરનામું સરકારી ફરજ ઉપરના કર્મચારી અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધસરકારી એજન્સી તેમજ આરોગ્યલક્ષી સેવા સાથે સંકળાયેલ, જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેવા ને લાગુ પડશે નહીં. સક્ષમ અધિકારીશ્રી દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલ પાસ ધારકો,  મંજુરી હુકમ ધરાવનારા ઔદ્યોગિક એકમો/ વ્યક્તિઓ, આ ઉપરાંત ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમથી જાહેર કરવામાં આવેલ આવશ્યક સેવાઓને આ જાહેરનામુ લાગુ પડશે નહીં. 
આવતીકાલથી કાર્યરત થનાર સંસ્થાઓ પાસેથી તંત્ર દ્વારા બાહેધરી તેમજ પ્રમાણપત્ર લેવામાં આવશે. કાર્યરત એકમોએ સરકાર દ્વારા જાહેર કરેલ માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૯ મુજબ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આવતીકાલથી મળતી છૂટછાટો સાથે જ કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, “શહેર વિસ્તારમાં લોકડાઉન અગાઉની જેમ જ કાર્યરત રાખવામાં આવેલ છે,શહેરી વિસ્તારમાં કોઇ છુટછાટ આપવામાં આવેલ નથી તેમજ શાકભાજી, કરિયાણા, દુધ વગેરે આવશ્યક વસ્તુઓની દુકાનોનો સમય પણ હાલમાં જે છે તેમ જ રહેશે, જે લોકોને નંબરના ચશ્માં હોય તેઓ નંબરના ચશ્માં બનાવવા પ્રિસ્ક્રિપ્શન સાથે ઓપ્ટિકસની દુકાને જઇ શકશે જે ઓપ્ટિક્સની દુકાનોને કાર્યરત કરવામાં આવશે. કાર્યરત એકમો સિવાયના અન્ય સામાન્ય લોકો ઘરમાં જ રહે અને લોકડાઉનનું સંપૂર્ણપણે પાલન કરે. “
દિવ્યા                                   ૦૦૦૦૦૦૦૦

Wednesday, April 15, 2020

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને નાયબ મુખ્યમંત્રી સહિતના મંત્રીઓને ક્વોરેનટાઈન કરવામાં આવશે

ગુજરાત કોંગી ધારાસભ્ય ઇમરાનખેડાવાલાનો 
            કોરોના નો રિપોર્ટ પોઝિટિવ
જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગુજરાત સરકારમાં હડકંપ મચી ગયો છે. ધારાસભ્ય ઈમરાના ખેડાવાળા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, રાજ્યના મુખ્ય સચિવ, રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ, રાજ્યના ડીજીપી, અમદાવાદ પોલીસ કમિશ્નર, મ્યૂન્સિપલ કમિશ્નર, કોંગ્રેસના ધારાસભ્યો તેમજ બીજા પણ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનો દોર ચલાવ્યો હોવાથી આ તમામ રાજનેતાઓ અને ઉચ્ચ અધિકારીઓને પણ કોરન્ટાઈન થવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજે સરકારની માહિતી છૂપાવવાની નીતિના કારણે આખી રૂપાણી સરકાર અને તેમની સેના પર કોરોનાની તલવાર લટકી રહી છે.
       અમદાવાદાના કોટ વિસ્તારમાં કોરોનાના કેસો વધુ હોવાના કારણે આજે મંગળવારે કોટ વિસ્તારના ત્રણ કોંગ્રેસના ધારાસભ્યો ઈમરાના ખેડાવાલા, ગ્યાસૂદ્દીન શેખ અને દાણીલીમડા શૈલેષ પરમાર મુખ્યમંત્રીના આમંત્રણ પર ગાંધીનગર મળવા માટે આવ્યા હતા. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપ સિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ માસ્ક પહેર્યા વગર જ બેઠા હતા. જ્યારે તેમનાથી દૂર ધારા સભ્ય ગ્યાસૂદ્દીન શેખ મોઢા પર માસ્ક લગાવીને બેઠા હતા. જ્યારે કોરોના પોઝિટિવ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા મોઢા પરથી માસ્ક હટાવીને ચર્ચા કરતા હતા.
કોરોના પોઝિટિવ દર્દીને કે પછી કોઈપણ વ્યક્તિને સંક્રમણના લાગે તે માટે મોઢા પર માસ્ક પહેરાવવામાં આવે છે. માસ્ક પહેરાવવાનું કારણ એ છે કે, તેઓ વાત કરતી વખતે તેમના મોઢામાંથી સામાન્ય થૂક ઉડે ત્યારે સંક્રમણ લાગવાની શક્યાતાઓ ખુબ જ વધી જતી હોય છે. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને બે દિવસ પહેલા તાવ અને શરદીની તકલીફ હોવાથી બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ અત્યારે પોઝિટિવ આવ્યો છે.
             ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અઠવાડિયા અગાઉ અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેટર કચેરીમાં પણ બેઠકમાં ગયા હતા. જ્યા તેઓ મ્યૂનસિપલ કમિશ્નર વિજય નેહરા તેમજ ગૃહ રાજ્ય મંત્રી તેમજ પોલીસના અધિકારી સાથે બેઠક કરી હતી. અમદાવાદ મ્યૂનિસિપલ કમિશ્નર વિજય નેહરા અને અમદાવાદના પોલીસ કમિશ્નર તેમજ પોલીસ ભવનના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠક કરી ચૂક્યા છે. આમાં બધા અધિકારીઓ છેલ્લા અઠવાડિયાથી દસ દિવસના સમયગાળામાં એકબીજાના સંપર્કમાં આવ્યા હોવાથી આ તમામ ઉચ્ચ અધિકારીઓને કોરન્ટાઈનમાં રાખવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.
તે ઉપરાંત આ બધી ભાગદોડ દરમિયાન અનેક પત્રકાર પરિષદો પણ યોજાઇ છે, તેવામાં અનેક પત્રકારોને પણ હોમ કોરન્ટાઇન થવુ પડી શકે છે.
કોરોના વાયરસની મહામારી જેવી વિકટ પરિસ્થિતિમાં જ્યારે અમદાવાદના કોરોના હોટસ્પોટ વિસ્તારના ધારાસભ્યને બેઠક માટે બોલાવ્યા ત્યારે સીએમ, ડે સીએમ કે રાજ્ય ગૃહમંત્રીએ માસ્ક પહેરવાની તસ્દી કેમ ના લીધી? તે વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે? બીજી રીતે જોઇએ તો આ કોઈ પ્રશ્ન નહીં પરંતુ એક ગંભીર ભૂલ છે. કારણ કે, આજે ગુજરાતના ગાદીપત્તિઓ જ કોરન્ટાઈન કે કોરોનાના શિકાર થઇ જશે તો સામાન્ય જનતાની દેખ-રેખ કોણ રાખશે.




















Thursday, April 9, 2020

    આ તારીખ સુધી બંધ રહી શકે છે 
દેશમાં શાળા-કૉલેજો, ફાઇનલ નિર્ણય બાકી

       કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. વધતા જતા પોઝિટિવ કેસની સંખ્યાને ધ્યાને લઈને દેશના મંત્રીમંડળે તા.15 મે સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાની ભલામણ કરી છે. આ સાથે ધાર્મિક સંસ્થાઓની પ્રવૃતિઓ પણ બંધ રાખવા માટે ભલામણ કરવામાં આવી છે. સરકાર લોકડાઉન આગળ વધારે કે ન વધારે પણ આ સંસ્થાઓ તા. 15 મે સુધી બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.
               સૂત્રો દ્વારા મળતી વિગત પ્રમાણે મંગળવારે આ જાણકારી આપવામાં આવી હતી. રક્ષામંત્રી રાજનાથસિંહની અઘ્યક્ષામાં GoMએ નક્કી કર્યું હતું કે, ઘાર્મિક સંસ્થાઓ, શૉપિંગ મોલ તેમજ શૈક્ષણિક સંકુલ તા. 14 એપ્રિલ બાદ પણ ઓછામાં ઓછા ચાર અઠવાડિયા સુધી કોઈ પણ પ્રવૃતિ કરવા માટેની પરવાનગી આપી શકાય એમ નથી. આ તમામ જગ્યાએ કોઈ ગતિવિધિ શરૂ થશે નહીં. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારામણ, રામવિલાસ પાસવાન, પ્રકાશ જાવડેકર, રમેશ પોખરિયાલ વગેરે મંત્રીઓ જોડાયા હતા. તા. 14 એપ્રિલના રોજ લોકડાઉન ખતમ થઈ રહ્યું છે. સરકાર એવું વિચારે છે કે, ઉનાળું વેકેશન સહિત શાળા તથા કૉલેજ જૂન મહિનાના અંત સુધી બંધ રહેશે.
          સામાન્ય રીતે મે મહિનાના મધ્યથી ઉનાળું વેકેશન શરૂ થઈ જાય છે. મંત્રીમંડળે ભલામણ કરી હતી કે, તમામ ધાર્મિક સંસ્થાઓમાંથી કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે એક મહત્ત્વના પગલાં અંતર્ગત તા. 15 મે સુધી કોઈ પ્રકારની પ્રવૃતિઓ શરૂ કરવા માટે મંજૂરી આપી શકાય એમ નથી. GoMની રચના કોરોના વાયરસને કારણે ઊભી થયેલી વિપરિત સ્થિતિઓની સમીક્ષા કરવા માટે અને બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલાહ આપવા માટે કરવામાં આવી છે. લોકડાઉનને આગળ વધારવું કે નહીં એ અટકળ વચ્ચે દેશભરમાં ધાર્મિક કેન્દ્ર, સાર્વજનિક સ્થળ સહિત એ જગ્યાઓ પર સરકારની નજર રહેશે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ શકે એવી શક્યતાઓ છે. આ હેતું પાછળનો નિર્ણય કોરોના વાયરસની મહામારી સામે લડવા તૈયાર કરવામાં આવેલી GoMની બેઠકમાં લેવાયો હતો. મંત્રીમંડળે કોરોના વાયરસને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના માહોલ વચ્ચે ઊભી થયેલી સ્થિતિ, લેવામાં આવી રહેલા પગલાંઓની વિસ્તૃત સમિક્ષા કરી હતી. તા. 14 એપ્રિલ બાદની પણ અમુક સ્થિતિ અંગે સંક્ષિપ્તમાં ચર્ચા કરી હતી.

Tuesday, April 7, 2020

કોવિડ-૧૯ હોસ્પિટલની મુલાકાત લેતા રાજ્યમંત્રીશ્રી                     ધર્મેન્દ્રસિંહ જાડેજા




જામનગર તા. ૦૭ એપ્રિલ, આજરોજ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ  ૭૦૦ બેડની કોવિડ -૧૯ માટે તૈયાર થયેલી જી. જી. હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં મંત્રીશ્રીએ હોસ્પિટલ ખાતેની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં એક કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ ૧૪ માસના બાળકના માતા-પિતાના રિપોર્ટ નેગેટિવ આવેલ છે પરંતુ હાલ પણ તેમને દેખરેખ હેઠળ રખાયા છે, આગામી પાંચ થી આઠ અથવા તો બાર દિવસોમાં પણ તેના લક્ષણો જણાઈ શકવાની શક્યતાને કારણે તેમને ક્વોરેંટાઇન કરેલ છે અને  ડોક્ટરો દ્વારા બાળકની સારવાર કરવામાં આવી રહી છે. બાળક હાલ વેન્ટિલેટર પર છે. સરકાર દ્વારા પરિસ્થિતિની સમીક્ષા કરાઈ, આગામી દિવસોમાં કોઈપણ પ્રકારની આવશ્યકતા હોય કોરોના સામેની લડતમાં જામનગર જિલ્લાની આવશ્યકતા તાત્કાલિક પરિપૂર્ણ કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.
             અહીં જિલ્લા શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખભાઈ હિંડોચાએ રાજ્યમંત્રીશ્રી સાથે હોસ્પિટલની મુલાકાત લઇ કહ્યું હતું કે, હોસ્પિટલ ખાતે ખૂબ સારી વ્યવસ્થા ગોઠવાઇ છે સાથે જ લોકોને જણાવવાનું કે, છેલ્લા ૨૪ કલાકમાં જ ગુજરાતમાં ૨૨ જેટલા લોકો આ રોગમાંથી મુક્ત થઈ અને પોતાના ઘરે સ્વસ્થ થઈને પહોંચ્યા છે ત્યારે લોકો આ રોગથી ગભરાય નહીં. સારવાર,દવાથી આ રોગ સામે લડત કરી શકાય છે પરંતુ સાથે જ આ રોગ લાગુ ના પડે તે માટે સાવચેત રહેવા અપીલ કરતા કહ્યું હતું કે લોકો ઘરમાં રહે સાવચેત રહે.
      આ મુલાકાતમાં ડીન શ્રી નંદિની દેસાઈ, અધિક્ષકશ્રી નંદિની બાહિરી, નોડલ ઓફિસરશ્રી એસ.એસ.ચેટરજી, ડો.શ્રી દિપક તિવારી, ડો.શ્રી  ભુપેન્દ્ર ગોસ્વામી, ડો.શ્રી મનીષ મહેતા જેવા સિનિયર ડોક્ટરો  અને  માધ્યમ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Monday, April 6, 2020

કલેકટરશ્રી રવિશંકરએ કોરોના સંકટ અંગે બેઠક યોજી

આંતર રાજ્ય,જિલ્લા કે વિદેશથી આવેલ લોકોને તંત્રનો સંપર્ક કરવા અનુરોધ


જામનગર તા. ૦૫ એપ્રિલ, આજરોજ કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી રવિશંકરે કોરોનાવાયરસની બીમારી અંગે આગામી દિવસોમાં જિલ્લામાં લેનારા પગલાં વિશે અન્ય અધિકારી/કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી તેમજ લોકોને અપીલ પણ કરી હતી કે  જામનગરમાં પ્રથમ પોઝિટિવ કેસ ગઇકાલે જોવા મળેલ છે. ત્યારે દરેડ, દરેડ જી.આઇ.ડી.સી. અને મસીતીયા વિસ્તારને સંપૂર્ણ ક્વોરેંટાઇન કરવામાં આવેલ છે, અવરજવર બંધ કરવામાં આવેલ છે ત્યારે આ વિસ્તારના લોકો પોતાના ઘરમાંથી અન્ય ઘરમાં જવાનો પ્રયાસ પણ ન કરે અન્યથા આ રોગ વધુ ફેલાવાનો ભય છે. સાથે જ લોકો પોતાની આસપાસમાં પણ ક્યાંય જો કોઇ વિદેશથી કે અન્ય રાજ્યમાંથી આવેલ હોય તો તંત્રને તુરંત જાણ કરે. ગઇકાલે રાતથી જ તંત્ર દ્વારા દરેડ વિસ્તારને સોડીયમ હાઇપોક્લોરાઈડના દ્વાવણથી સેનીટાઇઝ કરવાનું શરૂ થયું છે, આ કાર્યમાં લોકો સહયોગ આપે. આ સાથે જ જે લોકોને શરદી, ઉધરસ કે તાવની ફરિયાદ હોય તેઓ હેલ્પલાઇન નં. ૦૨૮૮-૨૫૫૩૧૫૨,૦૨૮૮-૨૫૫૩૧૫૩,૦૨૮૮-૨૫૫૩૧૬૭  ઉપર સંપર્ક કરે જેથી આરોગ્ય વિભાગ આપને મદદરૂપ થઇ શકે. જો કોઇ લોકો કોઇપણ માહિતી છુપાવશે તો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા સમાહર્તાશ્રીએ ઉમેર્યુ હતું.

Saturday, April 4, 2020

ગણતરીના કલાકોમાં જ લાલપુર નાના ખડબા 
      ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો 

ગ્રેવીટી ન્યૂઝ જામનગર તા. 4 : ગઈકાલે 3-4-2020 ના સાંજના સમયે લાલપુર તાલુકાના મોટા ખડબા ગામની સીમમાં આવેલ પ્રવીણ સિંહ મનુભા જાડેજાની વાડીમાં ભાગીયું રાખી કામ કરતા નાના ખડબા ના લખમણ ઉર્ફે પીરો કરસનભાઈ વાણીયાની આઠેક વાગ્યાના અરસામાં તિક્ષણ હથિયારના ઘા મારી મોત નીપજાવેલ હોય જે અંગે મરણ જનારના ભાઈ કેશુભાઇ કરસનભાઈ વાણિયાએ લાલપુર પોલીસમાં ગુન્હો નોંધાવેલ જે ગુન્હામાં આરોપીઓને શોધી કાઢવા અંગે લાલપુર પોલીસ તથા એલસીબી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.        
જિલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલનાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એસ.ચાવડા તેમજ એલ.સી.બીના  પો..ઇ કે.કે.ગોહિલ, પો.સ.ઈ આર. બી.ગોજીયા તથા એલ.સી.બી સ્ટાફને અને  લાલપુર પોલીસ સ્ટેશનના પો.સ.ઈ બી.એસ.વાળા તથા જામ ગ્રામ્ય વિભાગના સર્કલ પો.ઈ આર. બી.ગઢવીને આરોપીઓ શોધી કાઢવા સૂચના કરવામાં આવેલ હતી.
 જે અન્વયે એલ.સી.બી સ્ટાફ તથા લાલપુર પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો કાર્યરત કરી આ ગુન્હામાં ખૂનને અંજામ આપનાર (1)અંજુબેન લખમણ ઉર્ફે પીરો કરસન ભાઈ વાણીયા રે.નાના ખડબા તા.લાલપુર  (મરણ જનારની પત્ની) તથા (2)પ્રફુલ રામજીભાઈ સોરઠીયા રે બાધલા તા.લાલપુર  વાળા એ સાથે મળી માથામાં તિક્ષ્ણ હથિયાર વડે ઈજા કરી ખુન નીપજાવેલ છે. 
આ બનાવમાં મરણ જનાર લખમણભાઇ વાણીયાની પત્ની અંજુબેન વાણિયાને પ્રફુલ સોરઠીયા સાથે પાંચેક વર્ષથી પ્રેમસંબંધ હોય જે પ્રેમ સંબંધમાં લખમણભાઇ વાણીયા નડતરરૂપ થતા હોય જેથી બંને પ્રેમીએ મળી અગાઉથી પૂર્વ આયોજિત કાવતરું રચી લખમણ વાણીયાને માથામાં તિક્ષ્ણ હથિયાર વડે ઈજા કરી  હત્યા નીપજાવેલ હોય જે બંનેને જામનગર એલ.સી.બી તથા લાલપુર પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. 
આ ગુન્હામાં વપરાયેલા મોટરસાયકલ તથા મોબાઈલ ફોન કબજે કરી પો.સ.ઇ બી.એસ.વાળા તથા લાલપુર સ્ટાફ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કાર્યવાહી પો.ઈ કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ આર. બી.ગોજીયા  એલસીબી સ્ટાફના ફિરોજભાઈ દલ, નિર્મળસિંહ બી.જાડેજા, પ્રતાપભાઈ ખાચર, વનરાજ ભાઈ મકવાણા, મીતેશભાઈ પટેલ અરવિંદગીરી તથા લાલપુર પો.સ્ટે ના પો.સ.ઈ બી.એસ.વાળા તથા ટીનુભા જાડેજા, ખોડુભા જાડેજા, મહાવીર સિંહ વાઘેલા, પ્રદિપસિંહ જાડેજા ભગીરથસિંહ જાડેજા, રીધી બેન તથા સીમાબેન વગેરે દ્વારા કરવામાં આવેલ છે. 

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...