લતીપુર તાલુકા શાળામાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવોત્સવ કાર્યક્રમનો કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે શુભારંભ કરાવ્યો
લતીપુર તાલુકા શાળામાં ધો.૧માં ૫૯ બાળકોએ તથા આંગણવાડીના ૩૦ ભુલકાઓએ વિદ્યારંભ તરફ ડગલું માંડ્યું બાળકોના અભ્યાસનો પાયો મજબૂત બને તે માટે સરકાર સતત પ્રયત્નશીલ : કૃષિમંત્રીશ્રી
જામનગર તા.૨૩ આજે ૨૩મી જુનથી રાજ્યભરમાં ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવશોત્સવ-૨૦૨૨-૨૩ કાર્યક્રમની શરુઆત થઈ છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લાના લતીપુર ગામે રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે આ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. લતીપુર તાલુકા શાળામાં આજે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો.૧માં ૫૯ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. કૃષિમંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી આવકારવામાં આવ્યા હતાં. તેમજ આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર ૩૦ જેટલા ભૂલકાઓને રમકડાંની કીટ આપી સુખડી અને ચોકલેટથી મો મીઠું કરાવીને પાપા પગલી કરાવી હતી. તેમજ આંગણવાડીના બહેનોને કીટ વિતરણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, બાળકોના શિક્ષણનું પ્રથમ પગથિયું આંગણવાડી છે અને પ્રાથમિક શિક્ષ્ણએ વિદ્યાર્થીઓના અભ્યાસક્રમનો પાયો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેથળ સરકાર વિદ્યાર્થીઓનું શિક્ષણ સ્તર ઊંચુ લાવવાના સતત પ્રયાસો કરી રહી છે. અને તેમના અભ્યાસક્રમ માટે શિષ્યવૃત્તિથી માંડીને વિદેશ જવા સુધીની યોજનાઓ અમલમાં મૂકી છે, જેના પરિણામે વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધરે. કન્યા કેળવણી માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ અવ્વલ છે. વધુમાં મંત્રીશ્રીએ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે વાલીઓને સૂચન આપતા જણાવ્યું હતું કે પેટે પાટા બાંધીને પણ તમારા બાળકોને ભણાવજો, ભવિષ્યમાં તેનું વળતર વ્યાજ સાથે મળશે. તેમજ શિક્ષકોને પણ ગુણોત્સવ પર ભાર આપવા તેમજ અભ્યાસક્રમથી માંડીને રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં બાળક અવ્વલ રહે તે પ્રકારે શિક્ષણ આપવા જણાવ્યું હતું. બાદમાં શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. શાળામાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. અને ઉપસ્થિત મહાનુભાવોનું પુસ્તક આપી સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મનસુખભાઈ ચામાડિયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી ખાંટ, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નવલભાઈ મૂંગરા, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી રમેશભાઈ બારૈયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સરપંચ શ્રી હસમુખભાઈ સરવૈયા, શાળાના આચાર્ય શ્રી મીનાબેન, શ્રી મનસુખભાઈ ચભાડીયા, શ્રી ગણેશભાઈ મુંગરા, સેવા સહકારી મંડળીના પ્રમુખ શ્રી ગણેશભાઈ રામાણી, પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ, દાતાશ્રીઓ, SMC નાં સદસ્યો, આગેવાનો શિક્ષકગણ, આંગણવાડીના બહેનો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
No comments:
Post a Comment