Friday, November 11, 2022

જામનગરના પંચવટી વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી 1.5 લાખના રોકડ સહિત મુદ્દામાલની કરી ચોરી

જામનગરના પંચવટી ગૌશાળા બોર્ડિંગ સામેની શેરીમાં ૧૨૮-અ, આવકાર ખાતે રહેતા નિવૃત બેંક કર્મચારી હરેશકુમાર ગુણવંતરાય ત્રિવેદીના બંધ રહેણાંક મકાનમાં ગત તા. ૪-૧૧-૨૨ થી ૧૦-૧૧-૨૨ના કોઇપણ સમય દરમ્યાન અજાણ્યા શખ્સો ત્રાટકયા હતા, મકાનની અંદરના મેઇન દરવાજાના તાળા, નકુચા તોડી ગેરકાયદે રૂમમાં પ્રવેશ કર્યો હતો.


જામનગર પંચવટી ગૌશાળા નજીક રહેણાક મકાનમાં ત્રાટકેલા તસ્કરો રોકડ, સોનુ-ચાંદી અને ઇમીટેશન જવેલરી મળી દોઢ લાખનો મુદામાલ ચોરી કરી ગયા હતા પોલીસ ટુકડી દ્વારા તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે, જેમાં સીસી ફુટેજ ચેક કરતા બે શખ્સ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા છે, પાંચ દિવસ બંધ રહેલા મકાનમાં તસ્કરોએ તમામ લોક તોડી સામાન વેર વિખેર કરીને ચોરી કરી નાશી છુટયા હતા, જયારે કાલાવડના સરદાર કોમ્પ્લેક્ષ પાસે મહિલાની નજર ચુકવીને બે હજારની રોકડ, સોનાના દાગીના મળી ૫૦ હજારના મુદામાલવાળુ પર્સ કોઇ ચોરી કરી ગયું છે.


અજાણ્યા શખ્સો રૂમના કબાટ અને ખાનાનું લોક તોડીને અંદરથી ૧૫ ગ્રામ,  ૬૦ હજારની કિંમતનું સોનુ, ૧૦૫૦ ગ્રામ ચાંદી, ૬૩૪૦૦ની રોકડ તથા ઇમીટેશન જવેલરી મળી અંદાજે દોઢ લાખનો મુદામાલ ચોરી કરી ગયા હતા, રૂમની અંદર રહેલા સાતથી આઠ જેટલા કબાટના લોક તોડી અંદરના તમામ ખાના પણ તોડી નાખ્યા હતા અને સામાન વેરવિખેર કરી નાખ્યો હતો, ગઇકાલે આ અંગેની જાણ થતા મકાન માલિક બહારગામથી પરત ફર્યા અને પોલીસને જાણ કરાતા ટુકડી સ્થળ પર દોડી ગઇ હતી.


દરમ્યાનમાં હરેશકુમાર ત્રિવેદી દ્વારા સીટી-બીમાં ઉપરોકત વિગતોના આધારે અજાણ્યા શખ્સો સામે ચોરી કરી ગયાની વિધિવત ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે, સીટી-બી પીઆઇ ઝાલાની સુચનાથી પીએસઆઇ વાઢેર સહિતની ટુકડી તપાસમાં જોડાઇ હતી અને આજુબાજુના સીસી ફુટેજ ચેક કર્યા હતા જેમાં બુકાનીધારી બાઇકમાં આવેલા બે શખ્સ શંકાના દાયરામાં આવ્યા છે જે દિશામાં તપાસ લંબાવવામાં આવી રહી છે. છેલ્લા થોડા દિવસથી શહેર વિસ્તારમાં તસ્કરોની રંઝાડ વધી રહી છે, તાજેતરમાં મોમાઇનગર વિસ્તારમાં એકી સાથે ત્રણથી ચાર મકાનને નિશાન બનાવવામાં આવ્યા હતા જેમાં પણ સીસી ફુટેજ ચેક કરતા બાઇકમાં આવેલ બે શખ્સ કેદ થયા હતા.


​​​​​​​

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...