Saturday, November 12, 2022

આઠ તેજસ્વી લડવૈયાઓએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા માટે આકાશને ભેદતા આકર્ષક કરતબો રજૂ કર્યા

IAF ની તેજસ્વી સૂર્યકિરણ એરોબિક ટીમે નગરના આકાશમાં ઝળહળતા દ્રશ્યો સર્જ્યા ૯ હોક એમકે-132, એરક્રાફ્ટે આકાશમા રાજ કર્યું

જામનગરમાં આરેબેટીક પ્રદર્શનનો ઉદ્દેશ્ય ભારતીય વાયુ સેનાના પાયલોટ્સની વ્યવસાયિકતા અને કૌશલ્ય પ્રદર્શિત કરવાનુ છે.



જામનગર, તા.12, આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરુપે ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટીક ટીમ (સ્કેટ) એ 90 મી વર્ષગાંઠની ઉજવણી માટે જામનગરના આકાશમાં વિવિધ કરતબો અને સ્ટન્ટ પ્રદર્શિત કર્યા હતા, ભારતીય સેનાની વિશ્વ વિખ્યાત સૂર્યકિરણ એરોબેટીક ટીમે આકાશને ભેદતાં અને આકર્ષક અને હેરતઅંગેઝ સ્ટન્ટ કરતાં જામનગરવાસીઓને રોમાંચિત અને ઠંડકની અનુભૂતિ કરાવી હતી, ગઇકાલે શુક્રવારના દિવસે હજ્જારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલાં યુવાનો અને બાળકોને હવામાં રોમાંચનો આનંદ માણવાનો આદર્શ સમય મળ્યો હતો, કારણ કે, સ્કેટએ લાંબા અંતરાલ પછી આકાશ પર રાજ કર્યું હતું.






ભારતીય વાયુ સેનાના આઠ ડેરડેવીલ પાયલોટ્સની ટીમે લડાકુ વિમાન સાથે ઉડાન ભરીને જેના માટે તેઓ જાણીતા છે, રોમાંચક પ્રદર્શનો કર્યા હતા, પ્રદર્શનની શરુઆત બાદ આગામી 25 મીનીટ હવામાં રોમાંચિત હતી, કારણ કે સુર્યકિરણ ટીમે બે ભાગમાં સ્ટન્ટ કર્યા હતા, પ્રથમ ભાગમાં વણાંક, વીંગઓવર, લુપ્સ અને બેરલ રોલ્સનો સમાવેશ થાય છે, એર-શો માં ટીમ કમ્પોઝીટ અને સિંક્રોમા પ્રદર્શન કર્યું હતું, તેઓએ આલ્ફાક્રોસ, ડબલ ફોર્ક સ્ક્રૂ, રોલબેક, હાર્ડટર્ન અને પીલ ટુ લેન્ડ કરતબ બતાવ્યા હતા.


સુર્યકિરણ એરોબેટીક ટીમની રચના વર્ષ 1996 માં કરવામાં આવી હતી અને ત્યારથી તેને સામાન્ય રીતે નવ વિમાનો સાથે અસંખ્ય પ્રદર્શનો કર્યા છે, હાલમાં હોક એમકે-132, એરક્રાફ્ટ, સ્કેટનો ભાગ છે, જામનગરમાં આ આરેબેટીક પ્રદર્શનનો ઉદ્દેશ્ય ભારતીય વાયુ સેનાના પાયલોટ્સની વ્યવસાયિકતા અને કૌશલ્ય પ્રદર્શિત કરવાનો તેમજ સાથે સાથે યુવાનોમાં દેશભક્તિની ભાવના જગાવવાનો છે.


આ સૂર્યકિરણ એરોબિક ટિમ દ્વારા ગઇકાલે અને આજે સતત બીજા દિવસે સવારે 9.30 વાગ્યે  ફૂડ ઝોન આદિનાથ પાર્ક પાસેના સ્થળે પણ કાર્યક્રમ યોજાયો છે, જેમાં શહેર-જિલ્લાના નગરજનો-મીડીયાકર્મીઓને પણ આમંત્રિત કરાયા છે, આ કાર્યક્રમ દરમ્યાન ગઇકાલે જામનગર શહેર નજીક એરપોર્ટ રોડ પર આવેલી સ્વામિનારાયણ ફિઝિયોથેરાપી કોલેજ તથા ફૂડ ઝોન, આદિનાથ પાર્ક પાસે પ્રદર્શન નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જે બંને સ્થળો પર સ્વામીનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ, મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ, કોર્પોરેશન સંચાલિત પંદર જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ, પોદાર સ્કૂલના વિદ્યાર્થીઓ, એરફોર્સની કેન્દ્રીય વિદ્યાલયની પાંચ શાળાઓના વિદ્યાર્થીઓ, સૈનિક સ્કૂલ બાલાચડીના વિદ્યાર્થીઓ સહિત તેમના વાલીઓ અને જામનગરના આમંત્રિત મહેમાનો-મહાનુભાવો આ એર-શો નિહાળવાનો આનંદ માણ્યો હતો.

આ એર-શો દરમિયાન જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર ભાવેશભાઇ જાની તેમજ એરફોર્સના અધિકારીઓ, જવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમ અન્વયે એરફોર્સના આ સૂર્યકિરણ ટીમના જવાનોએ આકાશમાં અદ્દભૂત-હેરતઅંગેજ કરતબો રજૂ કર્યા હતા જેને ઉપસ્થિત પ્રેક્ષકો નિહાળી રોમાંચિત થયા હતા.જામનગરમા તેજસ્વી સૂર્ય કિરણ ટીમના ગ્રુપ કેપ્ટન જી.એસ. ધિલ્લોન કમાન્ડિંગ ઓફિસર છે અને ટીમમાં SQN LDR ડી. ગર્ગ, SQN LDR પી. ભારદ્વાજ, WG CDR એ. યાદવ, WG CDR આર. બોરડોલોઈ, SQN LDR એ. જ્યોર્જ, WG CDR એ. ગોઆકર, SQN LDR એમ. ભલ્લા, SQN LDR એચ. સિંઘ, SQN LDR એ. સલારિયા હતા. આ શોના કોમેન્ટેટર FLT LT આર ગુરુંગ હતા. આજે તેઓ આઠ એરક્રાફ્ટ સાથે ઉડ્યા હતા. આજે બીજા દિવસના કાર્યક્રમ દરમિયાન આમંત્રિત મહાનુભાવોનો કાફલો ઉપસ્થિત રહ્યો હતો, જામનગરના કલેક્ટર સૌરભ પારઘી, એસ.પી પ્રેમસુખ ડેલું, વાલસુરાના કોમોડોર જે એમ ધનવા, કમિશ્નર વિજય ખરાડી, એર ફોર્સના એર કોમોડોર આનંદ સાથે આમંત્રિત મહાનુભાવો સહીત અલગ અલગ શાળાના ૪૫૦૦ જેટલાં બાળકો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.


No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...