પાણી પુરવઠો ખોરવાતાં પડકારજનક સ્થિતિમાં સરકારે સમયસર પાણી પહોંચાડવાનો પડકાર ઝીલી ત્વરિત કામગીરી હાથ ધરી
નદીના ૩૦૦ મીટર પહોળા તેમજ ૭ મીટર ઊંડા પટમાં તાત્કાલિક નવી પાઈપલાઈન નાંખી મશીન અને માનવબળની સહાય અને આગવી સૂઝબૂઝથી કાર્ય પૂર્ણ થયું
નદીના ૩૦૦ મીટર પહોળા તેમજ ૭ મીટર ઊંડા પટમાં તૂટેલી આ લાઈનની તાત્કાલિક મરામત કરી પાણી પુરવઠો ફરી ચાલુ કરવો અત્યંત મુશ્કેલ હતો. જ્યાં સુધી હયાત પાઇપલાઇનની મરામત પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ૪ ગામોમાં પાણી પુરવઠો ચાલુ રાખવા માટે સરકાર દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરી હંગામી એચ.ડી.પી.ઈ. કોઈલનો ઉપયોગ કરીને પાણી પુરવઠો ચાલુ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાણીને નદી પાર પહોચાડવા માટે પાઇપલાઇન નાખવાનું કામ ખૂબ જ પડકારજનક હતું. ત્યારે આગવી સૂઝબૂઝથી કામ લઇ આ પાઇપલાઇનને પ્લાસ્ટીકના બેરલના સહારે નદી ઉપર તરતી રાખવાનું નક્કી કરવામાં આવ્યું. અંતરિયાળ અને નદી કાંઠાનો આ વિસ્તાર રેતાળ-માટીવાળો હોવાથી આ સ્થળ પર પહોંચવાના રસ્તાઓ પણ એટલા જ કાચા અને મુશ્કેલ ભર્યા હતા. વધુમાં આજુબાજુના કેટલાક કિલોમીટર સુધી મરામત માટેની સામગ્રી પણ મળવી મુશ્કેલ હતી. તેમ છતાં આ સ્થળ પર લોકસહયોગથી ત્યાં કામગીરી માટેની તમામ સાધન સામગ્રીનું તાત્કાલિક આયોજન કરી તૈયાર કરાઈ હતી.
મશીન અને માનવબળના સમાન સહયોગથી આ હંગામી પાઇપલાઇનને નદીના ભાગમાં ઉતારી તેને સામા કાંઠા સુધી ખેંચવા માટે બોટ તેમજ કુશળ તરવૈયાઓનો સહારો લેવામાં આવ્યો હતો. તરવૈયાઓની મદદથી પાઇપલાઇનને બેરલ સાથે બાંધીને સામેના કાંઠે પહોંચાડાઇ હતી. નદીના બંને કાંઠે મશીનો દ્વારા પાઈલાઈનને સામ-સામે ખેંચીને સીધી કર્યા બાદ ત્યાં તાત્કાલિક ઉભા કરાયેલા થાંભલા સાથે બાંધવામાં આવી હતી. ત્યારબાદ અગાઉથી જ તૈયાર કરાયેલા કોંક્રિટના બ્લોકને બોટમાં ઉતારી તેને ૮ થી ૧૦ મીટરના અંતરે પાઇપલાઈન સાથે બાંધીને એક પછી એક બેરલને છોડીને આ પાઇપલાઇન ને નદીમાં ડૂબાડવામાં આવી હતી અને આ કામગીરી પૂર્ણ થયા બાદ આ હંગામી પાઇપલાઇનના બંને છેડાઓને જોડીને તેમાં પાણી ભરી આ ૪ ગામોને ત્વરિત પાણી પહોંચાડવામાં આવ્યું હતું.