ગુજરાત વિધાનસભા ચૂંટણી અન્વયે જામનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગોની મતગણતરી તા.8-12-2022ના રોજ ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત બી. બી. એ./એમ. બી. એ. હરિયા કોલેજ, ઇન્દિરાનગર, ઉધ્યોગનગરની પાસે જામનગરના બિલ્ડિંગમાં યોજાનાર છે. મતગણતરીણી કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ શકે મતગણતરી દરમિયાન કોઈપણ વ્યક્તિ ખલેલ પહોંચાડે નહિ તથા મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ બાધા કે વિક્ષેપ ન થાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી. એન ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ,
1.કોઈપણ વ્યક્તિ સક્ષમ અધિકારી તરફથી ઇસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વીના મતગણતરી કેન્દ્રમાં દાખલ થશે નહિ તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરશે.
2.ઉમેદવાર કે તેમના ચૂંટણી એજન્ટ કે તેમના મતગણતરી એજન્ટ કે જેમણે વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હળમાં પ્રવેશ માટે પ્રવેશ પાસ ઇસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્ય મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહિ.
3.કોઈપણ વ્યક્તિ કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યક્તિ મતગણતરી કેન્દ્રના પ્રીમાઇસીસમાં કે મતગણતરી હોલમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, ઇલેક્ટ્રિક ગેજેટ્સ, સ્માર્ટ વોચ, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈપણ ઉપકરણો લઈ જશે નહિ કે તેનો ઉપયોગ કરી શકશે નહિ.
4.સમાચાર સંસ્થાઓના વ્યવસાય સાથે સંકળાયેલ પત્રકારો કે જેઓ રાજ્યસરકાર તરફ થી ઇસ્યુ થયેલ એક્રેડિશન કાર્ડ ધરાવે છે અને તેમણે વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 ના કવરેજ માટે ભારતના ચૂંટણીપંચ/ મુખ્ય નિર્વાચીન અધિકારીશ્રી ગુજરાત રાજ્ય દ્વારા પ્રવેશ પાસ આપવામાં આવેલા કે તેવા પત્રકારો મત ગણતરી માટે નક્કી થયેલ બિલ્ડિંગમાં રાખવામાં આવેલ મીડિયા સેન્ટર/કોમ્યુનિકેશન સેન્ટર સુધી મોબાઈલ સાથે લઈ જઇ શકશે પરંતુ તેઓને કોઈપણ વિધાનસભા મત વિસ્તારના મત ગણતરી હોલમાં મોબાઈલ સાથે પ્રવેશ કરવાની મનાઈ રહેશે.
5.જાહેર આરોગ્ય અને સુખાકારી માટે મત ગણતરી મથકમાં સ્વચ્છતા જળવાઈ રહે તે અતિ આવશ્યક હોય, બિલ્ડિંગમાં તેમજ કમ્પાઉન્ડમાં પાન,મસાલા અને ગુટખા અને ધુમ્રપાન પર નિષેધ રહેશે.
6.મતગણતરી કેન્દ્ર પર સક્ષમ અધિકારીશ્રીએ નક્કી કરેલ પાર્કિંગ સ્થળે જ વાહન પાર્ક કરવાનું રહેશે.
આ હુકમ અન્વયે જામનગર જિલ્લામાં ફરજ બજાવતા થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ પગલાં લેવા માટે ભારતના ફોજદારી અધિનિયમ-1860ની કલમ 188 હેઠળ ફરિયાદ કરવા અધિકૃત કરવામાં આવે છે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.એન. ખેર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.