રૂ.૩૯ લાખના ખર્ચે જાંબુડા, અલીયા, મોડપર અને ખોજા બેરાજા ગામે નિર્માણ પામશે નવીન ચેકડેમ આ ચેકડેમના નિર્માણ થકી રાજ્ય સરકારનું સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં સૂત્ર ચરિતાર્થ થશે : કૃષિમંત્રી શ્રી
જામનગર તા.૨૭, રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના જાંબુડા, અલીયા, મોડપર અને ખોજા બેરાજા ગામે ચેકડેમોનું ખાતમુહૂર્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા જામનગર જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી કાર્યો માટે રૂ.૩૫ કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઇ છે. જેમાંથી ઉપરોક્ત ચાર ગામોમાં કુલ ૩૯ લાખના ખર્ચે આ ચેકડેમોના નિર્માણ કાર્યને મંજૂરી મળી છે.
કૃષિમંત્રીશ્રીએ વિવિધ ચેકડેમોના ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું કે સ્થાનિક તળાવો જ આપણી નર્મદા છે ત્યારે આગામી સમયમાં નિર્માણ પામનારા આ ચેકડેમોથી વરસાદી પાણીનો સંગ્રહ થશે અને વરસાદી પાણી દરિયામાં જતું અટકશે. જામનગરએ દરિયાકિનારાનો વિસ્તાર હોય અંહી તળમાં પાણીની અછત છે ત્યારે ચેકડેમના પરિણામે વરસાદી પાણીનો સંગ્રહ થતાં પાણીના તળ ઊંચા આવશે અને ખેડૂતોને પણ સિંચાઇના પાણીનો લાભ મળશે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ખેડૂત સમૃદ્ધ તો દેશ સમૃદ્ધની નેમને સાકાર કરવા કૃષિલક્ષી અનેક યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે આ ચેકડેમના નિર્માણ થકી સિમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં સૂત્ર પણ સાર્થક થશે. વિવિધ ગામોમાં મંત્રીશ્રીનું ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. મંત્રીશ્રીએ આ તકે જામનગર જિલ્લા પંચાયતના અધિકારીઓ અને ઇજનેરોના ખેડૂતો પ્રત્યેના ઉત્સાહને અવકાર્યો હતો.
ખાતમુહૂર્ત કરાયેલા આ ચેકડેમોમાં જાંબુડા ગામ તળાવ ખાતે બંધાનાર ચેકડેમ રૂ.૧૨ લાખ, અલિયા ખાતે મચ્છુ માતાજી ચેકડેમ રૂ.૧૨ લાખ, મોડપર ગામે સી.ડી. ચેકડેમ રૂ.૮ લાખ તેમજ ખોજા બેરાજા ગામે સી.ડી. ચેકડેમનું રૂ.૭ લાખના ખર્ચે આગામી સમયમાં નિર્માણ કાર્ય પૂર્ણ થશે.
આ પ્રસંગે જામનગર જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી ભરતભાઈ બોરસદીયા, સિંચાઇ સમિતિના ચેરમેન શ્રી વિનોદભાઇ, સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી ખાંટ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ભાવનાબેન ભેંસદડીયા, શ્રી નંદલાલભાઈ ભેંસદડીયા, શ્રી જેન્તીભાઈ, શ્રી રાજેન્દ્રભાઈ પંડયા, સરપંચ શ્રી શરદભાઈ ગઢવી, શ્રી હિરજીભાઈ યાદવ, શ્રી મહેન્દ્રસિંહ જાડેજા, શ્રી મુકેશભાઇ મૂંગરા, શ્રી મહેશભાઇ મકવાણા, શ્રી જયપાલસિંહ, શ્રી કેતનભાઈ સભાયા, તલાટી મંત્રી શ્રી હમીરભાઈ ચંદ્રવાડિયા, તલાટી મંત્રી શ્રી જિતેન્દ્રભાઇ પેથાણી સહીતના અધિકારીશ્રીઓ, આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા